<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th December 2025

ACB ની સફળ ટ્રેપ : ડાંગમાં મનરેગાના કામમાં ₹૩૨,૮૦૦ ની લાંચ લેતા ગ્રામ રોજગાર સેવક અને તેના પતિ રંગેહાથ ઝડપાયા

સુબીર તાલુકા પંચાયતની ગ્રામ રોજગાર સેવક અનુસુયાબેન પટેલે જમીન લેવલિંગની ફાઇલની મંજૂરી માટે ૪ અરજદાર દીઠ ₹૮,૨૦૦ લેખે લાંચ માંગી હતી : લાંચની રકમ પતિ હેમંત પટેલને આપતા જ બંને આરોપીઓ સુબીર તાલુકા પંચાયત કચેરી સામેથી પકડાઈ ગયા

ડાંગ, તા. ૦૪ ડિસેમ્બર, ૨૦૨૫ : એન્ટી-કરપ્શન બ્યુરો (ACB) એ આહવા-ડાંગ જિલ્લામાં મોટી કાર્યવાહી કરીને મનરેગા યોજનાના કામમાં લાંચ લેતા પતિ-પત્નીને ઝડપી પાડ્યા છે. મનરેગા શાખાના ગ્રામ રોજગાર સેવક (કરાર આધારિત) મહિલા કર્મચારીએ વહીવટી મંજૂરી આપવાના બદલામાં લાંચની માંગણી કરી હતી, જે તેના પતિ દ્વારા સ્વીકારવામાં આવી હતી.
ગુનાની વિગતો અને સફળ ટ્રેપ
 * આરોપી-૧ (સરકારી કર્મચારી): અનુસુયાબેન W/O હેમંતભાઈ પટેલ (ઉં.વ. ૪૭), ગ્રામ રોજગાર સેવક (કરાર આધારિત), મનરેગા શાખા, તાલુકા પંચાયત કચેરી, સુબીર, ડાંગ.
 * આરોપી-૨ (મળતીયો): હેમંતભાઈ વિનુભાઈ પટેલ (ઉં.વ. ૪૦), પ્રજાજન (પતિ).
 * ગુનાનું સ્થળ: સુબીર તાલુકા પંચાયત કચેરીના મુખ્ય ગેટ સામે આવેલ વિપુલભાઈ ગામીતની દુકાન પાસે.
 * લાંચની રકમ: ₹૩૨,૮૦૦/- (માંગેલી અને સ્વીકારેલી રકમ).
એક જાગૃત નાગરિકે તેમના ગામના ચાર અરજદારોના મહાત્મા ગાંધી મનરેગા યોજના અંતર્ગત જમીન લેવલિંગના કામકાજ માટે વહીવટી મંજૂરીની ફાઇલ તૈયાર કરાવી હતી. આ કાર્યવાહી કરવાના અવેજ પેટે આરોપી ગ્રામ રોજગાર સેવક અનુસુયાબેન પટેલે એક અરજદારના ₹૮,૨૦૦/- લેખે ચાર અરજદારોના મળીને કુલ ₹૩૨,૮૦૦/- ની લાંચની માંગણી કરી હતી.
ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી ACB નો સંપર્ક કર્યો હતો. લાંચના છટકા દરમિયાન ફરિયાદી આરોપી અનુસુયાબેનને મળ્યા હતા. હેતુલક્ષી વાતચીત બાદ આરોપી મહિલા કર્મચારીએ લાંચની રકમ તેના પતિ હેમંત પટેલ (આરોપી-૨) ને આપવા જણાવ્યું હતું. હેમંત પટેલે લાંચની રકમ સ્વીકારતા જ ACB ની ટીમે પતિ-પત્ની બંને આરોપીઓને રંગેહાથ પકડી પાડ્યા હતા.
આ સફળ ટ્રેપ પો.ઇન્સ. જે.આર. ગામીત (વલસાડ અને ડાંગ ACB) અને ACB સ્ટાફ દ્વારા ગોઠવવામાં આવી હતી, અને મદદનીશ નિયામક આર.આર. ચૌધરી (ACB સુરત એકમ) ના સુપરવિઝન હેઠળ ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

 

(3:49 PM IST)