News of Friday, 8th May 2026
હું જીવિત છું અને એકદમ મજામાં છું શક્તિ કપૂરે પોતાના મોતના ફેક ન્યૂઝ ફેલાવનારાઓની ક્લાસ લીધી
રોષે ભરાયેલા અભિનેતાએ સાયબર સેલના દરવાજા ખખડાવવાની આપી ચીમકી

મુંબઈ, તા.૮: બોલિવૂડના દિગ્ગજ વિલન-કમ-કોમેડિયન શક્તિ કપૂરના નિધનના ખોટા સમાચારે સોશિયલ મીડિયા પર ગભરાટ ફેલાવી દીધો હતો. જ્યારે ચાહકો શ્રદ્ધાંજલિ આપવા લાગ્યા, ત્યારે ખુદ અભિનેતાએ મેદાનમાં આવીને આ અફવાઓનો પરપોટો ફોડવો પડ્યો હતો. ઇન્સ્ટાગ્રામ પર એક પાવરફુલ વીડિયો શેર કરતા શક્તિ કપૂરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે તેઓ લોખંડી સ્વાસ્થ્ય ધરાવે છે અને એકદમ ખુશ છે. તેમણે આ પ્રકારની ગંદી મજાક કરનારા તત્વો સામે લાલ આંખ કરતા કહ્યું કે, આવી અફવાઓ માત્ર મને જ નહીં પણ મારા પરિવારને પણ માનસિક આઘાત પહોંચાડે છે, અને હું આ મામલે કાયદેસરની કાર્યવાહી કરીશ. આ સમાચાર વાયુવેગે ફેલાતા ફેન્સમાં જે ચિંતા હતી તે હવે રાહતમાં ફેરવાઈ છે.
અભિનેતા માત્ર આ વિવાદને કારણે જ નહીં, પરંતુ રિયલ એસ્ટેટ માર્કેટમાં એક મોટા સોદાને કારણે પણ હેડલાઇન્સમાં છે. રિપોર્ટ્સ અનુસાર, શક્તિ કપૂરે મુંબઈના પોશ જુહુ વિસ્તારમાં આવેલા સિલ્વર બીચ હેવન સોસાયટીનો પોતાનો ફ્લેટ અંદાજે ૬.૧૧ કરોડ રૂપિયામાં વેચ્યો છે. જુહુ એ બોલિવૂડના એ-લિસ્ટર્સનું હબ ગણાય છે, જ્યાં વરુણ ધવન જેવા સિતારાઓ તેમના પડોશી છે. આ પ્રોપર્ટી ડીલ બાદ સોશિયલ મીડિયા પર એવી પણ ચર્ચાઓ શરૂ થઈ હતી કે શું શક્તિ કપૂર કોઈ નવા આલીશાન આશિયાનાની શોધમાં છે કે પછી આ માત્ર એક સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન છે.
પોતાની ૪૦ વર્ષથી વધુ લાંબી સફરમાં ૭૦૦ થી વધુ ફિલ્મોમાં કામ કરનાર આ વર્સટાઇલ કલાકારે ભારતીય સિનેમામાં અમીટ છાપ છોડી છે. રાજા બાબુના નંદુ હોય કે અંદાજ અપના અપનાના ક્રાઈમ માસ્ટર ગોગો, શક્તિ કપૂરની કોમિક ટાઇમિંગ આજે પણ અજોડ છે. વર્ષ ૨૦૨૫માં મેરે હસબન્ડ કી મૂવીમાં છેલ્લે જોવા મળેલા આ અભિનેતા હવે તેમની પુત્રી અને બોલિવૂડ સુપરસ્ટાર શ્રદ્ધા કપૂરની સફળતાનો આનંદ માણી રહ્યા છે. શ્રદ્ધાની બ્લોકબસ્ટરસ્ત્રી ૨ બાદ હવે તેની આગામી ફિલ્મ ઈથાને લઈને ચાહકોમાં જબરો ઉત્સાહ છે. જોકે, સાયબર નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે સેલિબ્રિટીઝના અંગત જીવન વિશેની કોઈપણ માહિતીની ખરાઈ કર્યા વિના તેને શેર ન કરવી જોઈએ
(2:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
