News of Thursday, 17th October 2024
૭૮ નગરપાલિકાની ડિસેમ્બરમાં ચૂંટણી ? નવેમ્બરમાં નોટિફિકેશન ? તૈયારી શરૂ
નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં પંચ પાલિકાઓની ચૂંટણી માટે નોટિફિકેશન બહાર પાડી શકે છેઃ આ ચૂંટણીમાં જૂનાગઢ મહાનગરપાલિકાનો પણ સમાવેશ થાય તેવી શક્યતા છે : શહેરી વિકાસ વિભાગે પાલિકાઓમાં કામગીરી પૂરી કરતા રાજય ચૂંટણી પંચ આગામી માસના ત્રીજા સપ્તાહે જાહેરનામું બહાર પાડી શકે

અમદાવાદ,તા. ૧૭: રાજય ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં ૭૮ નગરપાલિકાઓની ચૂંટણીઓ ડિસેમ્બરમાં હાથ ધરવાની તૈયારી શરૂ કરી છે. નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં પંચ પાલિકાઓની ચૂંટણી માટે નોટિફિકેશન બહાર પાડી શકે છે. આ ચૂંટણીમાં જૂનાગઢ મહાનગરપાલિકાનો પણ સમાવેશ થાય તેવી શક્યતા છે. આ મહાનગરપાલિકાની મુદત હવે પૂરી થવામાં છે અને પંચ તેની ચૂંટણી નગરપાલિકાઓ સાથે યોજશે.
ગુજરાતમાં લાંબા સમયથી અટવાયેલી સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીઓમાં પણ કેટલીક સંસ્થાઓની ચૂંટણીમાં હજુ વિલંબ થાય એવી શક્યતા છે. આવી સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગો (ઓબીસી) અનામત ૧૦ ટકાથી વધારીને ૨૭ ટકા કરી, એ મુજબની બેઠકો તથા હોદ્દાઓના રોટેશન નિયત કરવા માટે અગાઉ બહાર પડેલા શહેરી વિકાસ તેમજ પંચાયત વિભાગોના નોટિફિકેશન બાદ એવી શક્યતાઓ હતી કે નવેમ્બર કે ડિસેમ્બર માસમાં ૭૮ નગરપાલિકાઓ તેમજ બનાસકાંઠા અને ખેડા જિલ્લા પંચાયત, ૧૭ તાલુકા તેમજ ૪૮૦૦ જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ માટે રાજય ચૂંટણી પંચ કાર્યવાહી હાથ ધરી શકે છે, પરંતુ પંચાયત વિભાગ હેઠળ આવતી સંસ્થાઓમાં હજુ સુધી આ કામગીરી પૂર્ણ થઇ નથી જયારે પાલિકાઓમાં આ પ્રક્રિયા લગભગ પૂરી થઇ જતાં હવે સરકારે પાલિકાઓમાં ચૂંટણી યોજવા રાજય ચૂંટણી પંચને આગળ વધવાના સંકેત આપી દીધા છે. આ તમામ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં વહીવટદારો મારફતે કારભાર ચલાવાઇ રહ્યો છે.તેમ નવગુજરાત સમયનો અહેવાલ જણાવે છે.
છેલ્લા બે વર્ષથી મિની વિધાનસભા સમાન ગણાતી ૨ જિલ્લા, ૧૭ તાલુકા, ૪૭૬૫ ગ્રામ પંચાયતો તેમજ ૭૮ નગરપાલિકાની ચૂંટણીમાં ઓબીસી અનામતને લઇને વિલંબ થયો હતો. સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ રાજય સરકારે ઝવેરી કમિશનની રચના કરી હતી. આ કમિશને તેનો રિપોર્ટ થોડા મહિનાઓ અગાઉ સુપરત કર્યા બાદ કેબિનેટ દ્વારા તેનો સ્વીકાર કરાયો હતો. આને પગલે હાલમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં ૧૦ ટકા ઓબીસી અનામતને સ્થાને ૧૭ ટકા વધારી ૨૭ ટકા કરવામાં આવ્યો છે. આ માટે રોટેશન અને બેઠકોની અમાનત નક્કી કરવા માટે નગરપાલિકાઓ તેમજ પંચાયતો માટે અનુક્રમે શહેરી વિકાસ તેમજ પંચાયત વિભાગોએ નોટિફિકેશન બહાર પાડી વાંધા સૂચનો મેળવવાની પ્રક્રિયા હાથ ધરી હતી. આ પ્રક્રિયાઓમાં શહેરી વિકાસ વિભાગ હેઠળની ૭૮ પાલિકાઓમાં કામકાજ પૂરું થઇ ચૂક્યુ છે. જયારે પંચાયત વિભાગમાં ચોમાસાની મોસમના કારણે ખાસ્સો વિલંબ થયો છે. આથી હવે સરકારે નગરપાલિકાઓની ચૂંટણી પૂરી કરી દેવાની તૈયારી માટે પંચને સંકેત આપી દીધા છે
(9:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
