News of Sunday, 6th October 2024
રતલામ રેલવે સ્ટેશન પાસે માલગાડીના બે ડબ્બા પાટા પરથી ખડી પડ્યા
દિલ્હી-મુંબઈ રૂટની ડાઉન લાઇન પર અકસ્માત થતાં રેલ વ્યવહાર પ્રભાવિતઃ પેટ્રોલિયમ પદાર્થ ઢોળાયું

દાહોદ,તા.૬,
પશ્ચિમ રેલવેના દિલ્હી-મુંબઈ રૂટની ડાઉન લાઈન પર રતલામ સ્ટેશનથી માત્ર ૫૦૦ મીટર દૂર પેટ્રોલિયમ ઉત્પાદનોથી ભરેલી માલગાડીના ૩ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ટ્રેન દુર્ઘટના રતલામ સ્ટેશન અને છ-કેબિન વચ્ચે ક્રોસ ઓવર પોઇન્ટ (જ્યાં ટ્રેક બદલાય છે) પર થઇ હતી. જો કે રેલ દુર્ઘટના કયા કારણે સર્જાઇ હતી. તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ અકસ્માત ભયંકર હતો તેમ સૂત્રો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.
ક્રોસ ઓવર પરથી પસાર થતી વખતે વેગન નંબર ૪૦૦૮૯૭૬૬૫૮૯ અચાનક પાટા પરથી ઉતરી ગઈ અને પાટા પાસે પલટી મારી જતાં તેમાંથી પેટ્રોલિયમ પદાર્થ નીકળવા લાગ્યો હતો. પલટી મારી ગયેલા વેગનમાંથી એટલો જોરદાર ઝાટકો વાગ્યો હતો કે પડ્યો આગળની વેગન નંબર ૪૦૦૭૯૨૬૦૭૫૨નું કપલિંગ તૂટી ગયું હતું. તેના વ્હીલ્સ પાટા પરથી ઉતરી આવ્યા હતા. સ્લીપરને લગભગ ૨૫ થી ૩૦ મીટર સુધી ખેંચી ગયા હતા. જેના કારણે સ્લીપર્સ પણ તૂટી ગયા હતા. પલટી ગયેલા વેગનના પાછળના ડબ્બાના આગળના પૈડા પણ પાટા પરથી ઉતરી ગયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ૪૮ કોચવાળી BTPN (પેટ્રોલિયમ પ્રોડક્ટ વહન કરતી) માલસામાન ટ્રેન રતલામથી નાગદા તરફ જઈ રહી હતી. તે સમયે રતલામ યાર્ડમાં આ દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્માત રાહત ટ્રેનના સ્ટાફે પહેલા પાટા પરથી ઉતરેલા કોચને કાપીને અલગ કર્યા હતા.
આ પછી આગળના કોચને નાગદા અને પાછળના કોચને રતલામ લાવવામાં આવ્યા હતા. પલટી ગયેલા કોચને લોડ કરવાનો પ્રયાસ મોડી રાત સુધી ચાલુ હતો. ડાઉન લાઇન પરની પશ્ચિમ એક્સપ્રેસ સહિતની કેટલીક ટ્રેનોને આ અકસ્માતને કારણે અસર થઈ હતી. આરપીએફ અને અન્ય સ્ટાફે તરત જ લોકોને દૂર ખસેડ્યા અને બીડી, સિગારેટ અને અન્ય જ્વલનશીલ વસ્તુઓનો ઉપયોગ ન કરવાની ચેતવણીઓ જાહેર કરતા રહ્યા.
બાદમાં બાંગરોદ ડેપોના નિષ્ણાતોની હાજરીમાં આ કોચને ટ્રેક પર મૂકવામાં આવ્યો હતો. રેલવે તંત્ર એ ડાઉન ટ્રેકને ફીટ જાહેર કર્યા બાદ ધીમી ગતિએ ટ્રેનોનું સંચાલન શરૂ કર્યું હતું. આ પ્રક્રિયામાં અંદાજે ૧૨ કલાક જેટલું રેલવે વ્યવહાર ખોરવાયો હતો.
(1:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
