<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th April 2025

રાજ્યમાં વાતાવરણમાં આવશે પલટો, બનાસકાંઠા સહિત 9 જિલ્લામાં વંટોળ સાથે વરસાદની શકયતા

ગાજવીજ અને તોફાની પવન સાથે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા ઉપરાંત પંચમહાલ,દાહોદ, વડોદરા, આણંદ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છમાં આંધી વંટોળ સાથે વરસાદ પડી શકે

અમદાવાદ :જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આવનારા દિવસોમાં ગરમી તેમજ ચોમાસાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે.

અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, આગામી 48 કલાકમાં ગુજરાતના હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા રહેશે. ખાસ કરીને ગાજવીજ અને તોફાની પવન સાથે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા ઉપરાંત પંચમહાલ,દાહોદ, વડોદરા, આણંદ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છમાં આંધી વંટોળ સાથે વરસાદ પડી શકે છે.

ચોમાસાની આગાહી કરતાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, આ વર્ષે ચોમાસું મોટાભાગે 1966 જેવું રહી શકે છે. જો કે અત્યારે ગરમી વધારે પડી રહી હોવાથી, ચોમાસું 1997 જેવું રહે તો નવાઈ નહીં. એટલે કે, આ વર્ષે ચોમાસું નબળું રહેવાની શક્યતા નથી. ખાસ કરીને પાછોતરો વરસાદ વધારે પડી શકે છે.

વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું કે, આવનારા મે મહિનામાં બંગાળના ઉપસાગરમાં શક્તિશાળી વાવાઝોડું બની શકે છે. આ સિવાય 10 મે અને 15 જૂન વચ્ચે અરબ સાગરમાં પણ ચક્રવાત બનવાની શક્યતા રહેશે. આ ચક્રવાદ અલગ-અલગ 5 જિશામાં જઈ શકે છે. જો કે વાવાઝોડાની અસર કેવી રહેશે, તેનો ખ્યાલ તો તે સક્રિય થયા પછી જ આવશે.

આ વર્ષે ચોમાસું વહેલું આવશે. જેમાં આગામી 22 થી 27 મે વચ્ચે આંદામાન-નિકોબારના ટાપુ પર વરસાદ પડી શકે છે. આ વર્ષે ચોમાસું સારું હોવા છતાં વરસાદ વધતો-ઓછો રહી શકે છે. જો કે ગંગા-જમનાના મેદાનો કેવા તપે છે, તેના પર ચોમાસાનો આધાર રહેશે.

(9:19 PM IST)