તા. ૧ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૧૫ રવિવાર
News of Sunday, 22nd December 2024
રાજ્યમાં વાદળિયા વાતાવરણ વચ્ચે 3 દિવસ માવઠાની આગાહી: ઉત્તર ગુજરાતના 4 જિલ્લામાં તીવ્રતા વધુ રહેશે
25 ડિસેમ્બરથી 3 દિવસ સૌરાષ્ટ્ર-કચ્છનું આકાશ કાળા વાદળોથી ઘેરાઈ જશે: પરેશ ગોસ્વામી

ગુજરાત સહિત સમગ્ર દેશમાં આ વર્ષે હવામાનમાં વારંવાર ફેરફાર જોવા મળી રહ્યા છે. જો ગુજરાતની વાત કરીએ તો, ગત નવેમ્બર મહિનામાં જોઈએ એવી ઠંડી પડી નહતી. જ્યારે ડિસેમ્બરમાં શીતલહેર આવતા થોડા સમય પુરતી ઠંડીની જમાવટ જોવા મળી હતી. જો કે હવે ફરીથી અમદાવાદ સહિત રાજ્યના તમામ જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન ઊંચકાતા ઠંડીમાં આંશિક રાહત મળી છે. એમાં પણ આજે વહેલી સવારથી રાજ્યના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ મહિનાના અંતમાં 3 દિવસ સુધી માવઠાની આગાહી કરી છે.
પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ, અત્યારે દક્ષિણ ભારતમાં ઈશાનનું ચોમાસું ચાલી રહ્યું છે. જેથી એક મજબૂત વરસાદી સિસ્ટમ દક્ષિણ ભારતમાંથી પસાર થવાની છે. આ ઉપરાંત ઉત્તર ભારતના જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશ જેવા પહાડી પ્રદેશોમાંથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટબન્સ પસાર થવા જઈ રહ્યું છે. જેના કારણે ઉત્તર ભારતમાં ભારે બરફ વર્ષા થઈ શકે છે. આ બધા પરીબળોના પરિણામે મધ્ય-ઉત્તર રાજસ્થાન પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે. જેના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે અને કેટલાક ભાગોમાં માવઠાનો વરસાદ પણ પડશે.
આજથી જ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાદળિયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અમદાવાદ-ગાંધીનગરથી લઈને ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહ્યું છે. જે પૈકી કેટલાક વિસ્તારોમાં 25 ડિસેમ્બર પહેલા છૂટાછવાયા છાંટા પડી શકે છે.
ખાસ કરીને 25, 26 અને 27 ડિસેમ્બર એમ આ 3 દિવસ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં માવઠાની શક્યતા રહેશે. જેમાં રાજસ્થાનને અડીને આવેલા ગુજરાતના જિલ્લાઓમાં માવઠાની તીવ્ર અસર જોવા મળશે. જેમાં ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં સામાન્યથી મધ્યમ માવઠું રહશે. જે પૈકી વાવ, થરાદ, અમીરગઢ, ધાનેરા, ઈકબાલગઢ, ઈડર અને વડાલી જેવા વિસ્તારોમાં માવઠાની તીવ્રતા વધુ રહેશે.
ગુજરાતના અન્ય ભાગોમાં જોઈએ તો, મહીસાગર, દાહોદ, ગાંધીનગર, અમદાવાદ, ભરૂચ, વલસાડ, ડાંગ, ભાવનગર બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ હળવુંથી મધ્યમ માવઠુ પડી શકે છે. જો કે આ 3 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છનું આકાશ કાળા અને ઘાટા વાદળોથી ઘેરાઈ જશે.
જો આજના તાપમાનની વાત કરીએ તો, આજે નલિયામાં સૌથી નીચું 7.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું ચે. આ સિવાય અમદાવાદ અને વડોદરામાં 17 ડિગ્રી, સુરતમાં 19 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
(11:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
