<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

'હનુમાન અંશ' પછી હવે મોટા પડદે રચાશે ઈતિહાસ: સાગર પિક્ચર્સ 'શ્રીમદ્ ભાગવત' પર બનાવશે ૭ ભવ્ય ફિલ્મોની સિરીઝ!

પ્રથમ ભાગ 'શ્રીમદ્ ભાગવત પાર્ટ-૧ વિષ્ણુરત' સાથે થશે મહાગાથાનો પ્રારંભ; ૨૦૨૭ માં વિશ્વભરના સિનેમાઘરોમાં પ્રીમિયમ લાર્જ ફોર્મેટમાં થશે રિલીઝ

મુંબઈ, તા.10: નીમ કરોલી બાબાના જીવન પર આધારિત 'હનુમાન અંશ' ફિલ્મની સફળતા બાદ હવે ભારતીય પૌરાણિક કથાઓ અને આધ્યાત્મિક પરંપરાથી જોડાયેલા પવિત્ર ગ્રંથ 'શ્રીમદ્ ભાગવત'ને મોટા પડદે એક અતિ ભવ્ય લાઈવ-એક્શન સિનેમેટિક અંદાજમાં રજૂ કરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સાગર પિક્ચર્સ એન્ટરટેઇન્મેન્ટ દ્વારા આ વિશાળ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી છે, જેને કોઈ એક ફિલ્મમાં સીમિત રાખવાને બદલે સાત અલગ-અલગ ભાગોની સિરીઝ તરીકે દર્શકો સમક્ષ લાવવામાં આવશે.

 

પ્રથમ ભાગ 'વિષ્ણુરત'નું ટીઝર પોસ્ટર આઉટ

 

આ સાત ભાગોવાળી મહાસિરીઝની શરૂઆત 'શ્રીમદ્ ભાગવત પાર્ટ-૧ વિષ્ણુરત'થી થશે. મેકર્સે આ પ્રથમ ફિલ્મનું ટીઝર પોસ્ટર જાહેર કરીને આધ્યાત્મિક સિનેમાના એક નવા યુગની શરૂઆત કરી દીધી છે. 'વિષ્ણુરત' શીર્ષકનો અર્થ 'ભગવાન વિષ્ણુનું સંરક્ષણ પ્રાપ્ત કરનાર વ્યક્તિ' થાય છે, જે દર્શાવે છે કે આ કહાની દર્શકોને ભારતીય આધ્યાત્મિકતા અને ભગવાન વિષ્ણુ સાથે જોડાયેલા પવિત્ર આખ્યાનો તરફ લઈ જશે. આ ફિલ્મને વર્ષ ૨૦૨૭ માં વિશ્વભરના સિનેમાઘરોમાં પ્રીમિયમ લાર્જ ફોર્મેટમાં રિલીઝ કરવાની યોજના છે.

 

આકાશ અને અમૃત સાગર ચોપરા સંભાળશે કમાન

 

શ્રીમદ્ ભાગવતની કથા અત્યંત વિસ્તૃત હોવાથી દરેક અધ્યાય, પાત્ર અને પ્રસંગને પૂરતો ન્યાય આપવા માટે તેને સાત ભાગોમાં વહેંચવાનો નિર્ણય લેવાયો છે. સાગર પિક્ચર્સ એન્ટરટેઇન્મેન્ટના આકાશ સાગર ચોપરા અને અમૃત સાગર ચોપરા આ ભવ્ય પ્રોજેક્ટનું નિર્દેશન અને સંચાલન કરી રહ્યા છે. જોકે, ફિલ્મની સ્ટાર કાસ્ટ અને પ્રોડક્શન સંબંધિત અન્ય વિગતો હજુ ગુપ્ત રાખવામાં આવી છે, પરંતુ આ જાહેરાતે પૌરાણિક ફિલ્મોના શોખીનોમાં ભારે ઉત્સુકતા જગાડી દીધી છે.

 

(5:36 PM IST)