News of Saturday, 14th November 2026
દિવાળીના વેકેશનમાં પૂર્વ કચ્છના પ્રવાસન અને યાત્રાધામોમાં પ્રવાસીઓ ઉમટ્યાં
હડપ્પન નગરી ધોળાવીરા, સફેદ રણ, રોડ ટુ હેવન, રવેચી માતાજી, વૃજવાણી અને મોમાય માતાજીનાં દર્શન-પ્રવાસ માટે પ્રવાસીઓનો ભારે ધસારો; હોટલ વ્યવસાયમાં પણ તેજી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૪ : દિવાળી અને નૂતન વર્ષની રજાઓને અનુલક્ષીને પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં આવેલા પૌરાણિક યાત્રાધામો, ધાર્મિક સ્થળો અને પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. રાપર તાલુકાના રવેચી માતાજી મંદિર, કાનપર ખાતે આવેલું લીંગ માતાજી મંદિર, મોમાયમોરા ખાતે મોમાય માતાજી મંદિર, વૃજવાણી સહિતનાં ધાર્મિક સ્થળોએ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટ્યા હતા. જ્યારે વિશ્વવિખ્યાત ધોળાવીરા, હેવન ટુ રોડ, ફોસિલ પાર્ક, અમરાપર, શિરાણીવાંઢ, એકલ બાંભણકા રણ અને ધુડખર અભયારણ્ય સહિતનાં પ્રવાસન સ્થળોએ પણ પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી. ખાસ કરીને ખડીર, ધોળાવીરા, રતનપર, હેવન ટુ રોડ, એકલ બાંભણકા રોડ અને સફેદ રણ પ્રવાસીઓથી ઉભરાઈ ગયાં હતાં. રતનપરના સરપંચ દશરથભાઈ આહીરે જણાવ્યું હતું કે, દિવાળીના તહેવારો દરમિયાન પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હતો અને વિવિધ પ્રવાસન સ્થળોએ વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. ધોળાવીરા અને હેવન ટુ રોડ તરફ જતાં માર્ગો પર અનેક ગાડીઓનો જમાવડો જોવા મળ્યો હતો.
ધોળાવીરાથી કાળો ડુંગર થઈ ખાવડા અને ધોરડો તરફ જતા માર્ગો પર પણ પ્રવાસીઓનો ભારે પ્રવાહ જોવા મળ્યો હતો. તહેવારોની રજાઓમાં પ્રવાસીઓની વધેલી અવરજવરને કારણે ધોળાવીરાની હોટલો અને પ્રવાસન વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય રૂપેશભાઈ આહીરે જણાવ્યું હતું કે, પ્રવાસીઓના ધસારાને પગલે ધોળાવીરામાં હોટલ વ્યવસાયમાં સારી તેજી જોવા મળી હતી. ધોળાવીરા અને હેવન ટુ રોડની મુલાકાતે માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશનાં વિવિધ રાજ્યોમાંથી પણ પ્રવાસીઓ પહોંચ્યા હતા. હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા નરેન્દ્રદાન ગઢવીએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્યપ્રદેશ, બેંગલુરુ સહિત દક્ષિણ ભારત અને રાજસ્થાન જેવા વિસ્તારોમાંથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. કોઈ પ્રવાસીઓ બાઈક પર તો કોઈ પોતાની મોંઘી કાર અને લક્ઝરી બસો મારફતે કચ્છની મુલાકાતે આવ્યા હતા. પ્રવાસીઓની આ ભીડને કારણે હોટલ સંચાલકો અને સ્થાનિક વ્યવસાયકારોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.
બીજી તરફ રાપરથી આશરે ૧૫ કિલોમીટરના અંતરે કાનપર ગામે આવેલું લીંગ માતાજીનું મંદિર પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. તાજેતરમાં નિર્માણ પામેલું દક્ષિણ ભારતીય મંદિરની શૈલી જેવું આ ભવ્ય મંદિર જોવા અને માતાજીનાં દર્શન કરવા મુંબઈ, કચ્છ, વાગડ અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા. મંદિર ટ્રસ્ટના પ્રમુખ મહાદેવભાઈ ભૂષણે જણાવ્યું હતું કે, તહેવારો દરમિયાન મંદિરમાં દર્શનાર્થે આવતા ભક્તોની સંખ્યામાં વધારો નોંધાયો હતો. આ ઉપરાંત પૌરાણિક રવેચી માતાજી મંદિર, મોમાય માતાજી મંદિર અને વૃજવાણી ખાતે પણ દર્શનાર્થીઓનો ધસારો જોવા મળ્યો હતો. આમ, દિવાળી અને નૂતન વર્ષની રજાઓ દરમિયાન પૂર્વ કચ્છના વાગડ વિસ્તારનાં ધાર્મિક યાત્રાધામો, ઐતિહાસિક ધરોહર અને કુદરતી સૌંદર્ય ધરાવતા પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓની ભારે અવરજવરથી સમગ્ર વિસ્તારમાં પ્રવાસન પ્રવૃત્તિઓને વેગ મળ્યો હતો. સ્થાનિક હોટલ, વાહનવ્યવહાર અને નાના-મોટા વેપારીઓને પણ તેનો સીધો લાભ મળ્યો હતો. (તસ્વીર: મુકેશ રાજગોર, રાપર)
(9:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
