<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

જુનાગઢના ૮૯ પોલીસ કર્મચારીઓને પ્રમોશનની ભેટ

જુનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા, નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલ્‍યા, જૂનાગઢ ગ્રામ્‍યના નાયબ પોલીસ અધિક્ષક રવિરાજસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ દિવાળીના તહેવાર પૂર્વે જ પાત્ર પોલીસ કર્મચારીઓને બઢતીનો લાભ મળી રહે તે હેતુથી કમિટી દ્વારા વિશેષ કામગીરી હાથ ધરવામાં આવીઃ કર્મચારીઓ તથા તેમના પરિવારોમાં આનંદની લાગણી પ્રસરી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૧૩: દિવાળી પૂર્વે જૂનાગઢ જિલ્લા પોલીસ અધીક્ષકના માર્ગદર્શન હેઠળ રચાયેલી કમિટી દ્વારા મોડી રાત્રે ૧૨:૩૦ થી ૨:૦૦ વાગ્‍યા સુધી કામગીરી કરી ૮૯ પોલીસ કર્મચારીઓને પ્રમોશનની ભેટ આપી છે.

પોલીસ કર્મચારીઓના હિતને પ્રાધાન્‍ય આપી દિવાળીના પવિત્ર તહેવાર નિમિત્તે કર્મચારીઓ તથા તેમના પરિવારોમાં ખુશીનો માહોલ સર્જાય તેવા ઉમદા હેતુથી જિલ્લા પોલીસ અધિક્ષક  સુબોધ ઓડેદરા, નાયબ પોલીસ અધિક્ષક  હિતેશ ધાંધલ્‍યા  તથા જૂનાગઢ ગ્રામ્‍યના નાયબ પોલીસ અધિક્ષક  રવિરાજસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ તાત્‍કાલિક કમિટીની રચના કરવામાં આવી હતી.

આ સમગ્ર કામગીરીમાં શીટ શાખાના નીચે મુજબના કર્મચારીઓનું મહત્‍વપૂર્ણ યોગદાન રહ્યું હતું. પિયુષ મેઘનાથી- સિનિયર ક્‍લાર્ક, પરીક્ષિત ગોહિલ- જુનિયર ક્‍લાકર્, સુરેશ કાનગડ- જુનિયર ક્‍લાર્ક, નૂતનબેન કાંગડ- UPC, રાજેશભાઈ ડેર - AHC ઉપરોક્‍ત કર્મચારીઓએ પ્રમોશનની સમગ્ર પ્રક્રિયા સમયસર અને સુચારુ રીતે પૂર્ણ થાય તે માટે અત્‍યંત નિષ્ઠા, જવાબદારી અને સમર્પણભાવથી કામગીરી કરી હતી. ખાસ કરીને દિવાળી પૂર્વે મોડી રાત્રિ સુધી કામગીરી પૂર્ણ કરી તેમણે ફરજ પ્રત્‍યેની પોતાની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્‍યું હતું.

આમ, જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા કર્મચારીઓના હિત અને કલ્‍યાણને પ્રાધાન્‍ય આપી દિવાળીના તહેવાર પૂર્વે આપવામાં આવેલી આ પ્રમોશનની ભેટથી બઢતી મેળવનાર ૮૯ કર્મચારીઓ તથા તેમના પરિવારોમાં આનંદની લાગણી પ્રસરી હતી.

જિલ્લા પોલીસ અધીક્ષક સુબોધ ઓડેદરા  દ્વારા બઢતી મેળવનાર તમામ ૮૯ પોલીસ કર્મચારીઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્‍યા હતા તથા તેમની આગામી સેવાકીય કારકિર્દી વધુ ઉજ્જવળ અને સફળ બને તેવી શુભેચ્‍છાઓ પાઠવવામાં આવી હતી

(11:33 AM IST)