News of Tuesday, 10th February 2026
વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં મગરોની સંખ્યા હજુ ઊંચા સ્તરે યથાવત :કુલ 417 મગરોની વૈજ્ઞાનિક ગણતરી પૂર્ણ
નરહરિ હોસ્પિટલથી કાલાઘોડા સુધીના પટમાં સૌથી વધુ 103 મગરોની હાજરી: વિશ્વામિત્રીના 25 કિમી વિસ્તારમાં 10 ઝોન બનાવી દિવસ દરમિયાન સીધી નજરે અને રાત્રે ટોર્ચલાઈટ દ્વારા મગરોની હાજરી ઓળખી ગણતરી કરાઈ

વડોદરા શહેરની વચ્ચેથી વહેતી વિશ્વામિત્રી નદીમાં મગરોની સંખ્યા હજુ પણ ઊંચા સ્તરે યથાવત્ હોવાનું તાજેતરની ગણતરીમાં સામે આવ્યું છે. 7 ફેબ્રુઆરીના રોજ હાથ ધરાયેલી સઘન ગણતરીમાં વિશ્વામિત્રી નદીમાં કુલ 417 મગરો નોંધાયા છે. આ ગણતરીમાં શહેરના તળાવોનો સમાવેશ ન કરવામાં આવ્યો હોવા છતાં આ આંકડો નોંધપાત્ર માનવામાં આવી રહ્યો છે.
ગણતરી મુજબ નરહરિ હોસ્પિટલથી કાલાઘોડા સુધીના અંદાજે 2 કિમીના પટમાં સૌથી વધુ મગરોની હાજરી નોંધાઈ છે. આ વિસ્તારમાં એકલા 103 મગરો જોવા મળ્યા છે, જેના કારણે આ પટને વિશ્વામિત્રીનો સૌથી વધુ મગર ઘનતા ધરાવતો વિસ્તાર ગણવામાં આવે છે.
MS યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીના ઝૂઓલોજી વિભાગના પ્રોફેસર ડો. રણજીતસિંહ દેવકરે જણાવ્યું કે આ વખતની ગણતરી સંપૂર્ણ રીતે વૈજ્ઞાનિક પદ્ધતિથી અને અત્યંત બારીકાઈપૂર્વક કરવામાં આવી છે. હાલ તમામ ડેટા એકત્રિત થઈ રહ્યો છે અને તેનું વિગતવાર વિશ્લેષણ ચાલુ છે. પ્રાથમિક તારણ મુજબ મગરોની સંખ્યા સ્થિર સ્થિતિમાં હોવાનું સ્પષ્ટ થાય છે.
તેમણે જણાવ્યું કે વર્ષ 2020માં વિશ્વામિત્રીમાં મગરોની સંખ્યા 212 હતી, જ્યારે 2025માં શહેરના તળાવો સહિત ગણતરી કરવામાં આવતા આ આંકડો 442 સુધી પહોંચ્યો હતો. આ વર્ષે તળાવો બાદમાં રાખવામાં આવ્યા હોવા છતાં 417 મગરોની નોંધ થવી મગરોના સ્વસ્થ પ્રજનન અને સંરક્ષણની દિશામાં સકારાત્મક સંકેત છે.
ડો. દેવકરે વધુમાં કહ્યું કે વિશ્વના અનેક દેશોમાં મગરો જોવા મળે છે, પરંતુ એટલી મોટી માનવ વસતિ વચ્ચે, શહેરની મધ્યમાંથી પસાર થતી નદીમાં મગરોની આટલી મોટી અને હેલ્ધી વસતી હોવી એ વડોદરાની અનોખી ઓળખ છે. આ વિશેષતાને આધારે વડોદરાને ‘મગરનગરી’ તરીકે પણ ઓળખ આપી શકાય તેમ છે.
આ સમગ્ર ગણતરી MS યુનિવર્સિટી, વન વિભાગ અને NGOના સહયોગથી કરવામાં આવી હતી. વિશ્વામિત્રીના 25 કિમી વિસ્તારમાં 10 ઝોન બનાવી, દિવસ દરમિયાન સીધી નજરે અને રાત્રે ટોર્ચલાઈટ દ્વારા મગરોની હાજરી ઓળખી ગણતરી હાથ ધરવામાં આવી હતી. સંપૂર્ણ રિપોર્ટ આગામી 10થી 15 દિવસમાં જાહેર થવાની શક્યતા છે.
(12:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
