News of Thursday, 13th February 2025
ત્રણ દિવસ સુધી દારૂ પીવડાવીને સગીરાને નશામાં રાખી બળાત્કાર કર્યો
સગીરાને કેટલાક નબીરાઓ સાથે મિત્રતા કર્યા બાદ ફરવા જવાનું ભારે પડયું

અમદાવાદ,તા.૧૩: શહેરમાં રહેતી એક સગીરાને કેટલાક નબીરાઓ સાથે મિત્રતા કરવી ભારે પડી છે. આ સગીરા તેની બહેનપણી પાસે ગઇ તે બાદ આ નબીરાઓ સાથે ફરવા ગઇ હતી. નબીરાઓએ તેને ત્રણ દિવસ સુધી દારૂ પીવડાવીને નશામાં રાખી હતી. બાદમાં આરોપીએ સગીરા પર બળાત્કાર ગુજારીને વીડિયો પણ બનાવ્યા હતા. નશામાંથી મુક્ત થયા બાદ સગીરાએ સમગ્ર મામલે પરિવારને જાણ કરતા આ મામલે ખાડિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
શહેરમાં રહેતી ૧૫ વર્ષીય સગીરા ૨ ફેબ્રુઆરીએ યુનિવર્સિટી હોસ્ટેલમાં રહેતી બહેનપણીને મહેંદી મૂકવા જવાનું કહીને નીકળી હતી. મોડી રાત સુધી ઘરે પરત ન આવતા તેના પિતાએ ફોન કર્યો હતો. જોકે, સગીરા અને તેની બહેનપણીનો ફોન બંધ આવતા પિતા ચિંતામાં મૂકાયા હતા. ગત તા.૭મીએ સગીરાને એક યુવક યુવતી નશાની હાલતમાં ઘરે મૂકી ગયા હતા. પિતાએ પૂછપરછ કરતા સગીરા નશામાં હોવાથી કંઇ બોલી શક્તી નહોતી. નશો ઉતર્યા બાદ તેની પૂછપરછ કરતા તેણે ચોંકાવનારી બાબતો જણાવી હતી. સગીરા અગાઉ કાંકરિયામાં એક યુવક સાથે ફરવા ગઇ હતી. બાદમાં યુવક તેના મિત્રના ગીતમંદિર ખાતેના ઘરે લઇ ગયો હતો અને કેફી પીણું પીવડાવીને બળાત્કાર ગુજાર્યો હતો. આરોપીએ વીડિયો બનાવીને અન્ય યુવક સાથે મુલાકાત કરાવીને મિત્રતા રાખવા દબાણ કર્યું હતું. મિત્રતા ન રાખે તો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. આ બંને શખ્સોએ સગીરાનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને ૯૦ હજાર પડાવી લીધા હતા. સગીરા તેની બહેનપણી પાસે ગઇ ત્યારબાદ તે ચાર યુવકો સાથે પરિમલ ગાર્ડન અને સિંધુભવન સહિતના વિસ્તારોમાં ફરવા ગઇ હતી. બાદ શખ્સોએ તેને ત્રણ દિવસ સુધી દારૂ પીવડાવીને નશામાં રાખી હતી. આ દરમિયાનમાં આરોપીએ બળાત્કાર ગુજાર્યો હતો. આ મામલે અમરાઇવાડી પોલીસે ગુનો નોંધી ખાડિયા પોલીસને ઝીરો નંબરથી ફરિયાદ ટ્રાન્સફર કરતા પોલીસે તપાસ હાથ ધરી છે
(10:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
