તા. ૫ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૫ બુધવાર
News of Tuesday, 10th February 2026
કેન્સર અંગેનો ભ્રમ અને ભય છોડો, સમયસર યોગ્ય સારવારથી જંગ જીતી શકાય છે
ગુજરાત કેન્સર એન્ડ રીસર્ચ ઈન્સ્ટીટયુટ કેન્સર વિજેતાઓ એક મંચ પર : વર્ષ ૨૦૨૧માં કેન્સરના ૨૩૬૦૦ કેસ નોંધાયેલા, ૨૫૨૫માં ૨૬૮૧૨

ધ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટીટયુટ દ્વારા અમદાવાદ દ્વારા સરદાર સ્મારક ભવન ખાતે કેન્સર દિવસ નિમિતે સંસ્થાના ડીરેક્ટર ડો. શશાંક પંડયા અને તેમની ટીમની જહેમતથી કેન્સર વિજેતાઓને એક મંચ પર લાવવાનો અનોખો કાર્યક્રમ યોજાએલ તે પ્રસંગની તસ્વીર.
રાજકોટ,તા.૧૦: ધ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટીટયુટ, સિવિલ હોસ્પિટલ કેમ્પસ અસારવા અમદાવાદ દ્વારા ૪ ફેબ્રુઆરોએ વિશ્વ કેન્સર દિવસ નિમિતે કેન્સર સામે લડીને જીત મેળવવા વિશેષ કાર્યક્રમ યોજાએલ. જેમાં કેન્સર સામે જંગ જીતનારા ૫૦૦થી વધુ લોકો એક મંચ પર આવ્યા હતા. સમયસર યોગ્ય સારવારથી કેન્સરના દર્દીઓ ફરી સામાન્ય જીવન તરફ વળી શકે છે તેવો વ્યાપક સૂર વ્યક્ત થયો હતો.
૪ ફેબ્રુઆરી એટલે વિશ્વ કેન્સર દિવસ. આ દિવસે કેન્સર સામે લડતા અને જીત મેળવી આગળ વધેલા જીવનની વાત કરવી એ માત્ર માહિતી નહીં, પરંતુ આશાનો સંદેશ છે. અમદાવાદ સ્થિત ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI) દ્વારા વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે એક અનોખા અને ભાવનાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.‘યુનાઇટેડ બાય યુનિક' કાર્યક્રમમાં ૫૦૦થી વધુ કેન્સર વિજેતાઓ એક મંચ પર આવ્યા હતા.
GCRI દ્વારા આયોજિત United by Unique' નામના આ ખાસ કાર્યક્રમમાં ૫૦૦થી વધુ એવા લોકો હાજર રહ્યા હતા, જેઓ ક્યારેય કેન્સર પીડિત હતા અને આજે કેન્સરને માત આપી નવજીવન શરૂ કરી ચૂક્યા છે. એક જ મંચ પર બેઠેલા આ તમામ લોકો માત્ર દર્દી નહીં, પરંતુ કેન્સર સામેની લડાઈના જીવંત યોદ્ધાઓ છે. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે કેન્સર માત્ર અંત નથી, પરંતુ યોગ્ય સારવાર, હિમત અને પરિવારના સહયોગથી તેને હરાવી શકાય છે. કેન્સર સામેના અમૂક સફળ યોધ્ધાઓએ પોતાના અનુભવો વર્ણવ્યા હતા.
એક તરફ કેન્સરના કેસોમાં સતત વધારો ચિતાજનક છે, ત્યારે બીજી તરફ સમયસર નિદાન, આધુનિક સારવાર અને દર્દી કેન્દ્રિત અભિગમથી હજારો લોકો ફરી સામાન્ય જીવન તરફ વળી રહ્યા છે. કેન્સર સામે જીતનારા અનેકની કહાનીઓ એ જીવંત ઉદાહરણ છે કે દુઃખ, એકલતા અને ડર હોવા છતાં પણ જો મન મજબૂત હોય તો કેન્સર જેવી બીમારીને પણ મહાત આપી શકાય છે.
