News of Tuesday, 21st January 2025
વડોદરામાં અસામાજીક તત્વોએ જૂની અદાવતનો ખાર રાખી 4 યુવક પર હુમલો કર્યો : 11 લોકો વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ
વસીમ ગેંગસ્ટર સહિતનાઓએ ફરિયાદીને માર માર્યો અને ફરિયાદીના ભાઈને ચપ્પાના ઘા માર્યા તથા અન્ય બે યુવકોને લાકડાના દંડાથી માર

વડોદરા શહેરમાં ફરી એક વખત અસામાજિક તત્વોએ જાહેરમાં મારામારી કરી છે. ફતેગંજમાં લેડી પિલર હોસ્પિટલ જેવા શાંત વિસ્તારમાં ગેંગવોર જેવા દ્રશ્યો સામે આવ્યા હતા. તલવાર, પટ્ટા, દંડા વડે અસામાજિક તત્વોએ ચાર જેટલા યુવા ઉપર હુમલો કર્યો હતો. જ્યારે બનાવવામાં ઇજાગ્રસ્તને સારવાર અર્થે એસેસજી હોસ્પિટલમાં ખસેડાયો છે. બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે 11 શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરમાં ફરી એક વખત માથાભારે તત્વોએ માથું ઊંચું કર્યું છે. ફતેગંજના લેડી પિલર હોસ્પિટલ પાસેના અતિ શાંત કહેવાતા વિસ્તારમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મારામારી કરી હતી. જાહેરમાં લોખંડની તલવાર પટ્ટા વડે અન્ય યુવકો ઉપર હુમલો કર્યો હતો ફતેગંજ વિસ્તારમાં આખી રાત ખાણીપીણીની લારીઓ ચાલુ રહેતા આવા અસામાજિક તત્વોનો જમાવડો થાય છે અને શાંત વિસ્તારમાં માહોલ બગાડવાની કોશિશ પણ આ અસામાજિક તત્વો કરી રહ્યા છે. ત્યારે રાત્રિ દરમિયાન જાહેરમાં થયેલી મારામારીમાં કેટલાક યુવકોને ઈજા પહોંચતા સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
બનાવ અંગે શાનખાન અયુબખાન પઠાણે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું છેકે, ગત 18 જાન્યુઆરી 2025ના રોજ રાત્રીના સમયે ફતેહગંજ બ્રિજ નીચે ફતેહગંજ સર્કલ જૂના વુડા સર્કલ પાસે ચા શોપ પાસે ફરિયાદીનો ભાઇ અઝહરખાન પઠાણ સહિતનાઓ બેઠા હતા એ સમયે સમીરખાન પઠાણ અને તેના મિત્રો સાથે સામાન્ય બોલાચાલી થઇ હતી. જે વાતની અદાવત રાખીને ગત 20 જાન્યુઆરી 2025ના રોજ રાત્રીના સમયે ફરિયાદી અને મોહમદ સમીરઉલે હુસેન પઠાણ સહિતના મિત્રો રાત્રી બજારમાં જમવા જઇ રહ્યાં હતા.
જે દરમિયાન ફતેહગંજ જુના વડુ સર્કલ પાસે અચાનક એક કાર આવી હતી. જેમાંથી અનુરાગ મિશ્રા, સમીર પઠાણ અને નદિમ પઠાણ સહિતનાઓએ મારામારી કરી હતી. બોલાચાલી કરી હતી. જેથી ફરિયાદીએ તેના ભાઈને આ અંગે જાણ કરી હતી. જેથી તેનો ભાઈ બચાવવા માટે આવ્યો હતો. એ સમયે વસીમ ગેંગસ્ટર તથા અજાજ શેખ, સરતાજ અને આફતાબ પઠાણ સહિતાઓ એક કારમાં આવ્યા હતા.
વસીમ ગેંગસ્ટર સહિતનાઓએ ફરિયાદીને માર માર્યો હતો અને ફરિયાદીના ભાઈને ચપ્પાના ઘા માર્યા હતા. તથા અન્ય બે યુવકોને લાકડાના દંડાથી માર મારવામાં આવ્યો હતો. બનાવમાં ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે ફરિયાદીએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં 11 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
(8:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
