News of Wednesday, 15th April 2026
'ટોસ્ટર' મૂવી રિવ્યૂ: એક લગ્ન, એક છૂટાછેડા અને એક 'ટોસ્ટર' માટેની આંધળી દોટ! રાજકુમાર રાવે ફરી જમાવી અંધાધૂંધીની રમઝટ, પણ શું આ ફિલ્મ ખરેખર 'ક્રિસ્પી' છે?
માત્ર એક ટોસ્ટર માટે જીવ જોખમમાં મૂકતા કંજૂસ રમાકાંતની ડાર્ક કોમેડી; રાજકુમારનો પાવરફુલ અભિનય અને અજીબોગરીબ કાવતરાં વચ્ચે 'નેટફ્લિક્સ'નું નવું સાહસ

મુંબઈ: શું તમે ક્યારેય વિચાર્યું છે કે રસોડાની એક નાની વસ્તુ 'ટોસ્ટર' કોઈના મોતનું કારણ બની શકે? રાજકુમાર રાવ અને સાન્યા મલ્હોત્રાની નવી ફિલ્મ 'ટોસ્ટર' કંઈક આવી જ વાહિયાત અને વિચિત્ર વાર્તા લઈને આવી છે. ૧૫ એપ્રિલ ૨૦૨૬ના રોજ રિલીઝ થયેલી આ ડાર્ક કોમેડી તેના અનોખા પ્લોટને કારણે ચર્ચામાં છે. દિગ્દર્શક વિવેક દાસચૌધરીએ એક એવો વિષય પસંદ કર્યો છે જે જેટલો હાસ્યાસ્પદ છે એટલો જ ખતરનાક પણ છે.
વાર્તા: એક ટોસ્ટર પાછળની લોહીયાળ રમત
ફિલ્મની વાર્તા રમાકાંત (રાજકુમાર રાવ) ની આસપાસ ફરે છે, જે હદ વગરનો કરકસરિયો છે. તેણે એક લગ્નમાં ભેટ આપેલું 'ટોસ્ટર' જ્યારે તે કપલના છૂટાછેડા થાય છે ત્યારે પાછું મેળવવાનું નક્કી કરે છે. આ મૂર્ખામીભર્યા નિર્ણયથી શરૂ થયેલી વાત ત્યારે ગંભીર બને છે જ્યારે એ જ ટોસ્ટર કોઈક રીતે એક હત્યા સાથે જોડાઈ જાય છે. રમાકાંત તેને છુપાવવા માટે તેના મકાનમાલિકના ઘરે મૂકે છે, પણ અચાનક મકાનમાલિકનું જ મોત થાય છે! ત્યારબાદ શરૂ થાય છે એક એવી અરાજકતા જેમાં દરેક વ્યક્તિ એ રહસ્યમય ટોસ્ટરની પાછળ પડે છે.
અભિનયમાં રાજકુમાર રાવનો જાદુ
રાજકુમાર રાવે સાબિત કરી દીધું છે કે 'વિચિત્ર' પાત્રો ભજવવામાં તેની તોલે કોઈ ન આવે. હેરાન કરનાર અને હઠીલા રમાકાંત તરીકે તે સ્ક્રીન પર છવાઈ જાય છે. સાન્યા મલ્હોત્રાએ સારું કામ કર્યંમ છે, પણ તેના ભાગે થોડી ઓછી સ્પેસ આવી હોય તેવું લાગે છે. અભિષેક બેનર્જીએ ફરી એકવાર પોતાની વિલન જેવી છાપ છોડી છે, જ્યારે સીમા પાહવા અને અર્ચના પૂરણ સિંહના નાના રોલ પણ ફિલ્મને જીવંત રાખે છે.
શું કામ કરે છે અને શું નહીં?
• પોઝિટિવ પોઈન્ટ્સ: ફિલ્મની મૌલિકતા અને 'ડાર્ક હ્યુમર'ના કેટલાક દ્રશ્યો ખરેખર હસાવે છે. વાર્તાની અણધાર્યા વળાંકો પ્રેક્ષકોને જકડી રાખે છે.
• નેગેટિવ પોઈન્ટ્સ: ફિલ્મની ગતિ (Pacing) ક્યારેક ધીમી પડી જાય છે. ઇન્ટરવલ પછી વાર્તા થોડી ખેંચાયેલી લાગે છે અને ક્લાઇમેક્સ જેટલો જોરદાર હોવો જોઈએ તેટલો પ્રભાવ પાડી શકતો નથી.
અંતિમ ફેંસલો: ૩/૫ રેટિંગ
'ટોસ્ટર' એક મજેદાર વિચાર છે જેનો અમલ અડધો સફળ રહ્યો છે. જો તમને અંધાધૂંધી, વિચિત્ર સંજોગો અને રાજકુમાર રાવની સિગ્નેચર કોમેડી ગમતી હોય, તો આ ફિલ્મ એકવાર જોવા જેવી છે. ફિલ્મમાં 'ટોસ્ટ' ગરમ તો થાય છે, પણ ક્લાઇમેક્સ સુધી પહોંચતા પહોંચતા થોડો ઠંડો પડી જાય છે. તેમ છતાં, નેટફ્લિક્સ પર કંઈક હટકે જોવું હોય તો 'ટોસ્ટર' ચોક્કસપણે ટ્રાય કરી શકાય.
(8:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
