તા. ૫ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૪, મંગળવાર
News of Friday, 21st November 2025
વડોદરા સાયબર ક્રાઇમે અમેરિકન નાગરિકોને ટાર્ગેટ કરીને ધાડ પાડતા એક મોટા આંતરરાજ્ય કૌભાંડનો પર્દાફાશ કર્યો
બોગસ કોલ સેન્ટર પર પોલીસે ચોક્કસ બાતમીના આધારે દરોડા પાડી ત્રણ જણની ધરપકડ કરી: FBI અથવા અમેરિકાની અન્ય એજન્સીના નામે વિદેશી નાગરિકોને ભયભીત કરતા ટેક્સ્ટ મેસેજ મોકલતા અને 30 ટકા કમિશનના બદલામાં લોન મંજૂર કરાવવાની લાલચ આપતા

વડોદરા સાયબર ક્રાઇમે અમેરિકન નાગરિકોને ટાર્ગેટ કરીને ધાડ પાડતા એક મોટા આંતરરાજ્ય કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. તલસટ ગામના 51 નંબરના વિંટેજ બંગલા ખાતે ચાલતા બોગસ કોલ સેન્ટર પર ચોક્કસ બાતમીના આધારે દરોડા પાડી ત્રણ જણની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલાઓમાં અરૃણ રાવત, સ્નેહ મુકુંદ પટેલ અને અંશ હિતેષ પંચાલનો સમાવેશ થાય છે.
આ આરોપીઓ FBI અથવા અમેરિકાની અન્ય એજન્સીના નામે વિદેશી નાગરિકોને ભયભીત કરતા ટેક્સ્ટ મેસેજ મોકલતા અને 30 ટકા કમિશનના બદલામાં લોન મંજૂર કરાવવાની લાલચ આપતા હતા. અમેરિકાની બેંકોમાં કાયમી રહેલી KYC અને ટ્રાન્ઝેક્શન સંબંધિત ખામીનો ભરપૂર દુરુપયોગ કરીને તેઓ પ્રીપેડ ઈન્વેસ્ટમેન્ટ કાર્ડમાં રકમ જમા કરાવતા. બાદમાં ડોલરને રૂપિયામાં કન્વર્ટ કરીને આંગડિયા મારફતે ભારતમાં મંગાવવામાં આવતાં હતાં.
પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આ કૌભાંડ મારફતે અત્યાર સુધી 80 જેટલા અમેરિકન નાગરિકો સાથે ફ્રોડ થયો હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ 80 થી 90 રૂપિયામાં ડેટા ખરીદી 100 રૂપિયામાં આગળ વેચતા અને સિબિલ સ્કોરના આધારે વિવિધ ઓફર મોકલતા હતા. સાયબર ક્રાઇમની તપાસ દરમિયાન અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ખાસ કરીને ટેલીગ્રામ પર ચલાવવામાં આવતા વિવિધ ગ્રૂપ મળી આવ્યા છે. ‘AK-47’ અને ‘બેકઅપ’ ગ્રૂપ યુએસ ટેક્સ અને વોઇસમેસેજ માટે, ‘ડોલર’ અને ‘ડોલર રિચીઝ’ લોન પ્રોસેસિંગ અને કમિશન વસુલાત માટે, જ્યારે ‘મિ.વર્ક’ ક્રેડિટ કાર્ડની વિગતો મેળવવા માટે વપરાતો હતો. તદુપરાંત ‘સુપર સેલ્સમેન’ નામનું ગ્રૂપ ડોલર કન્વર્ઝન માટે ઉપયોગમાં લેવાતું હોવાનું પણ બહાર આવ્યું છે.
આરોપીઓ હાલમાં ચાર દિવસની પોલીસ રિમાન્ડ પર છે. સમગ્ર પ્રકરણ અંગે FBIનું ધ્યાન દોરવા માટે આવશ્યક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સાયબર ક્રાઇમ ટીમે આરોપીઓ પાસેથી પુરતા ડિજિટલ પુરાવા મેળવી લીધા છે અને આગળની તપાસ તેજ ગતિએ ચાલુ છે.
(10:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
