તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Monday, 15th September 2025
દર્દીના સંબંધીએ ડોક્ટરને એક-બે નહીં એક સાથ ૧૨ લાફા ઝીંકી દીધા
બાળકની ગંભીર સ્થિતિ બાદ વિવાદઃનશામાં ધૂત વ્યક્તિ અચાનક ડોક્ટરની ચેમ્બરમાં ઘૂસી ગયો અને ગુસ્સામાં આવીને ડોક્ટર પર તાબડતોબ ૧૨ લાફા ઝીંકી દીધા

સુરત,તા.૧૫
સુરતઃ પાંડેસરા વિસ્તારમાં આવેલી કેએસબી ઓલિમ્પિયા ડ્રીમ ચિલ્ડ્રન હોસ્પિટલમાં એક ચોંકાવનારી ઘટના બની છે. દર્દીના સંબંધી દ્વારા ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પર નિર્દયતાથી હુમલો કરવામાં આવ્યો, જેમાં ડોક્ટરને એક પછી એક ૧૨ લાફા ઝીંકવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના હોસ્પિટલના CCTV કેમેરામાં કેદ થઈ છે.
માહિતી મુજબ, એક યુવાન પોતાના નાના બાળકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લાવ્યો હતો. તપાસ બાદ ડોક્ટરે પરિવારને સમજાવ્યું કે સારવાર માટે બાળકને ICU માં દાખલ કરવું જરૃરી છે, પરંતુ તેમની હોસ્પિટલમાં ICU ની સુવિધા ન હોવાથી અન્ય હોસ્પિટલમાં રિફર કરવો પડશે. આ વાત સાંભળીને દર્દીના સંબંધી નારાજ થયા હતા.
હોસ્પિટલ પ્રશાસનના જણાવ્યા મુજબ, બાળક સાથે આવેલા ચાર પુખ્ત લોકોમાંથી એક વ્યક્તિ નશામાં હતો. શરૃઆતમાં પરિવાર સહમત જણાયો, પરંતુ લગભગ ૨૦ મિનિટ બાદ નશામાં ધૂત વ્યક્તિ અચાનક ડોક્ટરની ચેમ્બરમાં ઘૂસી ગયો અને ગુસ્સામાં આવીને ડોક્ટર પર તાબડતોબ ૧૨ લાફા ઝીંકી દીધા. આ દરમિયાન તે અસભ્ય શબ્દોનો પણ પ્રયોગ કરી રહ્યો હતો. ડોક્ટરને ઇજાઓ થઈ છે.
આ ઘટનાની જાણ થતાં જ ડોક્ટરે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૃ કરી છે. બીજી તરફ, ડોક્ટરોના સંગઠનો અને ચિકિત્સક વર્ગે આ હુમલાને "અક્ષમ્ય અપરાધ" ગણાવી કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. આ બનાવથી ફરી એકવાર આરોગ્યકર્મીઓની સુરક્ષા પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.
(10:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
