News of Monday, 7th July 2025
૬ માસ પછી જબ્બર જનાદેશ : ગુજરાતની રાજકીય દિશા નકકી થશે
મારો મત, મારો અધિકાર, લોકશાહીનો લલકાર, શ્રેષ્ઠનો કરો સ્વીકાર : ૧પ મહાનગરપાલિકાઓ, ર૩૧ તાલુકા પંચાયતો અને ૩૧ જિલ્લા પંચાયતોની ચૂંટણીઃ રસપ્રદ ત્રિપાંખીયો જંગ જામશે

રાજકોટ તા. ૭: ગુજરાતમાં ડીસેમ્બર જાન્યુઆરીમાં આવી રહેલ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જામે તેવા એંધાણ છે. આજથી અઢી વર્ષ પછી આવનારી ચૂંટણી પૂર્વેનો આ સૌથી મોટો જનાદેશ હશે. તાલુકા-જિલ્લા પંચાયતો અને મ્યુ. કોર્પોરેશનોની ચૂંટણી ગુજરાતની રાજકીય દિશા અને દશા નકકી કરશે. વિસાવદરની જીતથી જોરમાં આવી ગયેલી આમ આદમી પાર્ટી પણ ચૂંટણી જંગમાં ઝંપલાવશે. જો કોંગ્રેસ સાથે સમજુતી ન થાય તો ભાજપ-કોંગ્રેસ અને આપ તે રીતે ત્રણેય મુખ્ય પક્ષો જંગમાં રહેશે. અન્ય પક્ષો અને અપક્ષો પણ ઝંપલાવશે.
ગુજરાતમાં નવી રચાયેલી ૯ અને જુની ૬ સહિત ૧પ મહાનગર પાલિકાઓ ૩૧ જિલ્લા પંચાયત, ર૩૧ તાલુકા પંચાયતો અને ૮૧ નગરપાલિકાઓની ચૂંટણી આવી રહી છે. ગયા વખતે ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજાયેલ. આ વખતે જાન્યુઆરીથી આચારસંહિતના આવી જાય તેવા સંજોગો છે.
પાલિકા-પંચાયતોની ચૂંટણીમાં પ્રાથમિક સુવિધા સહિતના સ્થાનિક પ્રશ્નો અગત્યના હોય છે. ઉપરાંત રાજયનું રાજકીય વાતાવરણ અને જ્ઞાતિના સમીકરણો અસર કરે છે. આ વખતે પ્રથમ વખત ર૭ ટકા બક્ષીપંચ અનામત બેઠકોનો અમલ થશે તેના કારણે ઘણા સમીકરણો ફરશે જનાદેશ રસપ્રદ બનશે.
ગુજરાતમાં કોઇપણ ચૂંટણીમાં સામાન્ય રીતે ભાજપ-કોંગ્રેસ વચ્ચેજ જંગ રહે છે. પણ આ વખતે આપ તાકાતથી મેદાને આવવા માંગે છે. આપ-કોંગ્રેસ વચ્ચે સમજુતી થાય તો ભાજપને અઘરૂં પડી શકે નહિંતર મત વિભાજનનો લાભ મળી શકે. સ્થાનિક ચૂંટણીમાં એક-એક મતો નિર્ણાયક હોય છે. જો ત્રણેય પક્ષ અલગ-અલગ લડે તો અભૂતપૂર્વ ત્રિપાંખીયો જંગ થશે. શહેરી વિસ્તારોમાં ભાજપનું પ્રભુત્વ છે. ગ્રામીણ ક્ષેત્રમાં કોંગ્રેસના મૂળ ઉંડા છે. સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના પરિણામો મોટી રાજકીય નવાજુની સર્જી શકે છે. જો કે રાજકીય પંડિતો સ્થાનિક ચૂંટણીઓ પૂર્વે જ ગુજરાતમાં સતા અને ભાજપ સંગઠનને સ્પર્શતા મોટા ફેરફારોની શકયતા દર્શાવી રહ્યા છે. મૂરતિયા પસંદગીમાં ત્રણેય પક્ષોની કસોટી થઇ શકે છે. ત્રિપાંખીયા જંગમાં કોઇ પક્ષ બીજા પક્ષની હાર કે જીત માટે નિમિત બની શકે છે. (૭.૧૯)
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
