News of Saturday, 28th November 2026
જામનગરમાં મિલકતવેરા વસૂલાત માટે મહાનગરપાલિકાની કડક કાર્યવાહી, ત્રણ દિવસમાં અનેક મિલકતો પર કાર્યવાહી કરાઈ અને લાખો રૂપિયાની વસૂલાત થઈ
૨૬ થી ૨૮ નવેમ્બર દરમિયાન ૪૧ મિલકતોની સ્થળ મુલાકાત લેવાઈ, ૩ મિલકતોએ ડ્યુ ડેટ ચેક આપ્યા, ૫ મિલકતોને સીલ કરાઈ, બાકી વેરો ન ભરનાર સામે પાણી કનેક્શન કાપવાની ચેતવણી અપાઈ

(મુકુંદ બદીયાણી દ્વારા જામનગર) જામનગર, તા.૨૮ : જામનગર મહાનગરપાલિકા દ્વારા મિલકતવેરા શાખા દ્વારા તા.૩૧.૦૩.૨૦૨૬ સુધીનો મિલકતવેરો ન ભરનાર મિલકતધારકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નિયમોનુસાર વોરંટ તથા અનુસૂચીની બજવણી કરવા છતાં પણ મિલકતવેરો ન ભરનાર બાકીદારોની તા.૨૬.૧૧.૨૦૨૬ થી તા.૨૮.૧૧.૨૦૨૬ દરમિયાન કુલ ૪૧ મિલકતોની સ્થળ પર મુલાકાત લઈને જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.
સ્થળ મુલાકાત દરમિયાન ૩ મિલકતધારકોએ બાકી વેરા પેટે ડ્યુ ડેટ ચેક આપ્યા હતા. આ મિલકતોમાં ધનજી મારાજ વ્રજ મેરેજ હોલની રૂ. ૪,૦૧,૦૭૬, કાયાભાઈ સવજણભાઈ ગઢવીની સોનલ કૃપા પ્રોવિઝન સ્ટોરની રૂ. ૧,૧૧,૬૫૮ અને મનસુખભાઈ ગોરધનભાઈની આશાપુરા પ્રોવિઝન સ્ટોરની રૂ. ૧,૨૫,૭૧૫ ની રકમનો સમાવેશ થાય છે. આ ત્રણેય મિલકતો પાસેથી કુલ રૂ. ૬,૩૮,૪૪૯ ની વસૂલાત માટે ચેક મેળવવામાં આવ્યા હતા.
બીજી તરફ વેરો ન ભરનાર ૫ મિલકતોને સીલ કરવામાં આવી હતી. સીલ કરાયેલી મિલકતોમાં ગુમાનસિંહ જેઠવાની રૂ. ૨,૭૩,૮૩૨, જગાભાઈ કારુભાઈ કરંગીયાની રૂ. ૧,૧૮,૭૯૫, દેવાણંદ પુંજા ગાગીયાની રૂ. ૧,૪૯,૦૧૦, ભીમશીભાઈ લક્ષ્મણભાઈ આહીરની રૂ. ૧,૩૧,૦૦૫ અને પરષોત્તમભાઈ હરજીભાઈ અજુડીયાની રૂ. ૧,૩૬,૫૭૪ ની બાકી રકમ ધરાવતી મિલકતોનો સમાવેશ થાય છે. આ પાંચ મિલકતોની કુલ બાકી રકમ રૂ. ૮,૦૯,૨૧૬ થાય છે.
ઉપરોક્ત રિકવરીની કામગીરી કમિશનરની સૂચના અને આસી. કમિશનર ટેક્સના માર્ગદર્શન હેઠળ મિલકતવેરા શાખાના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. વોરંટ અને અનુસૂચીની બજવણી છતાં વેરો ન ભરનાર મિલકતધારકો સામે નિયમોનુસારની આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવાયું હતું. શાખા દ્વારા બાકીદારોની યાદી મુજબ તબક્કાવાર સ્થળ મુલાકાત અને કાર્યવાહી કરવામાં આવી રહી છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા આગામી સમયમાં પણ મિલકતવેરો નહીં ભરપાઈ કરનારાઓની મિલકત સીલ કરવામાં આવશે અને નળ નળકનેક્શન કાપવાની કડક કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું જણાવાયું છે. મહાનગરપાલિકાએ મિલકતધારકોને તાત્કાલિક બાકી મિલકતવેરો ભરપાઈ કરવા જાણ કર્યું છે, જેથી તેઓ આવી કાર્યવાહીથી બચી શકે.
મિલકતવેરો મહાનગરપાલિકાની મુખ્ય આવકનો સ્ત્રોત છે, જેના દ્વારા શહેરમાં રસ્તા, પાણી, સફાઈ, સ્ટ્રીટલાઈટ સહિતની પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. સમયસર વેરો ભરવાથી નાગરિકોને દંડ અને કાયદાકીય કાર્યવાહીથી બચી શકાય છે, જ્યારે શહેરના વિકાસ કાર્યોને પણ વેગ મળે છે.
(7:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
