તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Saturday, 1st November 2025
ધ્યાન આપો : હજ-૨૦૨૬ માટે રાજ્ય હજ નિરીક્ષક બનવા ઇચ્છતા સરકારી કર્મચારીઓ માટે ઓનલાઈન અરજી કરવા હવે માત્ર બે દિવસ બાકી
ગુજરાત રાજ્ય હજ સમિતિ દ્વારા રાજ્ય સરકારના મુસ્લિમ અધિકારી/કર્મચારીઓ પાસેથી અરજીઓ મંગાવાઈ : ૦૩ નવેમ્બર, ૨૦૨૫ સુધી ઓનલાઈન અને ૦૫ નવેમ્બર સુધી હાર્ડકોપી જમા કરાવવાની રહેશે : પસંદગી પામેલ કર્મચારીઓને આશરે બે માસ માટે સાઉદી અરેબિયા ખાતે ડેપ્યુટેશન પર મૂકવામાં આવશે

ગાંધીનગર, તા. ૧ નવેમ્બર, ૨૦૨૫ : હજ-૨૦૨૬ માટે ગુજરાત રાજ્ય હજ સમિતિ, સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રાજ્ય હજ નિરીક્ષક (State Haj Observer) તરીકે સેવા આપવા ઇચ્છુક રાજ્ય સરકારના કર્મચારીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે. અરજી સ્વીકારવાની પ્રક્રિયા તા. ૧૫ ઓક્ટોબર, ૨૦૨૫ થી શરૂ થઈ હતી અને હવે ઓનલાઈન અરજી કરવા માટે માત્ર બે દિવસ એટલે કે, તા. ૦૩ નવેમ્બર, ૨૦૨૫ સુધીનો સમયગાળો જ બાકી છે. જ્યારે અરજીની હાર્ડકોપી સ્વીકારવાની પ્રક્રિયા આગામી તા. ૦૫ નવેમ્બર, ૨૦૨૫ સુધી કાર્યરત રહેશે.
રાજ્ય હજ નિરીક્ષકની ભૂમિકા અને ડેપ્યુટેશન
હજ યાત્રીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં રાજ્ય હજ નિરીક્ષકની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. પસંદગી પામેલા કર્મચારીઓને હજ કમિટી ઓફ ઈન્ડિયા દ્વારા આશરે બે માસના સમયગાળા માટે સાઉદી અરેબિયા ખાતે ભારતના કોન્સ્યુલેટ જનરલ, જેદ્દાહ હસ્તક ડેપ્યુટેશન પર મૂકવામાં આવશે. આ ડેપ્યુટેશનનો સમયગાળો ફરજ પર ગણાશે અને પગાર-ભથ્થાં નિયમિતપણે સંબંધિત કચેરી દ્વારા ચૂકવવામાં આવશે.
પાત્રતાના મુખ્ય ધોરણો
અરજી કરવા માટે નીચેના મુખ્ય ધોરણો નક્કી કરવામાં આવ્યા છે:
* પાત્રતા: રાજ્ય સરકાર હસ્તકના તમામ વિભાગો/જાહેર સાહસો/સ્વાયત્ત સંસ્થાઓ/આયોગના માન્ય સંસ્થામાંથી સ્નાતકની પદવી ધરાવતા મુસ્લિમ સરકારી અધિકારી/કર્મચારીઓ અરજી કરી શકશે.
* અપવાદ: વર્ગ-૧ કક્ષાના કે તેને સમકક્ષ અધિકારીઓ, કરાર આધારિત કર્મચારીઓ કે આઉટસોર્સિંગના કર્મચારીઓ અરજી કરી શકશે નહીં.
* વય મર્યાદા: અરજદારની ઉંમર તા. ૧૫-૧૦-૨૦૨૫ ના રોજ ૫૦ વર્ષ કરતાં ઓછી હોવી જોઈએ.
* પાસપોર્ટની મુદત: ભારતીય પાસપોર્ટની મુદત તા. ૩૧-૧૨-૨૦૨૬ સુધીની હોવી જોઈએ.
* સેવાનો અનુભવ: અરજદારે અગાઉ રાજ્ય હજ નિરીક્ષક કે ખાદીમુલ હુજ્જાજ તરીકે ત્રણથી વધુ વખત સેવાઓ બજાવેલ ન હોવી જોઈએ.
* NOC: અરજી સાથે નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) અપલોડ કરવું આવશ્યક છે. જો અરજી સમયે NOC ન મળેલ હોય તો ઇન્ટરવ્યુ સમયે NOC જમા કરાવવાની શરતે બાંહેધરી અપલોડ કરી શકાશે.
અરજી પ્રક્રિયા અને સમયમર્યાદા
ઇચ્છુક અરજદારોએ નીચે મુજબ અરજી કરવાની રહેશે:
* ઓનલાઈન અરજી (હજ કમિટી): હજ કમિટી ઓફ ઇન્ડિયાની વેબસાઇટ http://hajcommittee.gov.in પર રાજ્ય હજ નિરીક્ષક તરીકે તા. ૦૩-૧૧-૨૦૨૫ સુધીમાં અરજી કરવી.
* ઓનલાઈન ફોર્મ (રાજ્ય સમિતિ): હજ કમિટી ઓફ ઈન્ડિયાની અરજી સબમિટ કર્યા બાદ રાજ્ય હજ સમિતિની વેબસાઇટ https://haj.gujarat.gov.in પર ઉપલબ્ધ ઓનલાઈન ફોર્મમાં જરૂરી વિગતો અને પુરાવા ભરીને સબમિટ કરવા.
* હાર્ડકોપી: અરજીની હાર્ડકોપી સંબંધિત વિભાગ/ખાતાના વડા મારફત સચિવ, ગુજરાત રાજ્ય હજ સમિતિ, બ્લોક નં ૮, ૮મો માળ, સચિવાલય, ગાંધીનગર ખાતે તા. ૦૫/૧૧/૨૦૨૫ ના કચેરી સમય સુધીમાં મળી રહે તે મુજબ મોકલી આપવાની રહેશે.
નોંધ: માત્ર ઓનલાઈન આવેદન કરાયેલ અરજીઓ, અપૂર્ણ માહિતીવાળી અરજીઓ કે સમયમર્યાદા બાદ મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં.
પસંદગી પ્રક્રિયા
હજ કમિટી ઓફ ઇન્ડિયા અને કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રાલયના દિશા નિર્દેશો અનુસાર કમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ અને ઇન્ટરવ્યુ ના આયોજન બાદ અરજદારોની પસંદગી કરવામાં આવશે. દર ૧૫૦ હજ યાત્રીઓએ એક રાજ્ય હજ નિરીક્ષકની પસંદગી કરવામાં આવશે. પસંદગી પામેલા નિરીક્ષકનો ૫૦ ટકા ખર્ચ (રૂ. ૨,૧૦,૦૦૦) સંબંધિત વિભાગ/કચેરી દ્વારા ચૂકવવાનો રહેશે.
(12:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
