News of Saturday, 14th November 2026
માળિયા-પીપળીયા નેશનલ હાઈવેને ૬-લેન બનાવવા ૧૧૮૨ કરોડ મંજૂર
અમળતસર-જામનગર ઇકોનોમિક કોરિડોર હેઠળ ૨૪.૫૧ કિમીનો માર્ગ બનશે સિક્સ લેન ફ્લાયઓવર, ૩ અંડરપાસ અને ૨ રેલવે ઓવરબ્રિજ બનશેઃ નવલખી બંદર અને સિરામિક ઉદ્યોગ માટે પ્રોજેક્ટ ‘ગેમ ચેન્જર' સાબિત થશે

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૧૪: મોરબી જિલ્લાના વિકાસને વધુ તેજ ગતિ આપવા માટે કેન્દ્ર સરકારે એક મોટી ભેટ આપી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપતા જણાવ્યું હતું કે મોરબી જિલ્લામાંથી પસાર થતા અમળતસર-જામનગર ઇકોનોમિક કોરિડોર (નેશનલ હાઈવે-૧૫૧A) ના માળિયા-પીપળીયા વિભાગને ૬-લેન બનાવવા માટે રૂ. ૧૧૮૨.૪૦ કરોડની માતબર રકમને મંજૂરી આપવામાં આવી છે.
માળિયા-પીપળીયા સેક્શનનો આ હાઈવે ૨૪.૫૧ કિલોમીટર લાંબો છે. હાલમાં આ માર્ગ પાકો છે પરંતુ માત્ર ૨-લેનનો હોવાથી અહીં ભારે વાહનોની સતત અવરજવરને કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાય છે. હવે આ માર્ગ ૬-લેન બનતા ટ્રાફિક જામની સમસ્યાનું કાયમી નિરાકરણ આવશે.
આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં માત્ર રસ્તો પહોળો જ નથી કરવાનો, પરંતુ મુસાફરીને અત્યંત સુગમ અને સુરક્ષિત બનાવવા આધુનિક માળખાગત સુવિધાઓ પણ ઊભી કરાશે. આ પ્રોજેક્ટ અંતર્ગત બાયપાસ, કોંક્રિટ સર્વિસ રોડ, ૧ ફ્લાયઓવર, ૩ વાહન અંડરપાસ (VUP) અને ૨ રેલવે ઓવરબ્રિજ (ROB) નું નિર્માણ કરવામાં આવશે. આ નવનિર્માણથી વાહનચાલકોના મુસાફરીના સમય અને ઇંધણની મોટી બચત થશે, તેમજ વાહનોના સંચાલન ખર્ચમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે.
આ હાઈવે નવલખી બંદર અને અમળતસર-જામનગર ઈકોનોમિક કોરિડોરને જોડતી એક મહત્વની કડી છે. કનેક્ટિવિટી સુધરવાથી નવલખી બંદર પરથી માલસામાનની હેરફેર ખૂબ જ ઝડપી અને સરળ બનશે. સાથે જ દેશની બે સૌથી મોટી રિફાઈનરીઓમાંથી ઉત્તર ભારતનાં રાજ્યો સુધી પેટ્રોલિયમ પેદાશો પહોંચાડવામાં પણ ખૂબ અનુકૂળતા રહેશે.
આ ઉપરાંત, મોરબી-રાજકોટ પટ્ટાના ઔદ્યોગિક એકમો, ખાસ કરીને વિશ્વવિખ્યાત સિરામિક ઉદ્યોગ, કળષિ ક્ષેત્ર અને લોજિસ્ટિક્સ વ્યવસ્થાને આ પ્રોજેક્ટથી નવી ઊર્જા અને ગતિ મળશે. એકંદરે આ પ્રોજેક્ટ સમગ્ર પ્રદેશના ઔદ્યોગિક વિસ્તરણ અને સામાજિક-આર્થિક પ્રગતિ માટે ફાયદાકારક સાબીત થાશે
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
