News of Saturday, 14th November 2026
ભુજના પાયરકા ગામે બંદૂકની ગોળીથી નીપજેલા મોતના કેસમાં સનસનીખેજ ખુલાસો: ગેરકાયદે શિકાર દરમિયાન અન્ય શખ્સ દ્વારા છુટેલી ગોળીથી નીપજેલા મોતને છુપાવવા રચ્યું ષડયંત્ર
પશ્ચિમ કચ્છ એસઓજી અને એલસીબીએ ભેદ ઉકેલી ૪ શખ્સોને ઝડપ્યા, અન્ય ૬ને ઝડપી પાડવા પોલીસની તજવીજ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૪ : પશ્ચિમ કચ્છના માનકુવા પોલીસ મથકની હદમાં આવેલા પાયરકા ગામની સીમમાં બંદૂકની ગોળી વાગતાં એક યુવકના થયેલા શંકાસ્પદ મોતના બનાવમાં પોલીસ તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે. શરૂઆતમાં અકસ્માતે મોતનો બનાવ માનીને તપાસ હાથ ધરવામાં આવી હતી, પરંતુ પશ્ચિમ કચ્છ એસઓજી અને એલસીબીની સંયુક્ત તપાસમાં આ સમગ્ર પ્રકરણમાં ગંભીર ગુનાહિત કાવતરું રચાયું હોવાનું બહાર આવ્યું છે. ગેરકાયદે શિકાર દરમિયાન થયેલા ફાયરિંગમાં કાદર હાસમ જતનું મોત નીપજ્યા બાદ આ ઘટનાને અકસ્માતમાં ખપાવવા તેમજ લાયસન્સવાળી બંદૂકને બચાવવા માટે પુરાવા સાથે ચેડાં કરવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય છ શખ્સોની સંડોવણી ખુલતાં તેમને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, ગત તા. ૦૩/૧૧/૨૦૨૬ના રોજ રાત્રિના સમયે કાદર હાસમ જત, ઇશા હુશેન જત, અલ્તાફ રમજુ જત અને જુમા ઉર્ફે રશીદ ઉમર જત (તમામ રહે. પીરવાળી-સુમરાસર-જત, તા. ભુજ) પાયરકા ગામની સીમમાં બંદૂકથી શિકાર કરવા ગયા હતા. આ દરમિયાન શિકાર કરતી વખતે અચાનક ઇશા જતની આંગળી બંદૂકના ટ્રિગર પર આવી જતાં ફાયરિંગ થયું હતું. બંદૂકમાંથી છૂટેલી ગોળી સામે ઊભેલા કાદર હાસમ જતના માથામાં વાગતાં તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
*લાયસન્સવાળી બંદૂક બચાવવા રચ્યું કાવતરું*
આકસ્મિક ફાયરિંગમાં પરિવારના જ સભ્ય કાદર જતનું મોત થતાં અને ઘટનામાં જુમા મુસા જતની કાયદેસરની લાયસન્સવાળી બંદૂક વપરાઈ હોવાનું સામે આવતાં આરોપીઓએ હથિયારનું લાયસન્સ રદ ન થાય અને બંદૂક જપ્ત ન થાય તે માટે કાવતરું રચ્યું હતું. આ માટે આરોપીઓએ અન્ય એક ગેરકાયદેસર દેશી બનાવટની બંદૂકની વ્યવસ્થા કરી હતી. ત્યારબાદ અસલ લાયસન્સવાળી બંદૂકને છુપાવી તેના સ્થાને ઘટનાસ્થળે દેશી બનાવટની ગેરકાયદેસર બંદૂક મૂકી દેવામાં આવી હતી. એટલું જ નહીં, પોલીસ તપાસને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી આપીને સમગ્ર બનાવને સામાન્ય અકસ્માતનું સ્વરૂપ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ શંકાસ્પદ બનાવની તપાસ દરમિયાન એસઓજીના એએસઆઈ નરેન્દ્રસિંહ ઝાલા તથા રઘુવીરસિંહ ઉદુભા જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી. એસઓજી અને એલસીબીની સંયુક્ત ટીમે ટેકનિકલ તથા હકીકતલક્ષી તપાસના આધારે સમગ્ર કાવતરાનો પર્દાફાશ કર્યો હતો. તપાસમાં ઇશા હુશેન જત (રહે. પીરવાળી, તા. ભુજ), આદમ ઇભલા જત (રહે. કોડકી, તા. ભુજ), જુમા મુસા જત (હાલ રહે. કોડકી, મૂળ પીરવાળી, તા. ભુજ) અને જાકબ દાઉદ જત (રહે. ટાંકણાસર, તા. ભુજ)ની સંડોવણી બહાર આવતાં ચારેયને ઝડપી લેવામાં આવ્યા હતા. જાકબ દાઉદ જત સામે અગાઉ પણ આર્મ્સ એક્ટ અને મારામારીના ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે.
*અન્ય છ શખ્સોની સંડોવણી ખુલતાં શોધખોળ તેજ*
આ ગુનાની તપાસ દરમિયાન વધુ છ શખ્સોની સંડોવણી પણ બહાર આવી છે. જેમાં ઉમર જાકબ જત (રહે. સુમરાસર-જત), હાજી સિધિક મામદ જત (રહે. પીરવાળી), જુમા કાસમ જત (રહે. નવાવાસ, પીરવાળી), સિધિક દાઉદ જત (રહે. સુમરાસર-જત), ઇબ્રાહિમ હાજીસિધિક જત (રહે. નવાવાસ, પીરવાળી) અને ઇમરાન દાઉદ જત (રહે. માઇના પડ, તા. ભુજ)નો સમાવેશ થાય છે. આ તમામ શખ્સોને ઝડપી પાડવા પોલીસે અલગ-અલગ દિશામાં તપાસ અને શોધખોળ તેજ કરી છે. પકડાયેલા ચારેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ માટે તેમને માનકુવા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. આ સમગ્ર કામગીરી સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તથા પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ અધિક્ષક વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. જેમાં એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર, એલસીબી પીઆઈ એ.એમ. મકવાણા સહિત બંને ટીમના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.
*અકસ્મિક મોતની તપાસમાંથી હત્યા અને પુરાવા નાશના ગુનાનો ખુલાસો*
ઉલ્લેખનીય છે કે, બનાવની શરૂઆતમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન મૃતકે આત્મહત્યા કરી હોવાની શંકા પણ વ્યક્ત કરવામાં આવી હતી. જોકે, પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં ગેરકાયદે શિકાર દરમિયાન થયેલા ફાયરિંગ બાદ ઘટનાને છુપાવવા અને પોલીસને ગેરમાર્ગે દોરવા માટે સુનિયોજિત પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આમ, અકસ્માત મોત તરીકે સામે આવેલા આ બનાવે ગંભીર ગુનાહિત કાવતરાનું સ્વરૂપ ધારણ કરતાં પશ્ચિમ કચ્છ પોલીસની કામગીરીથી સમગ્ર પ્રકરણનો ભેદ ઉકેલાયો છે.
(9:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
