<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

જૂનાગઢ તાલુકા સેવા સદનની આસપાસ 200 મીટરના વિસ્તારમાં બિનઅધિકૃત એજન્ટો અને લારી-વેપારીઓ પર પ્રતિબંધ

સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટનું આ જાહેરનામું આગામી 11 જાન્યુઆરી 2027 સુધી સમગ્ર વિસ્તારમાં અમલી રહેશે: જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદાકીય કાર્યવાહીની ચેતવણી

જૂનાગઢ તાલુકા સેવા સદન અને તેની આસપાસના વિસ્તરણમાં નાગરિકોને પડી રહેલી અગવડ તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. સરકારી કામકાજ અર્થે આવતા સામાન્ય જનતાને એજન્ટો દ્વારા થતી પરેશાની અને અડચણોને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રએ બિનઅધિકૃત તત્વો સામે લાલ આંખ કરી છે.

 

સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલા કડક જાહેરનામા અનુસાર, જૂનાગઢ તાલુકા સેવા સદનથી આસપાસના 200 મીટરના ત્રિજ્યા વાળા વિસ્તારમાં કોઈપણ બિનઅધિકૃત એજન્ટોને બેસવા પર સંપૂર્ણ મનાઈ ફરમાવવામાં આવી છે. આ ઉપરાંત, સેવા સદન પરિસરમાં કે તેની આસપાસ દબાણ કરતા લારી અને છૂટક વેપારીઓ ઉપર પણ સખત પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, જેથી સરકારી કચેરીમાં આવતા અરજદારો સરળતાથી પોતાના કામ કરાવી શકે.

 

વહીવટી તંત્ર દ્વારા લેવાયેલા આ નિર્ણપથી કચેરી પરિસરમાં વ્યાપેલા ગેરકાયદે એજન્ટ રાજ અને અરાજકતા પર લગામ કસવામાં આવશે. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટનું આ જાહેરનામું આગામી 11 જાન્યુઆરી 2027 સુધી સમગ્ર વિસ્તારમાં અમલી રહેશે, જેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે.

 

તંત્ર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, જો કોઈ વ્યક્તિ કે વેપારી આ જાહેરનામાનો ભંગ કરશે તો તેમની સામે કાયદાકીય અને કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. વહીવટી તંત્રના આ કડક રૂખથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરનારાઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

(11:06 PM IST)