તા. ૧૧ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૨ શનિવાર
News of Wednesday, 12th March 2025
CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી સહિત નેતાઓ ઉજવ્યું રંગપર્વ
હરિયાળા પ્રાંગણમાં હોળી ઉત્સવ માટે એકત્ર થયા

ગાંધીનગર, તા. ૧૨
વિધાનસભાની બેઠકની બુધવારના દિવસની કાર્યવાહી પૂરી થયા બાદ ગૃહના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા વિધાનસભા અધ્યક્ષ, મંત્રીઓ, ધારાસભ્યો, સૌ વિધાનસભા ગૃહની સામેના હરિયાળા પ્રાંગણમાં આ હોળી ઉત્સવ માટે એકત્ર થયા હતા. આદિવાસી કલાકારો દ્વારા પ્રસ્તુત પરંપરાગત ઘેરૈયા નૃત્યોના તાલના સંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તથા મંત્રીઓ, ધારાસભ્યો, વિધાનગૃહમાંથી પગપાળા આ પ્રાંગણમાં પહોંચ્યા હતા.
વિધાનસભા પરિસર સામેના આ હરિયાળા પ્રાંગણમાં હોળીગીતોની સંગીતમય પ્રસ્તુતિ, તથા આદિવાસીઓનાં હોળીનૃત્યોના રંગસભર માહોલ વચ્ચે મુખ્યમંત્રી અને વિધાનસભાના અધ્યક્ષ સહિત સૌએ એકબીજાને રંગો ઉડાડી રંગભીના કર્યા હતા અને આ રંગપર્વનો મન મૂકીને આનંદ માણ્યો હતો.
પ્રાંગણમાં બેસવા માટે ખાટલા-ઢોલિયા સાથે રંગબેરંગી ફૂલોની સજાવટથી નયનરમ્ય રંગોળી પણ આ હરિયાળા પ્રાંગણની શોભા વધુ રંગમય બની હતી. રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, ધારાસભ્યો, હોળીગીતોના તાલે ગરબા પણ રમ્યા હતા અને સમગ્ર વાતાવરણને રંગારંગ, ઉલ્લાસમય અને પરસ્પર પ્રેમનું પ્રતીક બનાવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને ધારાસભ્યો, આમંત્રિતોએ આ રંગ પર્વના ઉલ્લાસ સાથોસાથ સમૂહ ભોજનનો આસ્વાદ પણ માણ્યો હતો. અત્રે ઉલ્લેખ કરવો જરૃરી છે કે, વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વિધાનસભાના સભ્યો દ્વારા હોળી પર્વની રંગસભર સામૂહિક ઉજવણીની આ પરંપરા ગયા વર્ષથી શરૃ કરાવી છે.
(7:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
