તા. ૫ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૪, મંગળવાર
News of Monday, 16th June 2025
અમદાવાદ વિમાન દુર્ઘટના : 92 મૃતકોના DNA સેમ્પલ મેચ : 47 પાર્થિવ દેહ પરિવારજનોને સુપરત કરાયા : રાજ્ય સરકારની ઓળખ પ્રક્રિયા તેજ
સિવિલ હોસ્પિટલના ડો. રજનીશ પટેલે સવારે મીડિયા બ્રીફિંગમાં આપી માહિતી : વધુ 8 પરિવારોને ટૂંક સમયમાં મૃતદેહ સોંપાશે : 13 પરિવારો હાજર, બાકીનાનો સંપર્ક ચાલુ

અમદાવાદ, 16 જૂન 2025: અમદાવાદમાં 12મી જૂને થયેલી કરુણ વિમાન દુર્ઘટના બાદ મૃતકોની ઓળખ અને મૃતદેહ સુપરત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગના પ્રાધ્યાપક ડૉ. રજનીશ પટેલે આજે સવારે મીડિયા બ્રીફિંગમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં કુલ 92 મૃતકોના DNA સેમ્પલ મેચ થઈ ગયા છે. આ પૈકી, કુલ 47 મૃતદેહ તેમના પરિવારજનોને સન્માનપૂર્વક સુપરત કરવામાં આવ્યા છે.
ડૉ. પટેલે વધુમાં જણાવ્યું હતું કે, અન્ય 08 પરિજનોને આગામી બે કલાકમાં તેમના સ્વજનના નશ્વર દેહ સોંપવામાં આવશે. સિવિલ હોસ્પિટલમાં હાલ 13 પરિજનો હાજર છે, જેમને પણ તેમના સંબંધીઓના પાર્થિવ દેહ સન્માનભેર આપવામાં આવશે. આ ઉપરાંત, વધુ 87 પરિજનોનો સંપર્ક કરવામાં આવ્યો છે, અને તેમને મૃતદેહ સ્વીકારવા માટે બોલાવવામાં આવી રહ્યા છે.
તેમણે ઉમેર્યું હતું કે, 12 પરિવારો એવા છે જેમના અન્ય સંબંધીઓના DNA મેચિંગનું પરિણામ મળ્યા બાદ તેઓ પાર્થિવ દેહને એકસાથે સ્વીકારવાના છે. જ્યારે, 11 પરિવારો તેમના કુટુંબીજનો સાથે ચર્ચા કરીને મૃતદેહ સ્વીકારવા માટે આવવાના છે.
આજે સવારે 9:30 કલાક સુધીમાં કુલ 47 મૃતદેહ જે જિલ્લાઓના પરિવારોને સોંપાયા છે તેમાં ખેડા, અમદાવાદ, બોટાદ, મહેસાણા, ભરૂચ, અરવલ્લી, વડોદરા, જૂનાગઢ, આણંદ, મહીસાગર, ગાંધીનગર અને ભાવનગર જિલ્લાનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, 12મી જૂને એર ઇન્ડિયાનું લંડન જઈ રહેલું AI171 વિમાન મેઘાણીનગરમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનાના પગલે રાજ્ય સરકાર દ્વારા મૃતકોની ઓળખની કામગીરી અત્યંત સંવેદનશીલતા અને ઝડપથી હાથ ધરવામાં આવી છે. દરેક મૃતકના પરિવાર માટે એક અલાયદી ટીમ ફાળવવામાં આવી છે. આ ટીમમાં એક વરિષ્ઠ અધિકારી, પોલીસકર્મી અને એક પ્રોફેશનલ કાઉન્સેલરનો સમાવેશ થાય છે, જેઓ શોકગ્રસ્ત પરિવારોને તમામ જરૂરી સહાય અને પરામર્શ પૂરી પાડી રહ્યા છે.
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
