<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

સુરત ગ્રામ્યના પીપોદરામાં સ્ટેટ મોનિટરિંગ સેલનો મોટો દરોડો : સાબુ અને ડિટર્જન્ટની આડમાં લઈ જવાતો ૨૨.૧૫ લાખનો વિદેશી દારૂ ઝડપાયો :જુઓ વિડીયો

એસએમસીએ કુલ ૭૮.૪૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી બે શખ્સોની ધરપકડ કરી : સિલવાસાના સપ્લાયર સહિત પાંચ બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી કોસંબા પોલીસમાં ગુનો નોંધાયો

સુરત :રાજ્યના સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે સુરત ગ્રામ્યના કોસંબા પોલીસ સ્ટેશનની હદમાં આવતા પીપોદરા ગામની જીઆઈડીસીમાં પ્રોહિબિશન કટિંગ પર સફળ દરોડો પાડી વિદેશી દારૂનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.એસ. રાજપૂતની આગેવાનીમાં પાડવામાં આવેલા આ દરોડામાં સાબુના બોક્સ અને ડિટર્જન્ટ પાઉડરની આડમાં છુપાવેલી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ ૬૦૭૬ બોટલો મળી આવી હતી.
૭૮.૪૦ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
પોલીસ તપાસમાં ઘટનાસ્થળેથી ૨૨,૧૫,૭૩૫ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ, ૧૨૧૦ બોક્સ ન્હાવાના સાબુ અને ૧૨૫ બેગ ડિટર્જન્ટ પાઉડર જેની કિંમત ૧૯,૪૨,૨૪૦ રૂપિયા થાય છે તે મળી આવ્યા હતા. આ ઉપરાંત, દારૂની હેરાફેરીમાં વપરાતો એક ટાટા ટ્રક અને ત્રણ મોટરસાયકલ (કિંમત ૩૬,૫૦,૦૦૦ રૂપિયા), બે મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ ૭૮,૪૦,૮૭૫ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
સ્થળ પરથી બે આરોપીની ધરપકડ
એસએમસીની ટીમે દરોડા દરમિયાન બે આરોપીઓની અટકાયત કરી છે, જેમાં નારાયણસિંહ કાનસિંહ રાવત (રહે. ભીલવાડા, રાજસ્થાન) અને વિનોદ કિશનજી બંસીવાલ (રહે. કામરેજ, સુરત ગ્રામ્ય) નો સમાવેશ થાય છે. આ બંને આરોપીઓને આગળની તપાસ માટે કોસંબા પોલીસને સોંપવામાં આવ્યા છે.
સપ્લાયર અને રિસીવર સહિત પાંચ વોન્ટેડ
આ દારૂના કૌભાંડમાં સામેલ અન્ય પાંચ શખ્સોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. જેમાં દારૂ સપ્લાય કરનાર સિલવાસાનો આર્યન ઉર્ફે સાવરિયા સરકાર ઉર્ફે અરવિંદ, રાજસ્થાનનો હરદેવસિંહ, દારૂ મંગાવનાર ધર્મેશ ઉર્ફે ધમો વસાવા (રહે. પાલોદ, સુરત) અને રાજેશ ઉર્ફે રાજુ કોઠારિયા (રહે. માંગરોળ) તેમજ ટ્રક નંબર GJ 19 BN 1232 ના માલિક સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ ટોળકી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

(10:17 PM IST)