<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th January 2026

સુરત એરપોર્ટ પર ડીઆરઆઈની મોટી કાર્યવાહી: બેંગકોક જતા બે યુવકો પાસેથી ૬ કરોડના હીરા અને ૩૦ હજાર ડોલર ઝડપાયા

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ) એ બાતમીના આધારે એક મોટી કાર્યવાહી પાર પાડી છે. સુરતથી બેંગકોક જઈ રહેલા બે શંકાસ્પદ યુવકોની તપાસ કરતા તેમની પાસેથી અંદાજે ૬ કરોડ રૂપિયાની કિંમતના હીરા અને ૩૦,૦૦૦ અમેરિકન ડોલર (અંદાજે ૨૫ લાખ રૂપિયા) મળી આવ્યા હતા. ડીઆરઆઈ એ બંને યુવકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક સમયથી સુરત એરપોર્ટ પરથી હવાલા મારફતે અથવા ગેરકાયદે રીતે વિદેશી ચલણ અને કિંમતી વસ્તુઓની હેરાફેરી વધી રહી હોવાની આશંકા હતી. 

 

પકડાયેલા બંને યુવકો સુરતના જ મોટા વરાછા અને કામરેજ વિસ્તારના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ હીરા અને ડોલર બ્લેક મનીને વ્હાઇટ કરવાના ઈરાદે વિદેશ લઈ જવામાં આવી રહ્યા હતા. 

 

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં પણ ડીઆરઆઈ એ સુરત એરપોર્ટ પરથી શારજાહ અને દુબઈ જતી ફ્લાઇટમાંથી વિદેશી ચલણની હેરાફેરીનું રેકેટ ઝડપી પાડ્યું હતું, જેમાં એક દંપતી પાસેથી લાખોનું વિદેશી ચલણ જપ્ત કરવામાં આવ્યું હતું. હવે ફરીવાર કરોડોના હીરા ઝડપાતા સુરત એરપોર્ટ પરથી ચાલતા સ્મગલિંગ નેટવર્ક સામે તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

(11:48 AM IST)