News of Thursday, 1st January 2026
અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોએ ફરી દુનિયાભરમાં ડંકો વગાડ્યો: બે નવા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાયા
સતત ત્રીજા વર્ષે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોએ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવીને શહેર અને રાજ્યનું ગૌરવ વધાર્યું

અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોએ ફરી એક વખત દુનિયાભરમાં ડંકો વગાડ્યો છે. આ વર્ષે ફ્લાવર શોમાં બે નવા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાયા છે, જેના સાથે અમદાવાદે સતત ત્રીજી વખત ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે.
આ ફ્લાવર શોમાં સૌથી મોટા ફ્લાવર મંડલા અને સૌથી મોટા ફ્લાવર પોર્ટ્રેટના રેકોર્ડ ક્રિએટ કરવામાં આવ્યા છે. દર વર્ષે ફ્લાવર શો દ્વારા અગાઉના રેકોર્ડ તૂટતા આવ્યા છે. પરંતુ આ વર્ષે અગાઉના રેકોર્ડને પાછળ છોડીને સંપૂર્ણપણે નવા રેકોર્ડ રચાયા છે.
સૌથી મોટા ફ્લાવર મંડલાની વાત કરીએ તો તેનો વ્યાસ આશરે 33.6 મીટર અને કુલ વિસ્તાર 886.789 ચોરસ મીટર નોંધાયો છે. અગાઉનો રેકોર્ડ 706.86 ચોરસ મીટરનો હતો. જ્યારે આ વર્ષે તેનાથી ઘણો વિશાળ મંડલા તૈયાર કરવામાં આવ્યો છે.
આ સાથે જ સરદાર વલ્લભભાઈ પટેલનું સૌથી મોટું ફ્લાવર પોર્ટ્રેટ પણ તૈયાર કરવામાં આવ્યું છે. આ પોર્ટ્રેટની લંબાઈ 41.17 મીટર અને પહોળાઈ આશરે 8 મીટર રાખવામાં આવી છે, જે વિશ્વમાં અત્યાર સુધીનું સૌથી મોટું ફ્લાવર પોર્ટ્રેટ હોવાનું ગિનિસ બુક દ્વારા માન્ય કરાયું છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ વર્ષ 2024માં અમદાવાદ ફ્લાવર શોમાં લોંગેસ્ટ ફ્લાવર સ્ટ્રક્ચર અને વર્ષ 2025માં વિશ્વનું સૌથી મોટું ફ્લાવર બુકે તરીકે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવાયો હતો. આમ, સતત ત્રીજા વર્ષે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોએ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવીને શહેર અને રાજ્યનું ગૌરવ વધાર્યું છે.
(10:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
