<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

પોપટ સોરઠિયા હત્યા કેસમાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાનું ગોંડલ કોર્ટમાં આત્મસમર્પણ : સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ભારે પોલીસ જાપ્તા સાથે લેવાયા કસ્ટડીમાં : જુઓ વિડીયો

કોર્ટના આદેશ મુજબ જૂનાગઢ જેલ ખાતે મોકલી અપાયા, જ્યારે રાત્રિના ૮ વાગ્યા બાદ અમિત ખૂંટ આપઘાત પ્રકરણમાં પોલીસ કબ્જો લેશે : કોર્ટ બહાર સમર્થકોની ભારે ભીડથી કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસનો ધાડેધાડા ઉતર્યો

(ભાવેશ ભોજાણી દ્વારા)ગોંડલ : ગોંડલના તત્કાલીન ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાએ આજે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગોંડલ કોર્ટમાં આત્મસમર્પણ કર્યું છે. આ આત્મસમર્પણ બાદ તેમને પોલીસ કસ્ટડીમાં લઈને જૂનાગઢ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.
અગાઉ, પોપટ સોરઠિયાના પ્રપૌત્ર હરેશ સોરઠિયાએ અનિરુદ્ધસિંહ જાડેજાની જેલમુક્તિને પડકારતી અરજી હાઈકોર્ટમાં કરી હતી, જેના પગલે કોર્ટે તેમને ૧૮ સપ્ટેમ્બર સુધીમાં સરેન્ડર થવા આદેશ કર્યો હતો. આ આદેશને અનિરુદ્ધસિંહે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, જ્યાં ગઈકાલે તેમને ૭ દિવસનો સ્ટે મળ્યો હતો. જોકે, આ સ્ટે ઓર્ડર માત્ર એક દિવસમાં જ પાછો ખેંચી લેવામાં આવ્યો અને તેમને આજે સાંજે ૮ વાગ્યા સુધીમાં સરેન્ડર થવાનો આદેશ અપાયો હતો.
ઉચ્ચ ન્યાયાલયના આ હુકમને માનીને અનિરુદ્ધસિંહ જાડેજાએ ગોંડલની રાઠોર સાહેબની કોર્ટમાં બપોર બાદ સરેન્ડર કર્યું હતું. આ સમાચાર વાયુવેગે ગોંડલ શહેર અને આસપાસના વિસ્તારમાં ફેલાતા મોટી સંખ્યામાં રીબડાના સમર્થકો કોર્ટની આસપાસ ઉમટી પડ્યા હતા. કાયદો અને વ્યવસ્થા ન બગડે તે માટે રાજકોટ ગ્રામ્ય પોલીસનો મોટો કાફલો ઉતરી પડ્યો હતો.
અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલ હવાલે કર્યા બાદ, ગોંડલ તાલુકા પોલીસ મોડી રાત્રે ૮ વાગ્યા બાદ ચકચારી અમિત ખૂંટ આપઘાત પ્રકરણમાં તેમનો કબ્જો લઈ વધુ કાર્યવાહી હાથ ધરશે.

 

(5:44 PM IST)