<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th November 2025

રવિવાર સુધી ઠંડીમાં રાહત : તાપમાન બે થી ચાર ડીગ્રી ઉચકાશે

બંગાળની ખાડી અને તેની આસપાસ બે સિસ્‍ટમ્‍સ સક્રિય, પરંતુ તે ગુજરાતને અસરકર્તા નથી : વેધરએનાલીસ્‍ટ અશોકભાઈ પટેલની તા.૨૫ નવેમ્‍બરથી તા.૨ ડીસેમ્‍બર સુધીની આગાહીઃ ૩૦મી સુધી ન્‍યુનતમ તાપમાન ૧૭ થી ૨૧ ડીગ્રી વચ્‍ચે રહેશેઃ હાલ લઘુતમ નોર્મલ તાપમાન ૧૬ થી ૧૭ ડીગ્રી ગણાય

 

રાજકોટઃ આ અઠવાડીયાના અંત સુધી ઠંડીમા રાહત રહેશે. લઘુતમ તાપમાનમાં બે થી ચાર ડીગ્રી ઉચકાશે તેમ વેધરએનાલીસ્‍ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્‍યું છે.

સૌરાષ્‍ટ્ર, ગુજરાત અને કચ્‍છમાં આ મહિનાના અંત દરમ્‍યાન ન્‍યુનતમ તાપમાનમાં બે થી ચાર ડીગ્રી નો વધારો થવાની શક્‍યતા છે. ગઈકાલે સૌરાષ્‍ટ્ર, ગુજરાત અને કચ્‍છના મોટા ભાગના વિસ્‍તારોમાં મહત્તમ તાપમાન નોર્મલથી એક ડીગ્રીની વધઘટ જોવા મળેલ. આજે ન્‍યુનત્તમ તાપમાન પણ નોર્મલ તાપમાન નજીક છે, જે સરેરાશ કરતા બે ડીગ્રીની વધઘટ વચ્‍ચે ફેરફાર દર્શાવે છે. જેમ કે અમદાવાદ ૧૮.૩ (નોર્મલથી બે ડીગ્રી વધુ), વડોદરા ૧૯ (નોર્મલથી બે ડીગ્રી વધુ), ભુજ ૧૪.૬ (નોર્મલથી ૧.૫ ડીગ્રી નીચુ), રાજકોટ ૧૩.૮ (નોર્મલ થી ૩ ડીગ્રી નીચુ) અને ડીસા ૧૬.૫ (નોર્મલથી બે ડીગ્રી વધુ) તાપમાન નોંધાયેલ.

વેધરએનાલીસ્‍ટ શ્રી અશોકભાઈ પટેલે સૌરાષ્‍ટ્ર, ગુજરાત અને કચ્‍છ માટે તા.૨૫ નવેમ્‍બર થી ૨ ડીસેમ્‍બર સુધીની આગાહી કરતા જણાવે છે કે ન્‍યુનત્તમ તાપમાન બે થી ચાર ડીગ્રી તાપમાનમાં ૩૦ નવેમ્‍બર સુધી વધારો થશે. જેના કારણે મોટા ભાગના વિસ્‍તારોમાં તાપમાન નોર્મલ તાપમાન કરતાં વધુ રહેશે.

તા.૧ અને ૨ ડીસેમ્‍બર તાપમાનમાં ૧ થી ૨ ડીગ્રીનો ઘટાડો થવાની શક્‍યતા છે. હાલનું નોર્મલ ન્‍યુનતમ તાપમાન ગુજરાતના મોટા ભાગમાં ૧૬ ડીગ્રી થી ૧૭ ડીગ્રી છે, જ્‍યારે નોર્થ ગુજરાત માટે આશરે ૧૫ ડીગ્રી છે.

આગાહી સમય દરમ્‍યાન ન્‍યુનત્તમ તાપમાન ૧૭ થી ૨૦ ડીગ્રી અને કેટલાક દિવસોમાં ૧૮ થી ૨૧ ડીગ્રી રહેવાની સંભાવના છે.

આગાહી સમયગાળા દરમ્‍યાન પવન મુખ્‍યત્‍વે ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશામાંથી ફૂકાશે. અપેક્ષિત પવનની ઝડપ ૧૦ થી ૧૫ કિ.મી.ની રહેશે.

બંગાળના ખાડી અને તેના આસપાસના વિસ્‍તારમાં હાલમાં બે સક્રિય સિસ્‍ટમ્‍સ છે. એક સિસ્‍ટમ્‍સ કોમોરિન વિસ્‍તાર ઉપર છે, જે તમિલનાડુ-કેરળના દક્ષિણ દ્વિપ પાસે સ્‍થિત છે. બીજી સિસ્‍ટમ્‍સ દક્ષિણ અંદામાન સમુદ્રના પૂર્વમાં, મલાક્કાની સામુદ્રધુની ઉપર છે. આ બંને સિસ્‍ટમ્‍સમાંથી કોઈપણ સિસ્‍ટમ્‍સનો ગુજરાત રાજ્‍ય પર કોઈ પ્રભાવ થવાની શક્‍યતા નથી.(૪૦.૩૧)

 

(3:06 PM IST)