<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th January 2026

ઉત્તરાયણે આકાશમાં જામશે 'પેચ': અંબાલાલ પટેલની આગાહીથી પતંગરસિકોમાં હરખની હેલી, પવનની ગતિ રહેશે એકદમ પાવરફુલ

પતંગબાજો માટે ખુશખબર: ૧૪મી જાન્યુઆરીએ ૧૦ કિમીની ઝડપે ફૂંકાશે પવન, સવારે ધીમી ગતિ તો બપોર બાદ 'ઢીલ' છોડવાની આવશે અસલી મજા - ૧૮ જાન્યુઆરીથી કડકડતી ઠંડીના નવા રાઉન્ડ માટે પણ તૈયાર રહેજો

અમદાવાદ:ગુજરાતીઓનો સૌથી પ્રિય તહેવાર ઉત્તરાયણ હવે આંગણે આવીને ઉભો છે, ત્યારે પતંગરસિકો માટે સૌથી મોટા અને સારા સમાચાર સામે આવ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આ વર્ષે ઉત્તરાયણના દિવસે પવન પતંગબાજોની તરફેણમાં રહેશે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ૧૪મી જાન્યુઆરીએ પવનની ગતિ સાનુકૂળ રહેવાની હોવાથી આકાશ પતંગોથી છવાઈ જશે અને પેચ લડાવવાની અસલી મજા આવશે. આ આગાહી સાંભળતા જ પતંગ બજારમાં ખરીદી માટે નીકળેલા લોકોના ચહેરા પર સ્મિત રેલાઈ ગયું છે.

ચોક્કસ વિગતો આપતા અંબાલાલ પટેલે જણાવ્યું કે, ઉત્તરાયણના દિવસે સરેરાશ પવનની ગતિ ૧૦ કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ રહેશે. વહેલી સવારે જ્યારે પતંગબાજો ધાબા પર પહોંચશે ત્યારે પવનની ગતિ ૬ થી ૭ કિમી જેટલી ધીમી રહી શકે છે, પરંતુ જેમ-જેમ દિવસ ચઢશે તેમ પવન જોર પકડશે. ખાસ કરીને બપોર બાદ પવનની ગતિમાં જે વધઘટ થશે, તે પતંગ રસીકોને 'ખેંચ' અને 'ઢીલ' બંને ટેકનિક અજમાવવા માટે શ્રેષ્ઠ તક પૂરી પાડશે. ૧૫ જાન્યુઆરી એટલે કે વાસી ઉત્તરાયણના દિવસે પણ પવન સાથ આપશે તેવી પૂરી શક્યતા છે.

જોકે, ઉત્તરાયણના આનંદની સાથે અંબાલાલ પટેલે ઠંડીને લઈને એક ચેતવણી પણ આપી છે. તેમના મતે ૧૮ થી ૨૩ જાન્યુઆરી દરમિયાન ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાની સંભાવના છે. પશ્ચિમી વિક્ષેપ (Western Disturbance) ની અસરને કારણે ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થશે, જેના કારણે કડકડતી ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે. ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે, જે ખેતીના પાક પર પણ અસર કરી શકે છે.

હાલ તો પતંગબજારમાં કન્ના બાંધવાની અને માંજા સૂતવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અંબાલાલ પટેલની આ આગાહીએ પતંગબાજોનો ઉત્સાહ બમણો કરી દીધો છે, કારણ કે દર વર્ષે પતંગરસિકોને ભય રહેતો હોય છે કે જો પવન નહીં હોય તો તહેવાર ફીકો પડશે. પરંતુ આ વખતે કુદરત મહેરબાન હોવાથી અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોમાં આકાશમાં પતંગોનું યુદ્ધ જામશે તે નક્કી છે. લોકોએ અત્યારથી જ પિપૂડા અને ટોપીઓની ખરીદી સાથે 'કાઈપો છે' ના નારા લગાવવાની તૈયારી કરી લીધી છે.

(2:19 PM IST)