આજે જરૂર છે કે સમાજ કેન્સરને લઈને રહેલા ભય અને ભ્રમ દૂર કરે, નિયમિત તપાસને જીવનનો ભાગ બનાવે અને વ્યસનમુક્ત, સ્વસ્થ જીવનશૈલી અપનાવે. કારણ કે કેન્સર સામેની જંગ માત્ર ડોક્ટરોની નહીં, પરંતુ સમગ્ર સમાજની સંયુક્ત જવાબદારી છે.કેન્સર અંત નથી, પરંતુ સાચી સારવાર અને અડગ હિમત સાથે તે નવી શરૂઆત બની શકે છે. તેવી વાત કાર્યક્રમમાં કરવામાં આવી હતી.
ધ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટયુટ, અમદાવાદ ખાતે દર્દીએ સારવાર લીધી હોય અને ૧૦ વર્ષથી પણ વધુ સમયથી કેન્સર મુક્ત હોય તેવા કેન્સર હીરો ૫૦૦થી પણ વધુ સંખ્યામાં સરદાર પટેલ સ્મારક ભવન પર ૪ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ એકઠા થયેલ. તે લોકોએ તેઓના સ્વમુખે પ્રતિભાવ આપેલ અને તેમણે જણાવ્યુ કે જ્યારે કોઈ દર્દીને કેન્સર થાય ત્યારે તેમના કુટુંબજનોએ દર્દીને હૂંફ આપવી અને જણાવ્યુ કે કેન્સરથી ડરવાની જરૂર નથી અને કેન્સર જેવા રોગોને મટાડી શકાય છે
કેન્સરના પ્રમાણનું આંકડાકીય ચિત્ર
રાજકોટઃ GCRI ખાતે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન નોંધાયેલા કેન્સરના કેસો પર નજર કરીએ તો એક મહત્ત્વપૂર્ણ ચિત્ર સામે આવે છે.
વર્ષ ૨૦૨૧માં ૨૩૬૯૫ કેસ
વર્ષ ૨૦૨૨માં ૨૫૧૯૨ કેસ
વર્ષ ૨૦૨૩માં ૨૫,૨૭૫ કેસ
વર્ષ ૨૦૨૪માં ૨૫,૯૫૬ કેસ
વર્ષ ૨૦૨૫માં ૨૬,૮૧૨ કેસ નોંધાયા
આ આંકડાઓ દર્શાવે છે કે એક તરફ કેન્સરના કેસ વધી રહ્યા છે, ત્યારે બીજી તરફ GCRI જેવી સંસ્થાઓ દ્વારા સમયસર નિદાન અને સારવારથી હજારો લોકોના જીવન બચી રહ્યા છે.
પાંચ વર્ષમાં ૮૨ હજારથી વધુ સર્જરી, લાખો દર્દીઓએ લીધી સારવાર
છેલ્લા પાંચ વર્ષમાં GCRI દ્વારા કરવામાં આવેલી સર્જરીઓ અને સારવારના આંકડા સંસ્થાની કાર્યક્ષમતાનું પ્રતિબિબ છે.
૨૦૨૧માં ૧૪,૫૭૨ સર્જરી
૨૦૨૨માં ૧૬,૮૭૩ સર્જરી
૨૦૨૩માં ૧૬,૯૫૪ સર્જરી
૨૦૨૪માં ૧૬,૪૮૯ સર્જરી
૨૦૨૫માં ૧૭,૮૦૧ સર્જરી
આ ઉપરાંત, કીમોથેરાપી કરાવનારા દર્દીઓની સંખ્યા પણ નોંધપાત્ર રહી છે.
૨૦૨૧માં ૩૯,૯૩૯ દર્દીઓ
૨૦૨૨માં ૪૨,૯૭૮ દર્દીઓ
૨૦૨૩માં ૪૫,૮૭૬ દર્દીઓ
૨૦૨૪માં ૪૮,૫૬૮ દર્દીઓ
૨૦૨૫માં ૫૦,૧૩૦ દર્દીઓએ કીમોથેરાપી કરાવી
(12:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
