તા. ૧૬ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૭ સોમવાર
News of Monday, 16th November 2026
તોતિંગ ટોલ ટેકસ ચુકવો, કમોત સાવ વિનામૂલ્યે !
ગુજરાતમાં સાત મહિનામાં ૧૬ હજાર માર્ગ અકસ્માત, ૪૭૬૩ લોકોના મોતઃ સરકારો પાસે કોઇ આયોજન નથીઃ ટોલ માટે અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ, ટ્રાફિક ભગવાન ભરોસેઃ મોટાભાગના અકસ્માતો દારૂના નશામાં..
વડાપ્રધાન ગુજરાત પ્રવાસે આવ્યા અને તેઓ રાજ્યમાં અણધડ શાસનથી નારાજ હોવાની વાતો ચાલી. ચૂંટણીનો સમય થાય ત્યારે ભલભલાના પગ નીચે રેલો આવી જતો હોય છે. ગુજરાતમાં છેલ્લા ૧૦ વર્ષથી શાસન જેવું કંઈ નથી. નેતાઓ મસ્ત છે, અધિકારીઓ ખાવામાં વ્યસ્ત છે અને લોકો ત્રાહીમામ છે. નિર્દોષ લોકોની જિંદગીના કમોતે ફિંડલા વળી રહ્યા છે, એક પણ નેતું હલબલતું નથી.
ગુજરાતના હાઇવે અને રસ્તાઓ લોહિયાળ સાબિત થઈ રહ્યા છે. રાજ્યમાં અકસ્માતોની વણઝાર અટકવાનું નામ નથી લઈ રહી, જેના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. એક અહેવાલ પ્રમાણે માત્ર છેલ્લા સાત મહિનાના ટૂંકાગાળામાં રાજ્યભરમાં ૧૬,૦૦૦ જેટલા ગંભીર અકસ્માતો સર્જાયા છે, જેમાં ૪,૭૬૩ જેટલા માસૂમ લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે. આ ભયાનક આંકડા દર્શાવે છે કે રસ્તા પર ચાલવું હવે મોતને આમંત્રણ આપવા સમાન બની ગયું છે.
આ સ્થિતિ પાછળ સૌથી મોટું દુઃખદ પાસું એ છે કે સરકારો પાસે આ ગંભીર સમસ્યાના નિવારણ માટે કોઈ નક્કર આયોજન જ નથી. વાહનચાલકો પાસેથી રોડ ટેક્સ અને તોતીંગ ટોલ ટેક્સ વસૂલવામાં એક પણ ક્ષણની રાહ જોવામાં આવતી નથી. ટોલ વસૂલાત માટે અત્યાધુનિક ટેકનોલોજી અને ફાસ્ટેગ જેવી સિસ્ટમ્સનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી એક રૂપિયો પણ બાકી ન રહી જાય, પરંતુ જયારે પ્રશ્ન સામાન્ય નાગરિકોની સલામતીનો આવે છે, ત્યારે આખો ટ્રાફિક ભગવાન ભરોસે છોડી દેવામાં આવે છે. હાઇવે પર સુરક્ષાના સાધનો, સીસીટીવી કે સ્પીડ ગન જેવી વ્યવસ્થાઓ કાગળ પર જ સીમિત રહી જાય છે.
બીજી તરફ, આ અકસ્માતો પાછળનું એક મોટું અને ગંભીર કારણ નશાખોરી છે. રિસર્ચ થાય તો તારણ નીકળે કે, મોટાભાગના માર્ગ અકસ્માતો દારૂના નશામાં વાહન ચલાવવાના કારણે થઈ રહ્યા છે. રાજ્યમાં કડક કાયદા હોવાના દાવા છતાં નશાની હાલતમાં બેફામ બનીને ગાડીઓ હંકારતા તત્વો નિર્દોષ રાહદારીઓ અને મુસાફરોનો ભોગ લઈ રહ્યા છે.
આ સમગ્ર પરિસ્થિતિ સાબિત કરે છે કે સરકારને જનતાના જીવની કંઈ પડી નથી. સિસ્ટમ્સની ઉદાસીનતા અને બેજવાબદાર વહીવટના કારણે નિર્દોષ લોકોની જિંદગીના ફિંડલા વળી રહ્યા છે. રોજબરોજ અસંખ્ય પરિવારો પોતાના સ્વજનોને ગુમાવી રહ્યા છે, છતાં સત્તાધીશોના પેટનું પાણીય હાલતું નથી.
સામાન્ય જનતાનો આક્રોશ ફાટવો જોઈએ. જ્યાં સુધી જનતા રસ્તા પર આવીને સરકાર અને તંત્ર પાસે જવાબ નહીં માંગે અને કડક પગલાં લેવાની માંગ નહીં કરે, ત્યાં સુધી આ ખૂની ખેલ અટકવાનો નથી. લોકોના જીવની કિંમત વસૂલવાનો સમય હવે આવી ગયો છે.
(10:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
