<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th November 2026

કચ્છમાં રાપર પોલીસે માનવીય સંવેદના સાથે ઉજવી દિવાળી: દિવ્યાંગજનો સાથે રાસ-ગરબે ઘૂમી કરી ઊજવણી

ગ્રામ્ય સેવા સંગઠનની હોસ્ટેલમાં દિવ્યાંગજનો સાથે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ ગરબે ઘૂમી, મીઠાઈ ખવડાવી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી; પોલીસની માનવીય પહેલે સૌનાં દિલ જીત્યાં

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૪  :  નવા વર્ષના પ્રારંભે લોકો એકબીજાને શુભેચ્છાઓ પાઠવી, મીઠાઈ ખવડાવી અને હર્ષોલ્લાસ સાથે નવા વર્ષને આવકારતા હોય છે. ત્યારે રાપર પોલીસે આ વર્ષે નવા વર્ષની ઉજવણી કંઈક અનોખી અને હૃદયસ્પર્શી રીતે કરીને સમાજમાં માનવતા અને સંવેદનાનો સુંદર સંદેશ આપ્યો હતો. રાપર શહેરના ચિત્રોડ રોડ પર ગ્રામ્ય સેવા સંગઠન સંચાલિત દિવ્યાંગજનોની હોસ્ટેલ ખાતે રાપર પોલીસ દ્વારા નવા વર્ષની વિશેષ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. બોર્ડર રેન્જના આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ દિવ્યાંગજનો સાથે હળવાશભર્યો સમય વિતાવી ખુશીઓ વહેંચી હતી.

રાપર પોલીસ ઇન્સ્પેક્ટર આર.એલ. ખટાણા, પીએસઆઈ એચ.વી. કાતરીયા સહિત મુકેશસિંહ રાઠોડ, મનહર ચૌધરી, તેજાભાઈ રબારી, આનંદ ભટ્ટ, વિજયભાઈ પરમાર, જાગૃતિ ગામોટ, ભાવના ચૌધરી, ગજુભા, રાજુભાઈ જોશી, રામદેવસિંહ જાડેજા, ઇન્દુભા ગોહિલ, મયુરસિંહ સરવૈયા, મહેન્દ્રસિંહ સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન પોલીસ કર્મચારીઓએ દિવ્યાંગજનો સાથે મન મૂકીને રાસ-ગરબા રમ્યા હતા. સંગીતના તાલે પોલીસ અધિકારીઓ અને દિવ્યાંગજનો એકસાથે ઝૂમ્યા હતા અને સમગ્ર વાતાવરણ આનંદ, ઉત્સાહ તથા આત્મીયતાથી છલકાઈ ઊઠ્યું હતું. પોલીસ કર્મચારીઓએ દિવ્યાંગજનોને મીઠાઈ ખવડાવી નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી અને તેમની સાથે હસતાં-રમતાં યાદગાર પળો વિતાવી હતી.

આ પ્રસંગે શૈલેષભાઈ કોઠારી પણ ઉપસ્થિત રહ્યા હતા. સામાન્ય રીતે કાયદો અને વ્યવસ્થાની જવાબદારી નિભાવતી પોલીસ જ્યારે સમાજના વિશેષ જરૂરિયાત ધરાવતા લોકો વચ્ચે જઈને તેમની સાથે ખુશીઓ વહેંચે છે, ત્યારે પોલીસનું એક સંવેદનશીલ અને માનવીય સ્વરૂપ પણ ઉજાગર થાય છે. નવા વર્ષના પ્રથમ દિવસે રાપર પોલીસની આ પહેલે સાબિત કર્યું હતું કે તહેવારોની સાચી ખુશી માત્ર પોતાની ઉજવણીમાં નહીં, પરંતુ અન્યના જીવનમાં આનંદની ક્ષણો ઉમેરવામાં રહેલી છે. દિવ્યાંગજનો સાથે રાસ-ગરબા રમી અને સ્નેહભરી શુભેચ્છાઓ પાઠવી રાપર પોલીસે નવા વર્ષની ઉજવણીને ખરેખર યાદગાર અને માનવતાસભર બનાવી હતી. (તસ્વીર: મુકેશ રાજગોર, રાપર)

(9:22 AM IST)