News of Saturday, 7th June 2025
ગુજરાતમાં કોરોનાના કેસોમાં વધારો : આરોગ્ય પ્રધાન ઋષિકેશભાઈ પટેલનું આશ્વાસન - "ગભરાવવાની જરૂર નથી, સરકાર સજ્જ"
વડોદરામાં 6 મહિનાના બાળકને ચેપ લાગ્યો : રાજ્યમાં કુલ 717 સક્રિય કેસ નોંધાયા : દવાઓ અને ઓક્સિજનનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ

ગાંધીનગર, 7 જૂન, 2025: ગુજરાતમાં કોરોનાવાયરસના કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશભાઈ પટેલ દ્વારા જનતાને સાવચેતી રાખવા અને ગભરાયા વગર પરિસ્થિતિનો સામનો કરવા અપીલ કરવામાં આવી છે. તેમણે ખાતરી આપી કે, "વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા પણ સૂચવવામાં આવ્યું છે તેમ, વાયરસ હળવો છે અને આ પરિસ્થિતિમાં ગભરાવાની કોઈ જરૂર નથી."
આરોગ્ય પ્રધાને જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર કોવિડ-19 સામે લડવા માટે સંપૂર્ણપણે સજ્જ છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, સરકાર પાસે દવાઓનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને ઓક્સિજન સપ્લાય સહિતની આરોગ્ય સંભાળ વ્યવસ્થા પણ સારી રીતે તૈયાર છે. તેમણે સામાન્ય શરદી અને ઉધરસ જેવા લક્ષણો ધરાવતા લોકોને મૂળભૂત સાવચેતી રાખવાની અને તબીબી સલાહ લેવાની ભલામણ કરી હતી.
વડોદરામાં નાની વયના બાળકને ચેપ:
રાજ્યભરમાં વધી રહેલા કેસો વચ્ચે, વડોદરા શહેરમાં એક ચિંતાજનક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં માત્ર છ મહિનાના એક બાળકને કોરોનાનો ચેપ લાગ્યો છે. બાળકને સયાજી હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યું છે. આ કેસ સાથે વડોદરામાં કોરોનાના કેસનો આંકડો 17 પર પહોંચ્યો છે.
રાજ્યમાં વર્તમાન સ્થિતિ:
રાજ્ય સરકાર દ્વારા 6 જૂનના રોજ જાહેર કરાયેલા આંકડા મુજબ, ગુજરાતમાં કોરોનાના 170 નવા કેસ નોંધાયા હતા. આ સાથે, રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસોની કુલ સંખ્યા 717 પર પહોંચી છે. આ સક્રિય કેસો પૈકી, 23 દર્દીઓ હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે 694 દર્દીઓ હોમ આઈસોલેશનમાં રહીને સ્વસ્થ થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 68 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.
આરોગ્ય વિભાગ દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોને કોવિડ-19 સંબંધિત તમામ નિયમોનું પાલન કરવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
(5:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
