News of Thursday, 1st May 2025
અમદાવાદ અને અંકલેશ્વરમાં કરોડોનું ગેરકાયદેસર બલ્ક ડ્રગ રેકેટ ઝડપાયું : ખોરાક અને ઔષધ તંત્રનો સપાટો
માન્ય પરવાના વગર Pregabalin APIનું ઉત્પાદન અને વેચાણ કરતી કંપનીઓમાં દરોડા : રૂ. 21.50 લાખનો મુદ્દામાલ જપ્ત : ટેસ્ટિંગ વગર દવા વેચવાનું કૌભાંડ

અંકલેશ્વર: રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા અમદાવાદ અને અંકલેશ્વર ખાતે ગેરકાયદેસર રીતે ચાલતા કરોડો રૂપિયાના બલ્ક ડ્રગ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. માન્ય પરવાના વગર કેમિકલના નામે બલ્ક ડ્રગ Pregabalin APIનું ઉત્પાદન અને વેચાણ કરતી કંપનીઓમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં અંદાજિત રૂ. 21.50 લાખની કિંમતનો 1000 કિલોગ્રામ Pregabalin APIનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, તંત્રને મળેલી બાતમીના આધારે અમદાવાદની મે. એસ્ટીંમ એન્ટરપ્રાઇઝમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ પેઢી દવાના ટ્રેડિંગનો માન્ય પરવાનો ધરાવતી ન હોવા છતાં અંદાજિત રૂ. 85 લાખની કિંમતનું 4,300 કિલોગ્રામ Pregabalinનું વેચાણ કર્યાના પુરાવા મળી આવ્યા હતા. વધુ તપાસમાં અંકલેશ્વરની મે. એક્સીસ ફાર્માકેમના માલિક પ્રવીણભાઈ પટેલ અને આઇકોનીક ફાર્માકેમના ભાગીદારો ભાવેશભાઈ તથા અન્યની સંડોવણી ખુલવા પામી હતી. આ લોકોએ પાનોલી સ્થિત આઇકોનીક ફાર્માકેમની કેમિકલ ફેક્ટરીમાં દવા બનાવવાના કોઈપણ જાતના પરવાના વગર Pregabalin દવા બનાવતા પકડાયા હતા. આ સ્થળેથી રૂ. 21.50 લાખની કિંમતનો 1000 કિલોગ્રામ Pregabalin દવાનો જથ્થો નમૂના લઈ કાયદેસરની કાર્યવાહી હેઠળ જપ્ત કરવામાં આવ્યો છે.
ડૉ. કોશિયાએ વધુમાં જણાવ્યું હતું કે, મે. એક્સીસ ફાર્માકેમ પેઢી પોતાના લાયસન્સનો ઉપયોગ કરીને કોઈપણ જાતના ડોક્યુમેન્ટ બનાવ્યા વગર મે. આઇકોનીક ફાર્માકેમ, પાનોલી, ભરૂચમાંથી Pregabalin IP મેળવી 1 કિલોગ્રામના રૂ. 200નું કમિશન લઈ લેબલ લગાવી વેચાણ બિલો બનાવતી હતી અને પોતાના લાયસન્સ નંબરનો પણ ઉપયોગ કરતી હતી, જે આ કેસમાં તેમની સીધી સંડોવણી દર્શાવે છે. આ ઉપરાંત, આ બનાવટનું ટેસ્ટિંગ મે. બાયોક્રોમ એનાલિટીકલ લેબ, અંકલેશ્વર, ભરૂચ દ્વારા PTLના કોઈપણ જાતના લાયસન્સ ન હોવા છતાં અને કાયદેસરના કોઈપણ જાતના ડોક્યુમેન્ટ રાખ્યા વગર વ્હોટ્સએપ દ્વારા ટેસ્ટ રિપોર્ટ બનાવી આપવામાં આવતો હોવાનો પણ ખુલાસો થયો છે.
વધુ તપાસમાં એ પણ જાણવા મળ્યું હતું કે, મે. એસ્ટીંમ એન્ટરપ્રાઇઝ, અમદાવાદે ભરૂચમાં બ્રાન્ચ શરૂ કરી કોઈપણ જાતના લાયસન્સ વગર API Pregabalin તથા અન્ય API કેમિકલનું વેચાણ કરતી હતી અને કોમ્પ્યુટરમાં જાતે જ ટેસ્ટ રિપોર્ટ બનાવી મોટા પાયે APIનું વેચાણ કરતી હતી. તંત્રએ તે સ્થળેથી API Pregabalinનું સેમ્પલ વડોદરા લેબોરેટરી ખાતે મોકલી 35 કિલોગ્રામ દવાનો મુદ્દામાલ કબજે કર્યો છે.
આમ, આ સમગ્ર દવા કૌભાંડમાં મે. એસ્ટીમ એન્ટરપ્રાઇઝ, અમદાવાદ અને ભરૂચના માલિક નિમેષ શાહ અને પ્રોડક્શન એક્ઝિક્યુટિવ હરીશ અશ્વિનભાઈ જોષી, મે. એક્સીસ ફાર્માકેમ, અંકલેશ્વર, ભરૂચના માલિક પ્રવીણભાઈ પટેલ, મે. આઇકોનીક ફાર્માકેમ, પાનોલી, ભરૂચના માલિક ભાવેશભાઈ ઘનશ્યામભાઈ ચલોડિયા અને મે. બાયોક્રોમ એનાલિટીકલ લેબ, અંકલેશ્વર, ભરૂચના માલિક લલિત ફુલાભાઈ રૈયાણી સામેલ છે.
ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓએ તાજેતરમાં કોડીન ઘટક ધરાવતા શિરપનું ગેરકાયદેસર વેચાણ કરતા ઈસમો, સન ફાર્માની ડુપ્લિકેટ દવા લેવીપીલ 500 ટેબલેટનું વેચાણ કરતા ઈસમો અને ગાંધીનગર ખાતે વગર લાયસન્સે સ્પુરિયસ એલોપેથીક દવાનું ઉત્પાદન કરતી ડુપ્લિકેટ ફેક્ટરી પકડી કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત મે. શ્રી હેલ્થકેર અને સુરત ખાતે કોસ્મેટિકની આડમાં એલોપેથીક દવા ઓનલાઇન એમેઝોનના માધ્યમથી બનાવટી દવા વેચાણ કરતી ફેક્ટરી પકડી પાડી તેમજ ભાવનગર ખાતે ઓનલાઇન એમેઝોનના માધ્યમથી બનાવટી કોસ્મેટિક બનાવટના કોઈપણ જાતના લાયસન્સ વગર ઉત્પાદન કરતી પેઢીઓ પર પાડેલ દરોડાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર અને ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા ઈસમોમાં ડર ફેલાયો છે. તંત્ર દ્વારા આ કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને આ દવામાં વપરાતા API કઈ-કઈ માર્કેટિંગ કંપનીઓનું તેમજ અન્ય ઉત્પાદકોના લાયસન્સ વાપરી દવા બનાવી ગેરકાયદેસર રીતે વેચવામાં આવતી હતી અને ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં આ દવાનું વેચાણ ક્યાં-ક્યાં અને કેટલા સમયથી થતું હતું તેની તપાસ ચાલુ છે.
(6:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
