News of Thursday, 26th June 2025
સરકાર પ્રવેશોત્સવ કરાવી રહી છે પરંતુ ગુજરાતની હજારો શાળાઓ એક શિક્ષકથી ચાલે છે: ચૈતર વસાવા
ગુજરાતમાં 1456 જેટલી શાળાઓમાં બાળકોને બેસવા માટે ઓરડાઓ નથી: નર્મદા જિલ્લામાં 100 જેટલી શાળાઓ ફક્ત એક શિક્ષકથી ચાલે છે, 100 જેટલી શાળાઓમાં વિદ્યાર્થીઓને બેસવા માટે ક્લાસરૂમ નથી: ચૈતર વસાવા

( ભરત શાહ દ્વારા )નર્મદા : આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના દાભવણ ગામે પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ હાજરી આપી હતી. આ કાર્યક્રમ બાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, આજથી સમગ્ર ગુજરાતમાં કેબિનેટ મંત્રીઓ, ધારાસભ્યો સહિત તમામ નેતાઓની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ શરૂ થયો છે. સરકારના આદેશ અનુસાર અમે પણ ત્રણ શાળાઓમાં, બાલ વાટિકા અને આંગણવાડીઓમાં પ્રવેશોત્સવનો કાર્યક્રમ કરાવ્યો હતો. સરકારના આ અભિગમને અમે આવકારીએ છીએ. પરંતુ અમને સવાલ એ થાય છે કે શું આવી રીતે ગુજરાત ભણશે? કારણ કે હું તો મારા વિસ્તારની વાત કરું તો નર્મદા જિલ્લામાં 100 જેટલી શાળાઓ ફક્ત એક શિક્ષકથી ચાલે છે, 100 જેટલી શાળાઓમાં વિદ્યાર્થીઓને બેસવા માટે ક્લાસરૂમ નથી, આજે ગુજરાતમાં 1,600 જેટલી શાળાઓ એક શિક્ષકથી ચાલે છે, આ એક શિક્ષક તમામ વર્ગના બાળકોને ભણાવે છે અને સાથે સાથે તમામ સરકારી કામો પણ કરે છે. સમગ્ર ગુજરાતમાં 1456 જેટલી શાળાઓમાં બાળકોને બેસવા માટે ઓરડાઓ નથી. કેટલી જગ્યાએ બાળકો ભાડાના મકાનમાં ભણે છે, ઓટલા પર બેસીને ભણે છે કે ક્યાંક ઝાડ નીચે બેસીને ભણે છે, તો ક્યાંક ગ્રામ પંચાયતમાં બેસીને ભણે છે કે પછી કોઈ સરકારી આવાસમાં બેસીને ભણે છે. ગુજરાત સરકારે આ ગુજરાતની વરવી વાસ્તવિકતા સ્વીકારવી પડશે.
30 વર્ષના શાસન બાદ આપણે જો વિશ્વ ગુરુ બનવાની વાત કરતા હોય અને શિક્ષણ ક્ષેત્રે હરણફાળ ભરવાની વાત કરતા હોય તો હાલ જે ગુજરાતની વરવી વાસ્તવિકતા છે, તેને પણ ગુજરાત સરકારે સ્વીકારવી પડશે. સરકાર એક બાજુ ખાનગી શાળાઓને પ્રોત્સાહન આપી રહી છે અને સરકારી શાળાઓ બંધ કરી રહી છે. છેલ્લા કેટલાક સમયમાં જ સરકારે 525 સરકારી શાળાઓ બંધ કરી દીધી. હવે સરકારે નવા આપેલા આંકડાઓ અનુસાર વિદ્યાર્થીઓ નહિવત હોવાને કારણે સરકાર 5912 શાળાઓ બંધ કરવા જઈ રહી છે. 2015 માં એમણે ગૃહમાં આંકડો આપ્યો હતો કે ખાનગી શાળાઓ 12,502 હતી જે વધીને 2024-25 માં 13490 થઈ છે. જેની સામે સરકારી શાળાઓ 35,122 હતી જે ઘટીને 34,497 થઈ છે. આ આંકડા દર્શાવે છે કે સરકાર ખાનગી શાળાઓને પ્રોત્સાહન આપે છે.
બીજી બાજુ ગરીબ, આદિવાસી અને સરહદી વિસ્તારમાં રહેતા બાળકો સારી શાળાઓમાં ભણી શકે તેવી કોઈ વ્યવસ્થા નથી. શાળાઓમાં યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન હોવાના કારણે દેશના ભવિષ્ય સમાન આ બાળકોનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે. અમે સરકારને વિનંતી કરી રહ્યા છે કે એક બાજુ ટેટ ટાટ પાસ ઉમેદવારોની કાયમી ભરતી કરવામાં આવે. આટલું મોટું બજેટ હોવા છતાં પણ ગુજરાત સરકાર શિક્ષકોની ભરતી નથી કરી રહી, નથી જ્ઞાન સહાયકોની ભરતી થતી કે નથી શાળાઓના ઓરડા બની રહ્યા. શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમો તો થશે પરંતુ સરકારે શિક્ષકોની ઘટ છે તેને પૂરી કરવી જોઈએ અને સાથે સાથે ઓરડાની જે અછત છે તેને પણ પૂરી કરવી જોઈએ આંગણવાડીઓના મકાનો નથી તે મકાનો પણ સરકારી તાત્કાલિક ધોરણે બનાવવા જોઈએ એવી અમારી સરકાર સમક્ષ માંગણી છે.
(10:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
