<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th November 2026

વાંકાનેરમાં ભત્રીજાએ ખાર રાખી કાકાને રખડવાના બહાને તીથવાની સીમમાં લઇ જઇ હાથ ભાંગી નાંખ્‍યો

દિવાળીએ મને ચાર જણા મારતા'તા ત્‍યારે છોડાવવા કેમ ન આવ્‍યા? : દિનેશભાઇ રીબડીયા રાજકોટ સારવાર હેઠળઃ ધોકાના ફટકા મારી ભત્રીજો ભાગી જતાં રાહદારીની મદદ લઇ ઘરે આવ્‍યા

રાજકોટ તા. ૧૬: વાંકાનેરના જીનપરામાં રહેતાં આધેડને તેના ભત્રીજાએ જુનો ખાર રાખી હાલો કાકા રખડતાં આવીએ કહીને બાઇકમાં બેસાડી તીથવા ગામની સીમમાં લઇ જઇ ધોકાથી બેફામ માર મારી હાથ ભાંગી નાંખ્‍યા બાદ તેને ત્‍યાં જ છોડી ભાગી જતાં આધેડ કોઇ રાહદારીની મદદ લઇ ઘરે પહોંચ્‍યા બાદ સારવાર માટે રાજકોટ દાખલ થયા છે.

જાણવા મળ્‍યા મુજબ જીનપરામાં રહેતાં દિનેશભાઇ ઘોઘાભાઇ રીબડીયા (ઉ.વ.૪૭)ને તેના સગા ભત્રીજા અજય વિનોદભાઇ રીબડીયાએ કાકા હાલો મારા ભેગા રખડતા આવીએ કહીને બાઇકમાં બેસાડી વાંકોનર નજીકના તીથવા ગામની સીમમાં લઇ જઇ બાદમાં ઝઘડો કરી ‘દિવાળીને દિવસે મને ચાર જણા મારતા હતાં ત્‍યારે તમે નજીકમાં જ હતા તો'ય કેમ મને છોડાવવા ન આવ્‍યા?' કહી ધોકાથી હાથ-પગમાં બેફામ ફટકા મારી ભાગી જતાં દિનેશભાઇ પડી ગયા હતા.

બાદમાં તેઓ માંડ માંડ ચાલીને રોડ પર આવ્‍યા બાદ એક રાહદારી નીકળતાં તેની મદદથી ઘરે અને બાદમાં વાંકાનેર હોસ્‍પિટલમાં પહોંચ્‍યા હતાં. જમણા હાથમાં ફ્રેકચર થયું હોઇ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે વાંકાનેર પોલીસને જાણ કરી હતી. દિનેશભાઇ બે ભાઇમાં નાના અને અપરિણીત છે. છુટક મજૂરી કરી ગુજરાન ચલાવે છે. તેના કહેવા મુજબ દિવાળીએ ભત્રીજાને ચાર જણાએ માર્યો એ વખતે હું થોડો દુર હતો. આમ છતાં તેણે ખાર રાખ્‍યો હતો કે હું તેને છોડાવવા ગયો નહોતો. ખોટુ બોલીને મને સીમમાં લઇ જઇ ધોકાના વીસ પચ્‍ચીસ ફટકા હાથે-પગે ફટકાર્યા  હતાં. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

(10:47 AM IST)