News of Saturday, 14th November 2026
ચોટીલામાં આસ્થાનો અવિરત પ્રવાહ, વાહનોનો મહાકાફલો અને વ્યવસ્થાની કસોટી
પાંચ દિવસમાં પાંચ લાખથી વધુ શ્રદ્ધાળુઓની હાજરીએ ચોટીલા યાત્રાધામની વધતી લોકપ્રિયતાની સાક્ષી પૂરી!: હાઇવે થી ડુંગર સુધી માનવમહેરામણ, પાર્કિંગ વ્યવસ્થા ટૂંકી પડતાં સુવિધા વધારવાની જરૂરઃ નેશનલ હાઈવે પર વાહનોની લાંબી કતારો વચ્ચે ટ્રાફિક વ્યવસ્થા પડકારરૂપ બનીઃ ૨૦૦ જેટલા પોલીસકર્મીઓના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે યાત્રાધામ ધમધમ્યું

(જીજ્ઞેશ શાહ દ્વારા) ચોટીલા તા.૧૪: દિવાળીના પર્વની ઉજવણી પૂર્ણ થતાં જ વેકેશન અને લાંબી રજાઓનો લાભ લેવા લોકો ધાર્મિક યાત્રાધામો તથા પ્રવાસન સ્થળો તરફ વળ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ચામુંડા માતાજીના સાનિધ્યમાં શ્રદ્ધા અને ભક્તિનો અદભુત માહોલ સર્જાયો છે. સામાન્ય રીતે બેસતા વર્ષના બપોર બાદ શરૂ થતો યાત્રિકોનો ધસારો આ વખતે બેસતા વર્ષ પહેલાંથી જ શરૂ થઈ જતાં સમગ્ર ચોટીલા ધામમાં ભારે ચહલપહલ જોવા મળી હતી.
દિવાળી બાદના પ્રથમ પાંચ દિવસ દરમિયાન ચોટીલા ખાતે પાંચ લાખથી વધુ શ્રદ્ધાળુઓની અવરજવર નોંધાઈ હોવાનું અનુમાન છે. હજુ આગામી બે દિવસ પણ યાત્રિકોનો પ્રવાહ યથાવત્ રહેવાની શકયતાને પગલે તળેટીથી લઈને નેશનલ હાઈવે સુધી ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી મોડી સાંજ સુધી માતાજીના દર્શન માટે ઉમટતા ભાવિકોના પ્રવાહે ચોટીલાની યાત્રાધામ તરીકેની લોકપ્રિયતાને વધુ એક વખત ઉજાગર કરી છે.
તહેવારો દરમિયાન યાત્રિકોની સલામતી, સુવિધા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેમાં બે પોલીસ ઇન્સ્પેક્ટર, છ પોલીસ સબ ઇન્સ્પેક્ટર, મહિલા પોલીસ ટીમ, પોલીસ કોન્સ્ટેબલ, હોમગાર્ડ અને જીઆરડીના જવાનો સહિત અંદાજે ૨૦૦ જેટલા પોલીસ કર્મચારીઓને વિવિધ સ્થળોએ ફરજ પર તૈનાત કરવામાં આવ્યા હતા.
પોલીસ દ્વારા યાત્રાધામ, તળેટી, હાઈવે અને મુખ્ય માર્ગો પર સતત દેખરેખ રાખવામાં આવી હતી. ભારે ભીડ અને વાહનોના પ્રવાહ વચ્ચે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા સઘન બંદોબસ્ત અને સતત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
