<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th January 2025

પોલીસની ત્વરિત કામગીરી :સુરતના સચિન GIDC વિસ્તારથી ગુમ થયેલી અઢી વર્ષની પુત્રીને ગણતરીની કલાકોમાં શોધી કાઢી

દીકરી ગુમ થયા બાદ પોલીસને જાણ કરતા પોલીસે 80થી વધુ CCTV કેમેરા ચેક કરી બાળકીને ગુમ થયાના 4 કલાકમાં ભાળ મેળવી લીધી : ભાવુક દ્રશ્યો સર્જાયા

સુરતના સચિન GIDC વિસ્તારથી ગુમ થયેલી અઢી વર્ષની દીકરીને ગણતરીની કલાકોમાં શોધી કાઢી પરિવાર સાથે પોલીસે સુખદ મિલન કરાવ્યું હતું. દીકરી ગુમ થયા બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે 80થી વધુ CCTV કેમેરા ચેક કરી બાળકીને ગુમ થયાના 4 કલાકમાં ભાળ મેળવી લીધી હતી. દીકરી સાથે માતા અને પરિવારજનોનું મિલન થતા પોલીસ સ્ટેશનમાં ભાવનાત્મક દ્રશ્યો સર્જાયા હતા.

સુરતના સચિન GIDC વિસ્તારમાં રહેતા જયપ્રકાશ પટેલની અઢી વર્ષની દિકરી બપોરના બે વાગ્યાના અરસામાં ઘરનો દરવાજો ખૂલ્લો રહી જતા રમવા માટે ઘર બહાર નીકળી ગઈ હતી. રમતા-રમતા બાજુની સોસાયટીથી નીકળી એક કિલોમીટર જેટલા અંતરે આવેલ રિક્ષા સ્ટેન્ડ સુધી પહોંચી ગઈ હતી.

ઘરમાં દિકરી ન મળતા માતાએ આકુળ-વ્યાકુળ થઈ આસપાસ શોધખોળ કરી હતી. છતા કોઈ ભાળ ન મળતા અંતે પરિવારે પોલીસ મથકે જઈ સમગ્ર હકીકત વર્ણવી હતી.પોલીસે સમગ્ર મામલે ગંભીરતા દાખવી અલગ અલગ ટીમો બનાવી બાળકીને શોધવાની તજવીજ હાથ ધરી હતી અને માત્ર 4 કલાકમાં શિવનગર નજીક રિક્ષા સ્ટેન્ડ, સચિન GIDC તલંગપુર રોડ, કૃષ્ણનગર પાસેથી બાળકીને શોધી કાઢવામાં સફળતા મેળવી હતી.

પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત અને સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર-2, પોલીસ કમિશનર ઝોન-6 તેમજ એસીપી'આઈ' ડિવીઝનના માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સ્પેક્ટર કે.એ.ગોહિલ તથા તેમની ટીમે સર્વેલન્સ સ્ટાફની મદદથી તાત્કાલિક અલગ અલગ 4 ટીમો બનાવી હતી.

સી.સી.ટીવી કેમેરા ચેકિંગ, ટેક્નિકલ વર્કઆઉટ તથા હ્યુમન સોર્સિસના આધારે સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ સચીનકુમાર હસમુખલાલે દિકરીને શોધી કાઢી હતી. પોલીસે બાળકીના ઘરેથી ચાલુ કરીને પાલીગામ સચિન જીઆઈડીસી વિસ્તારના અલગ અલગ જગ્યાઓના 80 થી વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા.

સચિન GIDC પોલીસ સ્ટાફ ટીમે સજાગતા, ટીમવર્ક અને કુશળતાથી પટેલ પરિવાર સાથે દીકરીનું સુખદ પુન:મિલન કરાવ્યું હતું. પોલીસે બાળકીના માતા-પિતાને પોલીસ મથકે જરૂરી સલાહ સૂચન આપી દીકરીને સોંપી હતી. દીકરી સાથે માતા અને પરિવારજનોનું મિલન થતા પોલીસ સ્ટેશનમાં ભાવનાત્મક દ્રશ્યો સર્જાયા હતા.

(7:33 PM IST)