News of Thursday, 5th February 2026
સુરતના પાલ વિસ્તારમાં ‘સ્પા’ની આડમાં ચાલતા કુટણખાના પર પોલીસનો સપાટો : સંચાલક સહિત પાંચ શખ્સોની ધરપકડ
રાજ વર્લ્ડ શોપિંગ સેન્ટરમાં ચાલતી દેહવ્યાપારની ગેરકાયદે પ્રવૃત્તિનો ઝોન-૭ LCB અને પોલીસ ટીમે કર્યો પર્દાફાશ : લલનાઓને ડર બતાવી વેશ્યાવૃત્તિ કરાવનાર મેનેજર અને ગ્રાહકો ઝડપાયા : મુખ્ય માલિક વોન્ટેડ

સુરત, તા. 5 ફેબ્રુઆરી : સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત દ્વારા શહેરમાં ચાલતી અનૈતિક અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામી દેવા માટે આપવામાં આવેલી કડક સૂચનાઓના પગલે ઝોન-૭ LCB અને પોલીસ ટીમે પાલ વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી છે. પાલનપુર ગામ સ્થિત એક શોપિંગ સેન્ટરમાં સ્પાના નામે ચાલતા દેહવ્યાપારના અડ્ડા પર દરોડો પાડી પોલીસે પાંચ ઇસમોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
બાતમીના આધારે દરોડો:
મદદનીશ પોલીસ કમિશનરની કચેરી, ‘એમ’ ડિવિઝનના એ.એસ.આઈ. કનકસિંહ વેલજીભાઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે પાલનપુર ગામમાં આવેલા ‘રાજ વર્લ્ડ શોપિંગ સેન્ટર’ના ત્રીજા માળે રૂમ નંબર ૩૧૧ માં ચાલતા ‘લોટસ સ્પા’ પર ટ્રેપ ગોઠવી હતી. અહીં સ્પાની આડમાં બહારથી લલનાઓ બોલાવી દેહવ્યાપારનો ધંધો ચલાવવામાં આવતો હોવાની પુષ્ટિ થતા પોલીસે દરોડો પાડ્યો હતો.
પકડાયેલા આરોપીઓની વિગત:
પોલીસે સ્થળ પરથી સંચાલક-મેનેજર અને ગ્રાહકો સહિત કુલ પાંચ શખ્સોની ધરપકડ કરી છે:
૧. મેનેજર: સૂરજ ઉર્ફે અભિષેક લાલબાબુ સિંગ (રહે. ભેસ્તાન આવાસ, મૂળ બિહાર), જે લલનાઓને ડર બતાવી વેશ્યાવૃત્તિ કરાવતો હતો.
૨. સંચાલક: વિમલ કાનજીભાઈ પરમાર (રહે. પૂણા ગામ, સુરત).
૩. ગ્રાહક: કરણ દીપકભાઈ શાહ (રહે. પાલ, સુરત).
૪. ગ્રાહક: વિરસિંગ શાંતિજી કોળી (રહે. ભટાર, સુરત).
૫. ગ્રાહક: ઉમેશ દિલીપ શર્મા (રહે. પાલનપુર પાટિયા, સુરત).
જ્યારે સ્પાનો મુખ્ય માલિક આકાશ અંકુશભાઈ ધનાવડે હાલ પોલીસ પકડથી દૂર હોવાથી તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
મુદ્દામાલ અને કાયદેસરની કાર્યવાહી:
પોલીસે દરોડા દરમિયાન રોકડ રકમ, મોબાઈલ ફોન અને અન્ય વાંધાજનક સામગ્રી સહિત કુલ ₹૨૪,૭૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પાલ પોલીસ સ્ટેશનમાં ઇમોરલ ટ્રાફિક (પ્રિવેન્શન) એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે આ સ્થળેથી મુક્ત કરાવેલી લલનાઓને યોગ્ય પુનઃવસન પ્રક્રિયા માટે મોકલવાની તજવીજ હાથ ધરી છે.
(2:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
