News of Tuesday, 17th February 2026
બોક્સ ઓફિસ પર મહાસંગ્રામઃ આ અઠવાડીએ આવશે અધધધ ૨૧ ફિલ્મોઃ મનોરંજનનો ઓવરડોઝ
બોલિવૂડ અને સાઉથના સુપરસ્ટાર્સ આમને-સામનેઃ કઇ ફિલ્મ જોવી તેની દર્શકોમાં મીઠી મુંઝવણ

મુંબઇ તા. ૧૭: બોલીવૂડમાં ફેબ્રુઆરી ૨૦૨૬નું ત્રીજું અઠવાડિયું ફિલ્મોની ભરમાર લઇને આવી રહ્યું છે. આ અઠવાડિયે બોક્સ ઓફિસ પર એક-બે નહીં પણ પુરી ૨૧ ફિલ્મો રિલીઝ થઈ રહી છે. ૧૯ ફેબ્રુઆરીએ છત્રપતિ શિવાજી મહારાજ જયંતિની રજા અને ત્યારબાદ આવતા વીકએન્ડનો લાભ લેવા માટે બોલિવૂડ અને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી વચ્ચે ખરાખરીનો જંગ જામશે. આ ભીડને કારણે મલ્ટિપ્લેક્સ માલિકો માટે શોનું મેનેજમેન્ટ કરવું માથાનો દુખાવો બન્યું છે, જ્યારે દર્શકો માટે કઈ ફિલ્મ જોવી તેની મીઠી મુઝવણ ઉભી થઈ છે. હિન્દી ફિલ્મોની વાત કરીએ તો વૈવિધ્યસભર ફિલ્મોની વણઝાર છે. તાપસી પન્નુની ફિલ્મ અસ્સી અને સંજય લીલા ભણસાલી પ્રોડક્શનની રોમેન્ટિક ડ્રામા દો દીવાને શહેર મેં ચર્ચાનું કેન્દ્ર છે. આ સાથે જ તું યા મેં, વિવાદાસ્પદ મુદ્દા પર આધારિત ધ કેરળ સ્ટોરી-૨ અને રાષ્ટ્રભક્તિના રંગે રંગાયેલી શતક સંઘ કે ૧૦૦ વર્ષ પણ રિલીઝ થઈ રહી છે. ઐતિહાસિક વિષય પર બનેલી મરાઠી-હિન્દી ફિલ્મ વીર મુરારબાજી પણ પ્રક્ષકોને આકર્ષવા તૈયાર છે. જોકે, શાહિદ કપૂરની ઓ રોમિયો અગાઉના સપ્તાહે રિલીઝ થઈ ચુકી હોવા છતાં આ અઠવાડિયે નવી ફિલ્મો સામે મેદાનમાં ટકી રહેવા મથશે.
બીજી તરફ દક્ષિણ ભારતની ફિલ્મોમાં સૌથી મોટું નામ સુપરસ્ટાર વિજયની જન નાયકન (જન નાયક) નું છે, જેની સીધી ટક્કર હિન્દી ફિલ્મો સાથે થશે. એક્શન અને ડ્રામાથી ભરપૂર ફિલ્મો જેવી કે સુરી અન્ના, શિવા શંભો, હે ભગવાન, સરલા સુબ્બારાવ, મારનામી, બેહદ અને પોરોબાસી પણ રિલીઝની કતારમાં છે. આ ઉપરાંત સેકન્ડ કેસ ઓફ સીતારામ, નવાબ કાફે, શેલ્ટર હોમ અને ખાસ કરીને યુવાનોને આકર્ષવા માટે આલ્ફા મેન લવ વેન્જન્સ જેવી ફિલ્મો પણ પોતાનું નસીબ અજમાવશે. બાળકો અને એનિમેશન -ેમીઓ માટે ગોટ અને પંજાબી ફિલ્મ રસિયાઓ માટે બમ્બુકટ-૨ પણ મનોરંજન પીરસવા તૈયાર છે. ફિલ્મી ટ્રેડ એનાલિસ્ટ્સનું માનવું છે કે ૨૧ ફિલ્મો એકસાથે આવવાથી બિઝનેસ વહેંચાઈ જશે, પરંતુ વર્ડ ઓફ માઉથ એટલે કે લોકોના પોઝિટિવ રિવ્યુ જે ફિલ્મને મળશે તે જ બોક્સ ઓફિસ પર લાંબી રેસનો ઘોડો સાબિત થશે. ઓટીટીના જમાનામાં પણ થિયેટર પ્રત્યેનો આ ક્રેઝ સાબિત કરે છે કે જો કન્ટેન્ટ સારું હોય તો દર્શકો સિનેમાઘરો સુધી ખેંચાઈ આવે છે. હવે જોવાનું એ રહેશે કે આ ૨૧ માંથી કયો સુપરસ્ટાર બોક્સ ઓફિસના સિંહાસન પર બિરાજમાન થાય છે.
(2:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
