તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Saturday, 12th July 2025
દસ્તાવેજ કરનારે મળનારા હિસ્સાથી વધુ તબદિલી કરી નથી તેનો ઉલ્લેખ જરૂરી
સબ રજિસ્ટ્રારોને આ મુદ્દે ધ્યાન રાખી નોંધણી કરવા તાકીદ : કાયદેસરના મળવાપાત્ર હિસ્સા કરતા વધુ હિસ્સાની તબદિલી થતી હોય તો તે દસ્તાવેજ નોંધણી માટે સ્વીકારી શકાશે નહીં

અમદાવાદ તા.૧૨: રહેણાંક-ઘર સિવાયની સંયુક્ત સ્થાવર મિલકતમાંથી વણવહેંચાયેલા હિસ્સા અંગે દસ્તાવેજ કરી આપનારે જ હવે દસ્તાવેજમાં પોતાના તબદિલી પાત્ર હિસ્સાનો ઉલ્લેખ કરવાનો રહેશે. તે સાથે મળવાપાત્ર હિસ્સા કરતા વધુની તબદિલી કરી નથી તેવો સ્પષ્ટ ઉલ્લેખ દસ્તાવેજમાં કરવાનો રહેશે. સબ રજિસ્ટ્રારને પણ નોંધણી સંદર્ભે આ મુદ્દે ધ્યાન રાખવાની સૂચના જારી કરાઇ છે.
નોંધણી સર નિરીક્ષક અને સુપ્રિન્ટેડન્ટ ઓફ સ્ટેમ્પસની કચેરી દ્વારા વણવહેંચાયેલી મિલકતના સહમાલિક દ્વારા થતી તબદિલીના દસ્તાવેજોની નોંધણી બાબતે ૧૦ જુલાઇએ પરિપત્ર જારી કરાયો છે. જેમાં અગાઉ નિયત કરાયેલી બાબતે ફેરફાર કરાયો છે. જેમાં ઘર સિવાયની સંયુક્ત સ્થાવર મિલકતમાંથી સહ હિસ્સેદાર પોતાના વણવહેંચાયેલા હિસ્સાની તબદિલી કરે તેવા સંજોગોમાં દસ્તાવેજોનો ઉલ્લેખ હોવો જોઇએ અને તેની ચકાસણી કે ખરાઇ સબ રજિસ્ટ્રારને કરવાની રહેશે. જો સંયુક્ત મિલકતમાંથી વણવહેંચાયેલા હિસ્સાની તબદિલી થતી હોય તો તેના રેવન્યુ રેકર્ડ અને જો તે મિલકતની દસ્તાવેજ નોંધણી થયેલી હોય તો દસ્તાવેજની નકલ કે અન્ય કોઇ માલિકી હકના પુરાવામાં દર્શાવ્યા મુજબ હિસ્સા બાબતે ખરાઇ કરવાની રહેશે. તેમાં પુરાવામાં જે હિસ્સો દર્શાવ્યો હોય તે ગણવાનો રહેશે પરંતુ જે કિસ્સામાં હિસ્સો દર્શાવ્યો ન હોય તે કિસ્સામાં સરખા -માણમાં ભાગ કરી તેનો હિસ્સો નક્કી કરવાનો રહેશે. એટલું જ નહીં કાયદેસરના મળવાપાત્ર હિસ્સા કરતા વધુ હિસ્સાની તબદિલી થતી હોય તો તે દસ્તાવેજ નોંધણી માટે સ્વીકારી શકાશે નહીં.
ઉપર્યુક્ત બાબતે હવે કરાયેલા ફેરફાર મુજબ દસ્તાવેજ કરી આપનારા દસ્તાવેજમાં પોતાના તબદિલીપાત્ર હિસ્સાનો ઉલ્લેખ કરવાનો રહેશે અને તેને મળવાપાત્ર હિસ્સા કરતા વધુ તબદિલી થતી નથી તેનો સ્પષ્ટ ઉલ્લેખ દસ્તાવેજમાં કરવાનો રહેશે. આ બાબતે નોંધણીની કાર્યવાહીમાં ધ્યાન રાખવા પણ સબ રજિસ્ટ્રારને સૂચના અપાઇ છે.(૩૮.૪)
(1:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
