તા. ૭ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૮ મંગળવાર
News of Sunday, 7th December 2025
ખતરાની ઘંટડી: અમદાવાદનું હવા પ્રદૂષણ 'રેડ એલર્ટ' પર, સરેરાશ AQI 175 પાર થતાં શ્વાસ લેવો જોખમી બન્યો
ઔદ્યોગિકીકરણ અને વાહનોના ધુમાડાથી શહેર ઘેરાયું: ગ્યાસપુર અને ચાંદખેડામાં AQI 180 સુધી પહોંચ્યો, નાગરિકોને આંખમાં બળતરા અને શ્વાસની ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડ્યો.

અમદાવાદ : ઔદ્યોગિકીકરણ અને વાહનોના સતત વધી રહેલા ધુમાડાના કારણે અમદાવાદ શહેર પર હવા પ્રદૂષણનો ખતરો ગંભીર સ્તરે પહોંચી ગયો છે. શહેરનો સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 175થી વધુ નોંધાતા તંત્રએ સત્તાવાર રીતે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ આંકડો સૂચવે છે કે શહેરની હવા હવે 'ખરાબ' કેટેગરીમાં પહોંચી ગઈ છે, જે સામાન્ય નાગરિકો માટે પણ શ્વાસ લેવા માટે જોખમી ગણાય છે. ગ્યાસપુરમાં AQI 180 અને ચાંદખેડામાં AQI 175 નોંધાયો છે, જે શહેરમાં પ્રદૂષણનું કેન્દ્રીકરણ દર્શાવે છે.
વહેલી સવારે અને સાંજના સમયે પ્રદૂષણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. વાતાવરણમાં ધૂળના રજકણો અને ઝીણા પ્રદૂષિત કણો (PM 2.5)નું પ્રમાણ વધવાથી નાગરિકોને ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરીજનોમાં આંખમાં બળતરા, શ્વાસ લેવામાં તકલીફ, ગળામાં ખરાશ અને કફ જેવી ફરિયાદો વધી ગઈ છે. ડોક્ટરોના મતે, હવાના બગડતા સ્તરને કારણે અસ્થમા અને શ્વસન સંબંધિત અન્ય રોગોવાળા દર્દીઓ માટે પરિસ્થિતિ અત્યંત જોખમી બની શકે છે, અને તેમને બિનજરૂરી રીતે બહાર નીકળવાનું ટાળવા તેમજ N95 માસ્કનો ઉપયોગ કરવા સલાહ આપવામાં આવી છે.
પર્યાવરણ નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે, જો ઔદ્યોગિક પ્રવૃત્તિઓ પર કડક નિયંત્રણો મૂકવામાં નહીં આવે અને જાહેર પરિવહનને યુદ્ધના ધોરણે પ્રોત્સાહન આપવામાં નહીં આવે, તો અમદાવાદના માથેથી આ પ્રદૂષણનો ખતરો ટળવો મુશ્કેલ છે. શાહીબાગમાં 172 અને રખિયાલમાં 165 AQI નોંધાયો છે, જે સાબિત કરે છે કે પ્રદૂષણ હવે માત્ર ઔદ્યોગિક વિસ્તારો પૂરતું સીમિત નથી. તંત્ર દ્વારા તાત્કાલિક અસરકારક અને લાંબા ગાળાના પગલાં લેવા અનિવાર્ય છે, નહીંતર અમદાવાદની હવા આગામી સમયમાં જીવલેણ બની શકે છે.
(2:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
