News of Monday, 23rd June 2025
ગુજરાતમાં રાત્રિના અંધકારમાં પણ મેઘ મહેર : આજે સાંજે 8 થી રાત્રે 10 વાગ્યા સુધી કુલ 49 તાલુકાઓમાં વરસાદ!
અમદાવાદ, નવસારી, તાપી, સુરત અને વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ : અમદાવાદના ધોલેરામાં સૌથી વધુ ૧.૨૨ ઇંચ, નવસારીના ગાંદેવીમાં ૦.૬૩ ઇંચ, તાપીના ઉચ્છલમાં ૦.૫૧ ઇંચ, સુરતના બારડોલી અને વલસાડમાં ૦.૪૩ ઇંચ વરસાદ નોંધાયો!

રાજકોટ: રાજ્યમાં ચોમાસાએ રાત્રીના અંધકારમાં પણ પોતાની પકડ જાળવી રાખી છે. આજે સાંજના 8 વાગ્યાથી રાત્રીના 10 વાગ્યા સુધીના માત્ર બે કલાકના ગાળામાં રાજ્યના કુલ 49 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ મન મૂકીને બેટિંગ કરી છે.
સાંજે 8 થી 10 વાગ્યા સુધી: ધોલેરા, ગાંદેવી અને ઉચ્છલમાં જળબંબાકાર!
સાંજના 8 થી 10 વાગ્યા સુધીના સમયગાળામાં અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકામાં સૌથી વધુ 1.22 ઇંચ (31 મિમી) વરસાદ નોંધાયો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ત્યારબાદ નવસારીના ગાંદેવીમાં 0.63 ઇંચ (16 મિમી), તાપીના ઉચ્છલમાં 0.51 ઇંચ (13 મિમી), સુરતના બારડોલી અને વલસાડમાં 0.43 ઇંચ (11 મિમી) વરસાદ પડ્યો હતો. અમદાવાદના બાવળામાં પણ 0.43 ઇંચ વરસાદ નોંધાયો હતો.
આ સમયગાળા દરમિયાન, બોટાદમાં 0.31 ઇંચ, નવસારીના જલાલપોર, બોટાદના બરવાળા, વલસાડના કપરાડા અને વાપી, ખેડાના વાસો અને માતર, તેમજ વડોદરાના કરજણમાં 0.28 ઇંચ વરસાદ નોંધાયો હતો. તાપીના વ્યારામાં 0.24 ઇંચ, સુરતના પલસાણા, ખેડાના નડિયાદ, ગીર સોમનાથના ઉના, મહેસાણાના ઉંઝા અને રાજકોટના કોટડા સાંગાણીમાં 0.20 ઇંચ વરસાદ પડ્યો હતો.
ગુજરાતના વિવિધ વિસ્તારોમાં રાત્રિ દરમિયાન પણ મેઘ મહેર:
તાપી, અમદાવાદ, બોટાદ, રાજકોટ, વડોદરા, ભાવનગર, વલસાડ, સુરેન્દ્રનગર, ડાંગ, અમરેલી, દાહોદ, મહેસાણા, સુરત, પંચમહાલ, નવસારી, અને ભરૂચ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓના 49 તાલુકાઓમાં રાત્રિ દરમિયાન પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં ચાલુ રહ્યા હતા. ઘણા વિસ્તારોમાં 0.04 થી 0.16 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો, જેણે દિવસભરના ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરાવી હતી.
આ રાત્રિના વરસાદથી ખેડૂતોમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે, કારણ કે આનાથી વાવણી માટે જમીનને પૂરતો ભેજ મળી રહ્યો છે. શહેરી વિસ્તારોમાં પણ ગરમીમાંથી રાહત મળી છે. હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.
(10:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
