<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st July 2025

ઘેલા સોમનાથ મહાદેવ મંદિરમાં; ૧૦ કરોડના ખર્ચે ડેવલપમેન્ટ પ્રોજેક્ટની તૈયારી

સાઉન્ડ શો સહિત વિવિધ વિકાસ કાર્યો હાથ ધરાશેઃઆ પ્રોજેક્ટમાં લેઝર શો, શોપિંગ સેન્ટર, પાર્કિંગ, અને બગીચા સહિતના સુવિધાઓનો સમાવેશ થાય છે

રાજકોટ,તા.૧

ગુજરાતની આગવી ઓળખ સમા ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ ધરાવતા મંદિરો અને શિલ્પો-સ્થાપત્યોના સાંસ્કૃતિક વારસાનું જતન કરવા માટે સરકાર હંમેશા પ્રયત્નશીલ રહી છે. ત્યારે સૌથી ઐતિહાસિક, પૌરાણિક તેમજ સાંસ્કૃતિક મહત્વ ધરાવતા તથા દેશના દ્વાદશ જ્યોતિર્લિંગોમાં પ્રથમ સોમનાથ મહાદેવનો અભૂતપૂર્વ વિકાસ કર્યો છે. આ વિકાસ કાર્યોમાં વધુ એક સોપાન ઉમેરી સોમનાથનો પડછાયો ધરાવતા તથા ઐતિહાસિક શૌર્યના સાંસ્કૃતિક પ્રતીક સમા સૌરાષ્ટ્રમાં સોમપિપળિયા ખાતે આવેલા સાડા પાંચસો વર્ષ જુના ઘેલા સોમનાથ મહાદેવ મંદિરના વિકાસના પ્રોજેક્ટને આગળ વધારવાની તૈયારીઓ સરકારે દર્શાવી છે.

મુઘલ આક્રમણકારીઓ સામે ધર્મ અને સંસ્કૃતિના રક્ષણ કાજે બલિદાન આપીને એક શિવલિંગનું રક્ષણ કરવા માટે અભૂતપૂર્વ શૌર્ય દાખવનારાઓની યશોગાથા સમાન ઘેલા સોમનાથ મહાદેવનું મંદિર સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લાના વીંછિયા તાલુકામાં સોમપિપળિયા ખાતે આવેલું છે, જેનો ઈતિહાસ આશરે સાડા પાંચસો વર્ષ જુનો મનાય છે. સાંસ્કૃતિક પ્રતીક સમા આ મંદિરમાં સંરક્ષણ-જીર્ણોદ્ધાર તથા શ્રદ્ધાળુઓની સુવિધા માટે અંદાજે રૃ. ૬ કરોડના ખર્ચે વિવિધ વિકાસ કાર્યો તો ટૂંક સમયમાં શરૃ થવા જઈ રહ્યા છે.

ઘેલા સોમનાથ મહાદેવ મંદિરનું ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ સમજી અહીં નવીનીકરણ-આધુનિકીકરણ પ્રોજેક્ટ હેઠળ મહત્વના વિકાસ કાર્યો થવાના છે, જેમાં ગુજરાતના અન્ય પ્રવાસન સ્થળોની જેમ જ હવે ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ખાતે પણ લેઝર લાઇટ એન્ડ સાઉન્ડ શો શરૃ થવાનો છે. અંદાજે રૃ. ૪ કરોડના ખર્ચે લેઝર લાઇટ એન્ડ સાઉન્ડ શો સૌથી મહત્વનો પ્રોજેક્ટ છે. લેઝર એન્ડ સાઉન્ડ શોની કામગીરી માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવી છે અને તેણે કામગીરી શરૃ કરી દીધી છે.

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી મળતી માહિતી મુજબ, ઘેલા સોમનાથ મહાદેવ સંકુલ ખાતે લેઝર એન્ડ સાઉન્ડ શો ઉપરાંત મુખ્ય માર્ગ પર રેમ્પના પગથિયા, બંને બાજુ લેન્ડસ્કેપ સાથે, શિવજીના જન્મકથાથી શરુ કરી જીવનના વિવિધ તબક્કાઓ દર્શાવતા શિલ્પો અને શિવજીના વિવિધ સ્વરૃપોના પથ્થરના ચિત્રપટ મૂકવામાં આવશે.તદુપરાંત, ફ્રન્ટ રોડ સાઇડ કમ્પાઉન્ડ, વોલમાં શણગારાત્મક પથ્થરની કમાન તથા શિવ મહાત્મ્યનું ચિત્રપટ પેઇન્ટિંગ, મુખ્ય મંદિરની સામે મીનળદેવી ટેકરીના પાયાની તળેટી ખાતે શોપિંગ સેન્ટર તેમજ પાર્કિંગ તૈયાર કરવામાં આવશે. આ સાથે હાલ યાત્રાળુઓ માટે પરિસરમાં બેસવાની જગ્યામાં વધારો થશે અને શોપિંગ માટે હાલ રસ્તાની બંને તરફ દુકાનો બનાવવામાં આવશે.

વધુમાં મંદિરમાં પણ રિનૉવેશન કરવામાં આવશે, જ્યાં જેમાં ગર્ભગૃહના માર્બલ, કંગરા, અને પ્લિન્થનું ક્લેડિંગ કરવામાં આવશે.આ ઉપરાંત, શ્રદ્ધાળુઓ માટે બેઠક વ્યવસ્થા, મંદિરની આજુબાજુ પાકા માર્ગો, લેન્ડસ્કેપિંગ, બગીચા, શહીદ સ્મારકનું પુનર્નિર્માણ તથા સૌંદર્યીકરણ કરવામાં આવશે. તેવી જ રીતે મુખ્ય માર્ગ, તેની બંને બાજુએ પુનર્નિર્માણ અને રાહ જોવાના સ્થળોનો વિકાસ કરાશે. આ ઉપરાંત, યજ્ઞશાળાનું પુનર્નિર્માણ કરવામાં આવશે. જેથી અહીં પ્રવાસીઓ વધુ આકર્ષાશે અને સ્થાનિકોને પણ રોજગારી મળી રહેશે.નોંધનીય છે કે, ઘેલા સોમનાથ મહાદેવ મંદિરમાં ૪ કરોડના ખર્ચે લાઇટ અને સાઉન્ડ શો સહિત કુલ રૃ. ૬ કરોડના ખર્ચે અનેક પ્રકારના આધુનિકીકરણ અને નવીનીકરણ કાર્યો હાથ ધરવાની જાહેરાત ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કરવામાં આવી છે. આ નવીનીકરણ કાર્યો હેઠળ મંદિરના મુખ્ય દ્વાર, પાળિયા સમાધિનો જીર્ણોદ્ધાર કરવામાં આવશે.રાજ્યના મોટાભાગના મુખ્ય ધાર્મિક સ્થળોએ લેઝર લાઇટ એન્ડ સાઉન્ડ શોની સુવિધા ઊભી કરાઈ છે. તેવી જ રીતે ઘેલા સોમનાથ મહાદેવ મંદિર સંકુલ પણ લેઝર લાઇટ એન્ડ સાઉન્ડ શોથી ઝળહળી ઉઠશે અને રાજ્યના અન્ય પ્રવાસન સ્થળોની જેમ ઘેલા સોમનાથ મહાદેવ મંદિર પણ એક સમયે ગુજરાતના ટોપ ફરવાલાયક સ્થળોની યાદીમાં સ્થાન મેળવશે.

(10:24 PM IST)