<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th November 2026

વર્ષ નવું, મગજમારી જૂની !

સ્‍થાનિકથી માંડીને રાષ્‍ટ્રીય સ્‍તરે સ્‍થિતિ એની એઃ રાજકોટમાં લઘુમતીએ વાહનો સળગાવ્‍યાઃ ગુજરાતમાં અકસ્‍માતોમાં ૨૭ જીવન નંદવાયાઃ દિલ્‍હીમાં ભાજપ-કોંગ્રેસે સામસામા આક્ષેપો કર્યા

 કેલેન્‍ડર બદલાય છે, તારીખ બદલાય છે અને નવું વર્ષ ઉત્‍સાહ સાથે શરૂ થાય છે, પરંતુ આપણી આસપાસની વાસ્‍તવિકતા અને સમસ્‍યાઓ ત્‍યાં જ ઊભી રહે છે. ‘‘વર્ષ નવું, મગજમારી જૂની'' આ વાકય આપણા સામાજિક અને રાજકીય જીવનનો કડવો ચિતાર આપે છે. સ્‍થાનિકસ્‍તરથી લઈને રાષ્‍ટ્રીયસ્‍તર સુધી કથળેલી સ્‍થિતિ એ વાતની સાક્ષી પૂરે છે કે સમય ભલે આગળ વધ્‍યો હોય, પણ આપણો માનસિક અને વ્‍યવસ્‍થાગત સુધારો હજુ પણ અધૂરો છે. આજે લાભ પાંચમે દિપાવલી તહેવારોની પુર્ણાહૂતિ થઇ રહી છે. નવા વર્ષનો ધબકાર શરૂ થઇ ગયો છે, પણ સ્‍થિતિમાં બદલાવ અનુભવાતો નથી.

આ વાતની પ્રતીતિ કરાવતી કેટલીક ઘટનાઓ તાજેતરમાં જ સામે આવી છે. રાજકોટમાં બદલો લેવાની ભાવનાથી થયેલું લઘુમતીનું તાંડવ સામાજિક સૌહાર્દ સામે મોટો પ્રશ્નાર્થ ચિન્‍હ મૂકે છે. ફિઝા નામની વ્‍યક્‍તિ દ્વારા અંગત અદાવત કે બદલો લેવા માટે પડોશીના વાહનો સળગાવવાની ઘટના દર્શાવ ે છે કે કાયદા અને વ્‍યવસ્‍થાના ડર વગર લોકો કેવી રીતે પોતાના હાથમાં સત્તા લેવા લાગ્‍યા છે.

 બીજી તરફ, રજાઓની મજા માણવા નીકળેલા પરિવારો માટે ગુજરાતના અલગ-અલગ માર્ગો પર અકસ્‍માતો મોતનું સરનામું બની ગયા. જેમાં ૨૭ નિર્દોષ જીવો નંદવાઈ ગયા. ટ્રાફિક નિયમોની બેદરકારી, નશો કરીને ડ્રાઈવિંગ, અતિશય ઝડપ અને નબળી વ્‍યવસ્‍થાના કારણે દર વર્ષે આ રીતે પરિવારો ઉજ્જડ થઈ જાય છે.

રાષ્‍ટ્રીય રાજધાની દિલ્‍હીમાં પણ ચિત્ર કઈં અલગ નથી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફોન ટેપિંગના ગંભીર આક્ષેપો સીધા વડાપ્રધાન પર કરીને રાજકીય પરંપરા જાળવી રાખી છે, તો ભાજપે પણ વળતો પ્રહાર કરીને રાહુલ ગાંધીને બેફામ ઝાટકયા છે. જનહિતના મૂળભૂત મુદ્દાઓને બાજુ પર મૂકીને રાજકીય પક્ષો વચ્‍ચે ચાલતી આ કીચડફેંક લોકશાહીની શોભા કયારેય ન વધી શકે.

આ બધી જ ઘટનાઓનું વિશ્‍લેષણ કરીએ તો સ્‍પષ્ટ થાય છે કે વર્ષ બદલાયું છે, પણ આપણી આંતરિક અને બાહ્ય સ્‍થિતિ જરાય બદલાતી નથી. રાજકોટ, ગુજરાત  અને સમગ્ર ભારતના નાગરિકો આજે જરૂર કરતાં વધારે સહન કરી રહ્યા છે. કાયદાકીય છટકબારીઓ, ગુંડાગીરી, અવિરત ચાલતા રાજકીય વિવાદો અને માર્ગ અકસ્‍માતોમાં આખરે તો નિર્દોષ નાગરિકો જ પીસાય છે, જેનું સીધું નુકસાન આખા દેશને ભોગવવું પડે છે.

આ સ્‍થિતિ કાયમ માટે ચાલું રહેવા દેવાય નહીં. લોકશાહી વ્‍યવસ્‍થામાં જનતા જ જનાર્દન છે. જો આપણે માત્ર મૂક બનીને બેસી રહીશું, તો આ સિલસિલો કયારેય અટકવાનો નથી. લોકોએ જ હવે જાગળત અને સક્રિય થઈને તંત્ર, સરકારો અને વિપક્ષને તેમની જવાબદારીનું ભાન કરાવવું પડશે અને તેમને જવાબદારીપૂર્વક વર્તવા ફરજ પાડવી પડશે. કેલેન્‍ડર બદલાય તેની સાથે સ્‍થિતિમાં પણ સકારાત્‍મક બદલાવ આવવો જરૂરી છે. લોકશાહીમાં લોકોએ જ ચાવીરૂપ ભૂમિકા ભજવવાની હોય છે. લોકો અકારણ સહન કરતા રહેશે તો ખુદનું જ પતન થતું રહેશે.

(11:00 AM IST)