News of Tuesday, 4th November 2025
શિયાળો સત્તાવાર રીતે દસ્તક આપવા તૈયારઃ વિશાખા નક્ષત્રથી ઠંડીનો પ્રારંભ, ફાગણ સુધી રહેશે ઠંડીની અસરઃ કિશોર ભાડજા

(જયેશ ભટાસણા) ટંકારાઃ ગુજરાતમાં હવે શિયાળું ઋતુ સંપૂર્ણ રીતે જામવા તૈયાર છે. ખગોળીય ગણતરી પ્રમાણે કિશોર ભાડજા આ વર્ષે શિયાળાનું સત્તાવાર આગમન વિશાખા નક્ષત્રમાં કારતક વદ એકમ, તારીખ ૬ નવેમ્બર ગુરૂવાર બપોરે ત્રણ વાગ્યે થશેનુ જણાવ્યું હતું. આ ક્ષણે સૂર્ય વિશાખા નક્ષત્રમાં અને ચંદ્ર કૃતિકા નક્ષત્રમાં બિરાજમાન રહેશે, જે શિયાળાની શરૂઆતનું સંકેત આપે છે.
ચોમાસાની વાત કરીએ તો નૈઋત્ય ચોમાસું મૃગશીર્ષ નક્ષત્રથી પ્રારંભ થઈ હાથીયા સુધી ખૂબ જોરદાર વરસ્યું હતું. ચોમાસાના અંતે ખેતીમાં હરિયાળી છવાઈ અને ખેડૂતોને સારો વરસાદ મળતાં ખુશી છવાઈ હતી. પરંતુ સ્વતી નક્ષત્ર દરમિયાન થયેલા અચાનક માવઠાએ રેકોર્ડ તોડ આકાશી આફત વરસાવી, જેના કારણે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો તૈયાર પાક બગડી ગયો. ત્યારે હવે ઉત્તર તરફ પવન ફંટાતા તાપમાનમાં ધીમે ધીમે ઘટાડો થશે. શરૂઆતમાં હળવી ઠંડી અનુભવાશે, પરંતુ ૭ નવેમ્બર બાદ ઠંડીનું જોર વધુ સ્પષ્ટ બનશે. ફાગણ મહિનાના બેસ્તા સમય સુધી ઠંડીનું મિજાજ યથાવત રહેશે તેવી આગાહી છે.
રાજ્યના ઉત્તર અને મધ્ય ભાગમાં વહેલી સવાર અને સાંજના સમયે તીવ્ર ઠંડીનો અનુભવ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. શિયાળાની ઋતુ શરૂ થતાં ખેતી માટે પણ આ સમય અનુકૂળ સાબિત થવાની આશા છે, કારણ કે રવી પાકોને ઠંડીનું વાતાવરણ લાભદાયક બનશે. આ રીતે, ગુલાબી સવાર અને ઠંડીનો અનુભવ હવે દિવસે દિવસે વધી રહ્યો છે અને શિયાળો પોતાની મોજમાં જામવા આગળ વધી રહ્યો છે.
(10:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
