News of Thursday, 11th July 2024
નદીમાં માછલી પકડવા ગયેલા યુવકને ૧૦ જેટલા મગરો ખેંચી ગયા
રાજપીપળા નજીક નદીમાં માછલી પકડવા ગયો હતોઃબે કલાક સુધી ભારે જહેમત ઉઠાવી વ્યક્તિને બહાર કાઢ્યો

વડોદરા, તા.૧૧
ગુજરાતમાં ચોમાસાની સિઝન શરૃ થઈ ગઈ છે અને વરસાદ સારો થવાથી નદી તળાવોમાં નવા નીર આવ્યાં છે. રાજપીપળા નજીક નદીમાં એક યુવક માછલી પકડવા ગયો હતો. નદીમાં માછલી પકડવા જતાં યુવકને મગરો ખેંચી ગયા હતાં. આ ઘટનાનો કોલ મળતાં જ વડોદરા ફાયર વિભાગની ટીમ રેસ્ક્યૂ માટે દોડી ગઈ હતી. બે કલાકની ભારે જહેમત બાદ યુવકનો મૃતદેહ હાથ લાગ્યો હતો. ફાયરની ટીમ જ્યારે પહોંચી ત્યારે ૧૦ મગરો નદીમાં આંટા મારી રહ્યા હતા.ફાયર વિભાગના જવાન પ્રભાતભાઈ રોહિતે મીડિયાને જણાવ્યું હતું કે, ફાયર વિભાગને કોલ મળ્યો હતો કે, કોઈ વ્યક્તિને મગર પાણીમાં ખેંચી ગયો છે. કોલ મળતાની સાથે જ તાત્કાલિક ફાયરની ટીમ સાથે ડભોઈ ફાયરની મદદ લઈ અમે આ વ્યક્તિની શોધખોળ હાથ ધરી હતી. શરૃઆતમાં અમે ત્યાં પહોંચ્યા ત્યારે ૧૦ મગરો આજુબાજુ ફરતા હતા. અમારી ટીમ માટે રેસ્ક્યૂની કામગીરી ખૂબ જ મુશ્કેલ હતી. આ દરમિયાન અમારી ટીમે એક બોટ નદીમાં ઉતારી અને ત્યારબાદ બે કલાક સુધી ભારે જહેમત ઉઠાવી વ્યક્તિને બહાર કાઢ્યો હતો. નદીમાં માછલી પકડવા માટે ગયેલા યુવકનુ નામ પ્રવીણ દેવજીભાઈ તડવી હોવાનું સામે આવ્યું છે. પ્રવીણ ચાણોદના ભાલોદરામાં રહેતો હતો અને માછલી પકડવા ગયો હતો ત્યારે આ ઘટના બની હતી.વડોદરા શહેર વિશ્વામિત્રી નદીકાંઠે વસે છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં મગરો નદીમાં જોવા મળે છે. ત્યારે હાલમાં ચોમાસાની શરૃઆત થતાં જ મગરો બહાર આવા લાગ્યા છે. વન વિભાગ અને રેસ્ક્યૂ ટીમો દ્વારા પકડી સહી સલામત નદીમાં પરત છોડે છે. ત્યારે જો પાણીમાં આ રીતે મગર હોય તો તેની નજીક જવું જીવલેણ સાબિત થઈ શકે છે.
(7:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
