<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd March 2025

હવે દક્ષિણ ગુજરાતના પશુપાલકો ફક્ત 100 રૂપિયા ચુકવીને પોતાના ગાય-ભેંસનો વીમો ઊતરાવી શકશે

એક પશુપાલકોને મહત્તમ 10 પશુ સુધી સરકારની આ યોજનાનો લાભ મળશે: પ્રીમિયમની રકમમાંથી પશુપાલકો 100 રૂપિયા જ્યારે ઉપરની રકમનું પ્રીમિયમ સરકાર ચૂકવશે

અમદાવાદ :પશુધન વીમા સહાય યોજના અંતર્ગત હવે દક્ષિણ ગુજરાતના પશુપાલકો ફક્ત 100 રૂપિયા ચુકવીને પોતાના દૂધાળા અથવા ગાભણ ગાય-ભેંસનો વીમો ઊતરાવી શકશે. એક પશુપાલકોને મહત્તમ 10 પશુ સુધી સરકારની આ યોજનાનો લાભ મળશે. પ્રીમિયમની રકમમાંથી પશુપાલકો 100 રૂપિયા જ્યારે ઉપરની રકમનું પ્રીમિયમ સરકાર ચૂકવશે. આ ઉપરાંત ગાય અથવા ભેંસનું આકસ્મિક મોત થવાના કિસ્સામાં પશુપાલકોને 40,000 રૂપિયા સુધી વીમા કંપની ચૂકવશે.

પશુપાલકો પશુધન વીમા સહાય યોજનાનો લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજ સાથે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે છે. આગામી એપ્રિલ મહિનાથી પશુપાલકોને પશુધન વીમા યોજનાનો લાભ મળશે. સરકારની આ યોજના ગુજરાતમાં એક વર્ષથી લાગુ છે, પરંતુ પ્રાયોગિક ધોરણે આ યોજનાનો લાભ સૌરાષ્ટ્રના પશુપાલકોને આપવામાં આવ્યો હતો.

હવે સમગ્ર ગુજરાતમાં પશુધન વીમા સહાય યોજના લાગુ કરી દેવામાં આવી છે. તેથી દક્ષિણ ગુજરાતના પશુપાલકો પણ 100 રૂપિયા ભરીને પોતાના દુધાળા અથવા ગાભણ પશુનો વીમો લઈ શકે છે. નવું ખરીદેલું પશુ અથવા ગાભણ પશુ હોય તેનો વીમો ઊતરાવી શકાય છે. તેમજ 3થી 5 વર્ષ સુધીના જ પશુનો વીમો ઊતરાવી શકાય છે. બીજા શબ્દોમાં કહીએ તો 1થી 3 વેતરના જ પશુઓને વીમો યોજના હેઠળ આવરી લેવામાં આવે છે.

ખેડૂત આગેવાન જયેશભાઈ દેલાડએ જણાવ્યું હતું કે ગુજરાતમાં 36 લાખથી વધારે બહેનો આત્મ સન્માન સાથે દુધના ધંધા થકી રોજગારી મેળવી રહી છે. જે અનુસંધાનમાં પશુપાલકની આવક વધે અને આર્થીક રીતે મજબુત થાય એ પ્રમાણનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. સૌ પ્રથમ વખત પશુઓના જે વીમા છે તે એક વર્ષ માટે સૌરાષ્ટ્રમાં લાગુ કર્યા પછી 1લી એપ્રિલથી દક્ષિણ ગુજરાતમાં લાગુ થઇ રહ્યો છે. ખુબ જ સારા સમચાર છે અને પશુ દીઢ 100 રૂપિયામાં 40 હજાર રૂપિયા સુધીના વીમાની જોગવાઈ ખુબ જ આવકાર દાયક છે.

વધુમાં જણાવ્યું હતું કે અગાઉ સુમુલ ડેરી જે વીમા પ્રિમયમ જે લેતા હતા તે લગભગ વર્ષનું પ્રીમીયમ 4300 રૂપિયા હતું અને આ 100 રૂપિયામાં માત્ર વીમા લેવાની અને પોર્ટલ મારફતે વીમા લેવાની વાત છે ત્યારે ખુબ જ આનંદ દાયક છે. આવનારા દિવસોમાં આના કારણે પશુ પાલકો માટે ખાસ કરીને પશુ મરણનું પ્રમાણ જે 8 થી 10 ટકા હોય છે એવા સમયે આ જે વીમો છે તેનાથી પશુ પાલકોને ખુબ જ મોટો ફાયદો થવાનો છે. માત્ર 100 રૂપિયામાં જયારે 40 હજારનો વીમો હોય સ્વાભાવિક છે કે ખુબ જ આવકાર દાયક નિણર્ય રાજ્ય સરકારે કર્યો છે.

(1:11 PM IST)