<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

ખેડાના માતર નજીક કાર ગરનાળામાં ખાબકતા અમદાવાદના એક જ પરિવારના 4 સભ્યોના કરૂણમોત : 2 લોકોને બચાવાયા

ભારે વરસાદને કારણે ગરનાળામાં પાણીના પચંદ પ્રવાહ વચ્ચે કાર ગરનાળામાં ખાબક્યા બાદ પલટી મારી પાણીના જોરદાર વહેણમાં તણાઈ ગઈ: અંદર બેઠેલા લોકો કારમાં જ ફસાઈ ગયા

ખેડા-માતર હાઈવે પર મોતીપુરા ગામ પાસે અમદાવાદના એક પરિવારની કાર અનિયંત્રિત થઈ ગરનાળામાં ખાબકી હતી. કારમાં કુલ 6 લોકો સવાર હતા, જેમાંથી 4 લોકોના કરૂણ મોતનિપજ્યા છે જયારે બે લોકોને બચાવી લેવાયા છે 

માહિતી મુજબ કાર મોતીપુરા ગામ નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક અકસ્માત સર્જાયો હતો. ભારે વરસાદને કારણે ગરનાળામાં પાણીનો પ્રવાહ ખૂબ જ તેજ હતો. કાર ગરનાળામાં ખાબક્યા બાદ પલટી મારી પાણીના જોરદાર વહેણમાં તણાઈ ગઈ હતી, જેના કારણે અંદર બેઠેલા લોકો કારમાં જ ફસાઈ ગયા હતા.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો દોડી આવ્યા અને પોલીસ તેમજ વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હતી. ખેડા નાયબ કલેક્ટર સુરજ બારોટ, માતર મામલતદાર અને ખેડા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડે કારમાંથી બે લોકોને જીવતા બહાર કાઢ્યા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત બંનેને 108 એમ્બ્યુલન્સ મારફતે ખેડા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

પાણીના પ્રવાહમાં ફસાયેલા અન્ય લોકોની શોધખોળ માટે યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. રેસ્ક્યૂ ટીમે એક પછી એક મૃતદેહ બહાર કાઢ્યા હતા અને આખરે કુલ 4 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

પ્રાથમિક તપાસમાં ભારે વરસાદ, રસ્તા પર ભરાયેલા પાણી અને ઓછી દૃશ્યતા અકસ્માત માટે જવાબદાર હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે, જ્યારે વહીવટી તંત્ર દ્વારા મૃતકોના પરિવારજનોને જાણ કરવાની તેમજ અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે.

(11:51 PM IST)