News of Saturday, 9th August 2025
ઇતિહાસ પાસેથી શીખો : કરો યા મરો
‘‘ગુંડાઓ, સોૈરાષ્ટ્ર છોડો'' લડત આદરો : ઇતિહાસ વિવાદનો નહિ, પ્રેરણાનો વિષય
આજે રક્ષાબંધનનું પર્વ છે. બહેનો ભાઇઓના કાંડે રાખડી બાંધીને રક્ષણની પ્રાર્થના કરે છે. વાસ્તવિકતા એ છે કે, બહેનો કે ભાઇઓ કોઇની સુરક્ષાની ખાતરી નથી. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અતિ ભયંકર બની છે. તંત્ર અને શાસક બંને ક્ષેત્રો બેજવાબદાર બન્યા છે. આ કારણે ગુંડાતત્વોનું તાંડવ ચાલી રહયું છે. સામાન્ય નાગરિકોની દશા અતિ ખરાબ છે.
આ સમય નિરાશ થવાનો નથી. ઇતિહાસમાંથી પ્રેરણા લેવાનો છે. આજનો દિવસ ઇતિહાસની દૃષ્ટિએ ઐતિહાસિક છે. ૯ ઓગસ્ટ ૧૯૪૨ ના દિને ઓગસ્ટ ક્રાંતિનો પ્રારંભ થયો હતો. આ દિવસે મહાત્મા ગાંધીજીએ ભારત છોડો આંદોલનની શરૂઆત કરી હતી અને કરો યા મરો.. નો નારો આપ્યો હતો. આ દિને ગાંધીજી, સરદાર, નેહરુની ધરપકડો થઇ હતી. અંગ્રેજો ધ્રુજી જાય તેવી આ લડત હતી.
ભારતમાં ઇતિહાસના પાત્રોને વિવાદી બનાવવાની પરંપરા ચાલે છે.ᅠ ઐતિહાસિક પાત્રોને બદનામ કરવા અને નિヘતિ પાત્રોનું બ્રાન્ડિંગ કરતા રહેવાની ફેશન ચાલે છે. ઘણાં ગાંધીજીનો ઝંડો લઇને નીકળી પડયા છે. ઘણાં સરદારના નામે ખેલ નાખતા રહે છે. ઘણાં ને તો નેહરુ જ હીરો દેખાય છે.
આ બધાં સ્વાર્થીલા ટોળા છે. સરદાર- નેહરુ -ગાંધી જેવા કોઇ પાત્રનું એક પણ લક્ષણ ન હોય, પણ આવા પાત્રોના નામે પોતાની દુકાન ચલાવે છે. આવા તત્વોના કારણે સ્થિતિ કથળી ગઇ છે. આ સ્થિતિમાં કરો યા મરો જંગની જરૂર છે.
સોૈરાષ્ટ્રમાં ગુન્હાખોરીનું બ્રેક વગરનું તાંડવ ચાલે છે. રાજકારણીઓ અને અધિકારીઓ ગુંડાના તાંડવ સામે મુજરા કરે છે. હદ ઉપરાંતની સહનશકિત લોકોમાં જોવા મળે છે. બેકાબૂ સ્થિતિમાં લોકક્રાંતિના મંડાણની જરૂર છે.
‘‘ગુંડાઓ સોૈરાષ્ટ્ર છોડો'' મહાઆંદોલન ન થઇ શકે ? આ આંદોલનમાં એક પણ રાજકારણીની જરૂર નથી. સ્વયંભૂ લોકક્રાંતિ થવી જોઇએ. નેતાઓ અને અધિકારીઓ ધ્રુજી જાય તેવી સ્થિતિ સર્જાવી જોઇએ. સોૈરાષ્ટ્રના મત લઇને સત્તામાં ગોઠવાઇ જનારા સોૈરાષ્ટ્રને નર્કમાં ધકેલી રહયા છે. આવા તત્વો કોઇ જ્ઞાતિ- સમાજ- ધર્મ કે વિસ્તારનું ભલું ન કરી શકે. આવા તત્વો સામે ક્રાંતિ થવી જોઇએ. સોૈરાષ્ટ્ર રાજય અલગ આપવાની પણ પરિણામલક્ષી માંગ રણનીતિ પૂર્વક થવી જોઇએ. લોકશાહીમાં લોકોની તાકાત જ મહત્વની છે એ સાબિત કરી દેખાડવાનો આ અવસર છે.
ગાંધીજીના નામે ગાંધીવાદીઓ દુકાન ચલાવે છે. સરદારના નામે જ્ઞાતિવાદ ચાલે છે. નેહરુના નામે કોંગ્રેસનો ધંધો ચાલે છે. વીર સાવરકરના નામે હિન્દુવાદ ના ખેલ ચાલે છે. ઐતિહાસિક વ્યકિતત્વો નાટકનો ભાગ બની ગયા છે. દરેક રાજયમાં ઇતિહાસના નામે ગતકડાં ચાલે છે. સોૈરાષ્ટ્રે ઐતિહાસિક વ્યકિતત્વોમાંથી ક્રાંતિ કરી દેખાડીને અલગ ચીલો ચાતરવો જોઇએ.
‘‘કરો યા મરો'' સુત્ર આજે પણ પ્રસ્તુત છે. કંઇ નહી કરો તો ગુંડાઓના હાથે મોક્ષ નક્કી છે. (૩.૨)
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
